Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

યાંત્રિક રાઈડોમાં નિયમોમાં કોઈ બાંધછોડ નહીં: કલેકટર

ભારે વરસાદ સામે પુરતી તૈયારી છેઃ રાજકોટ પાસે એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની બે ટીમ છેઃ રાહુલ ગુપ્તા : કમીટી બનાવી છેઃ એન્જીનીયરીંગ કોલેજના પ્રોફેસર કે સ્ટ્રકચર એન્જીનીયરની ડીઝાઈન ચાલશેઃ સ્ટોલ માલિકો-સ્ટોલ માટે કમીટી બનાવાઈ છે : હવે તો રાજકોટને આર્મી સાથે પણ ટાઈઅપ થઈ ગયું છેઃ કોઈ પણ ડીઝાસ્ટર સમયે જરૂર પડયે જામનગરથી આર્મીના ૫૬ જવાનો રાજકોટની મદદે આવી શકે છે

રાજકોટ, તા. ૮ :. રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ આજે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, લોકમેળામાં મુકાનાર યાંત્રિક રાઈડોમાં સરકારે જે નવા નિયમો સેફટી અંગે, ડીઝાઈન અંગે, પ્રમાણપત્ર અંગે, ચેક લીસ્ટ અંગે જાહેર કર્યા છે. તેમા હવે કોઈ બાંધછોડ નહી થાય.

કલેકટરે ઉમેર્યુ હતુ કે, યાંત્રિક રાઈડોના સ્ટોલધારકો, માલિકોને પુરતુ માર્ગદર્શન અપાયુ છે. તેમણે ડીઝાઈન કયાંથી મેળવવી તે અંગે કહેવાયુ છે, કોઈપણ ખાનગી કે પ્રાઈવેટ એન્જીનીયરીંગ કોલેજના પ્રોફેસર કે સ્ટ્રકચર એન્જીનીયર ડીઝાઈન આપી શકે છે. આ માટે રાઈડ માલિકો નિયમો મુજબ ફી ચૂકવી તે ડીઝાઈન કરાવી શકે છે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે બાકી હવે નિયમોમાં કોઈ બાંધછોડ નહીં થાય,  સ્ટોલ વેચાય કે ન વેચાય એથી કોઈ ફર્ક નથી પડતો, બાકી કાંઈ પણ ઘટના બને રાઈડ બાબતે (અમદાવાદ જેવી) તો જવાબદારી કોની ? તેવો વેધક સવાલ કલેકટરે ઉઠાવ્યો હતો અને આથી કલેકટર તંત્ર કે સરકાર નિયમોમાં બાંધછોડ કરવા નથી માંગતી.

કલેકટરે ઉમેર્યુ હતુ કે આ શનિવારે યાંત્રિક સ્ટોલ માટે હરરાજી રાખી છે, તે લોકો ભાગ લઈ શકે છે, સ્ટોલ નહી વેચાય તો અન્ય કોઈ બાબત વિચારાશે. લોકમેળામાં કોઈ મહત્વની ઈવેન્ટ અંગે તેમણે કહ્યુ હતુ કે હાલ વિચારણા ચાલી રહી છે. તેમજ મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન હાલ ફાઈનલ નહી હોવાનું ઉમેર્યુ હતું.

ઈશ્વરીયા પાર્ક અંગે તેમણે ઉમેર્યુ હતુ કે, ત્યાં સંભવતઃ ૧લી સપ્ટેમ્બરથી બોટીંગ પેવેલીયન અને પાર્ટી પ્લોટ બનાવવાનું શરૂ થઈ જશે.

રાજકોટ શહેર-જીલ્લામાં ભારે વરસાદ અંગે તેમણે જણાવેલ કે આપણી પુરતી તૈયારી છે. હાલ રાજકોટ પાસે એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની બે ટીમ તૈનાત છે અને હવે તો જામનગરમાં રહેલ આર્મી સાથે પણ રાજકોટનું ટાઈઅપ થઈ ગયુ છે. આથી રાજકોટ શહેર-જીલ્લામાં કોઈપણ ડીઝાસ્ટર થાય અને જરૂર પડયે તો જામનગરથી આર્મીના ૫૬ જવાનોને મદદ માટે બોલાવી શકાય તેમ છે.

ગ્રેટ ગોલ્ડન સર્કસ

ગ્રેટ ગોલ્ડન સર્કસ ઉપર ગઈકાલે દરોડા પડાયા અને પ્રાણીઓ જપ્ત કરી જે તે ખાતાને સોંપી દેવાયા તે અંગે કલેકટરે ઉમેર્યુ હતુ કે આપણે સર્કસને અપાયેલ પરફોર્મીંગ લાયસન્સ રદ્દ કરવાની ભલામણ કરી છે. રીપોર્ટ આપી દીધો છે હવે જે તે કાર્યવાહી પોલીસ કમિશ્નરશ્રી દ્વારા થશે.

(4:25 pm IST)