Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રાજકોટના ગામડાઓમાં ૧૫ વર્ષની થાય ત્યાં સુધીમાં ૭૭% છોકરીઓ શાળાએ જવાનું કરી દે છે બંધ

કન્યા કેળવણી હેતુ પાર પાડવામાં તંત્ર નિષ્ફળ નીવડતું દેખાય છે

અમદાવાદ તા. ૮ : નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો ચોંકાવનારો એક રિપોર્ટ સામે આવ્યો છે. એકતરફ આપણે રાજય સરકાર કન્યા કેળવણીની જાહેરાત અને પ્રચારમાં કરોડો રૂપિયા ખર્ચી નાંખે છે ત્યારે બીજી તરફ કન્યા કેળવણી હેતુ પાર પડવામાં તંત્ર નિષ્ફળ નીવડતું દેખાય છે. આ સર્વેમાં જણાવાયું છે કે રાજકોટના ગામડામાં આજે પણ મોટાભાગની છોકરીઓ શાળાએ જતી નથી. રાજકોટની છોકરીઓની શાળાએ જવાની સરેરાશ ગુજરાતની સરેરાશ કરતાં ઘણી ઓછી છે. રાજકોટ જિલ્લામાં ૧૫ વર્ષની થાય ત્યાં સુધીમાં ૧૦૦માંથી ૭૭ બાળાઓ શાળાએ જવાનું બંધ કરી દે છે.નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે રાજકોટ જિલ્લામાં ૦થી ૬ વર્ષની ઉંમરમાં ૧૦૦માંથી ૭૫ બાળાઓ જ શાળાએ જાય છે. રાજકોટ શહેરમાં ૮૦.૯ ટકા અને ગામડામાં ૬૫.૮ ટકા છોકરીઓ શાળાએ જાય છે. ગામડામાં ૦થી છ ઉંમરની ૩૫ ટકા છોકરીઓ શાળાએ જતી નથી. ૧૫ વર્ષની થાય ત્યાં સુધી છોકરાઓની સંખ્યા ૭૫માંથી ઘટીને ૨૨ થઇ જાય છે. શહેરમાં ૭થી ૧૫ વર્ષની માત્ર ૨૨.૬ ટકા અને ગામડામાં ૨૩.૨ ટકા છોકરીઓ શાળાએ જાય છે. એટલે કે ૭થી ૧૧ વર્ષની શહેરોની છોકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ગામડા કરતાં વધારે છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ગુજરાતમાં પુત્ર કરતાં પુત્રીઓ સંતાન તરીકે વધારે પસંદ કરે છે.  ગત ફેબ્રુઆરીમાં આવેલા આ સર્વે માટે ગુજરાતના ૨૦૨૫૪ ઘરમાં ૨૨ હજાર મહિલા અને ૬ હજાર પુરૂષનો ઇન્ટરવ્યૂ કરીને આ સર્વેક્ષણ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં સંતાનમાં પુત્ર કરતા પુત્રીના જન્મને વધુ આવકાર્યો હતો. સંતાનમાં પુત્ર કરતા પુત્રીને વધુ પસંદ કરવામાં આવતા હોય તેવા રાજયમાં ગુજરાત પાંચમાં સ્થાને છે.(૨૧.૨૪)

 

(3:47 pm IST)