Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રાજકોટ જિલ્લાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઘંટેશ્વર SRP કેમ્પ ખાતેઃ ૧૪મીએ કલેકટર તંત્ર દ્વારા તીરંગા યાત્રા

યાત્રાનું સામાકાંઠે સમાપનઃ દેશભકિતના ગીતો ઉપર સંગીત સંધ્યાઃ કાલે મહત્વની મીટીંગ : શહેર કક્ષાની ઉજવણી રેસકોર્ષ ખાતેઃ ૧૪ મીએ ૭૨ બાઇક સવારોની રાજકોટમાં ડીજે સાથે દેશપ્રેમ યાત્રા

રાજકોટ તા.૮: આ બાબતે રાજકોટ જિલ્લાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રાજકોટમાંજ થવાની છે, રાજય સરકારની સુચના બાદ તે પ્રકારે કાર્યક્રમમાં ફેરફાર કરી હવે જામકંડોરણાને બદલે રાજકોટમાં જ ભાગોળે થશે.

એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આ વખતે રાજકોટની ભાગોળે ઘંટેશ્વર એસઆરપી કેમ્પ ખાતે થશે, જયારે શહેર કક્ષાની ઉજવણી ગયા વર્ષની જેમ રેસકોર્ષ મેદાનમાં થશે, જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાજકોટ તાલુકાની ઉજવણી આવરી લેવાશે.

જિલ્લા કક્ષાની ઉજવણીમં ચાર ચાંદ લગાડવા, રંગારંગ કાર્યક્રમો-સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન સહિતની બાબતે આવતીકાલે સીટી-૧, અને સીટી-ર પ્રાંત, રમત-ગમતના અધિકારીઓ-જિલ્લા શિક્ષણાધિકારી, એનસીસી, પોલીસ અને મ્યુ. કમિશનરની ખાસ મીટીંગ બોલાવાઇ છે.એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ ઉમેર્યું હતું કે ૧૫મી ઓગષ્ટની પૂર્વ સંધ્યાએ રાજકોટની પ્રજામાં દેશદાઝ જગાવવા-દેશપ્રેમી જગાવવા કલેકટર તંત્ર પ્રથમ વખત શહેરભરમાં ત્રીરંગા યાત્રા ૧૪મીએ સાંજે ૫ કલાકે યોજાશે, જેના રૂટ હવે ફાઇનલ થશે. ૭૨ જેટલા બાઇક સવારો કુલ ૧૪૪ સવારો ડીે.જેે. સાથે દેશભકિતની ધૂન બજાવશે. હાથમાં ત્રીરંગો હશે પણ તેમાં અશોકચક્ર નહી રખાય. આ યાત્રા શહેરભરમાં ફરશે, જેનું સમાપન સામાકાંઠે થશે અને ત્યાં દેશભકિતના ગીતો ઉપર ભવ્ય સંગીત સંધ્યા યોજાશે, ગયા વર્ષે પણ તત્કાલીન કલેકટર ડો. વિક્રાંત પાંડેએ આ પ્રકારે આયોજન કર્યું હતું, ત્યારે દેશભકિતને લગતા શાનદાર ફલોટ પણ રખાયા હતા.

૧૫મીએ એસઆરપી કેમ્પ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં સવારે ૯ વાગ્યે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાશે, આ પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓ તથા અન્ય અગ્રણી મહેમાનો ખાસ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત રેસકોર્ષ મેદાન ખાતે યોજાનારી શહેર કક્ષાની ૧૫મી ઓગષ્ટની ઉજવણીમાં એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાશે. તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.(૧.૨૪)

(3:46 pm IST)