Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

મવડી ૧૫૦ રીંગ રોડ પર આરએમસીના ટ્રેકટરની ઠોકરે સ્કૂટર ચડતાં સુથાર કારખાનેદારનું મોત

મવડી પ્લોટ ઉદયનગરના ૩૬ વર્ષિય નિલેષભાઇ તલસાણીયા વાવડી કારખાને જતા'તા ને કાળ ભેટ્યોઃ માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું: આધાર સ્તંભનો ભોગ લેવાતાં પરિવારજનોમાં કલ્પાંત

અકસ્માત સ્થળે આર.એમ.સી.નું ટ્રેકટર, ઠોકરે ચડેલુ સ્કૂટર તથા કારખાનેદાર નિલેષભાઇ તલસાણીયાનો નિષ્પ્રાણ દેહ અને છેલ્લે તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૮: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર આંબેડકર ચોક પાસે આર.એમ.સી.ના કચરો ભરેલા ટ્રેકટરની ઠોકરે સ્કૂટર ચડી જતાં સ્કૂટરસ્વાર ઉદયનગરમાં રહેતાં સુથાર કારખાનેદાર યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ મવડીના ઉદયનગર-૧ શેરી નં. ૧૭માં રહેતાં નિલેષભાઇ રમેશભાઇ તલસાણીયા (ઉ.૩૬) નામના ગુર્જર સુથાર યુવાન સવારે દસકે વાગ્યે પોતાના સ્કૂટર પર લાકડાના પાટીયા બાંધી ઘરેથી વાવડી ગામે આવેલા પોતાના લાકડાના બોકસ બનાવવાના કારખાને જઇ રહ્યા હતાં ત્યારે મવડી રીંગ રોડ આંબેડકર ચોક પાસે પહોંચ્યા ત્યારે આર.એમ.સી.ના ટ્રેકટર નં. જીજે૧૨એચ-૮૬૬૧ અને ટ્રોલી નં. જીજે૧૨વાય-૩૬૭૬ની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે માલવીયાનગર પોલીસમાં જાણ કરી હતી. મૃત્યુ પામનાર નિલેષભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. પત્નિનું નામ નિશાબેન છે. સંતાનમાં ચાર વર્ષનો પુત્ર સંકેત છે. જેણે પિતાનું છત્ર ગુમાવતાં સ્વજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પરસાણાનગરમાં સંગીતાબેને કામના ભારણને લીધે ટીકડી પીધી

જામનગર રોડ પર પરસાણાનગર-૩માં રહેતી સંગીતાબેન અજીતભાઇ આહુજા  (ઉ.૩૨)એ કામના ભારણથી કંટાળીને કોઇ ટીકડી પી લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.

(3:44 pm IST)