Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ક્રાઇમ બ્રાંચના બે દરોડામાં ૧.૬૧ લાખનો દારૂ કબ્જેઃ પીકઅપ વેનના 'ચોરખાના'માં બોટલો છૂપાવાઇ'તી

કુલદીપસિંહ જાડેજા, અમીનભાઇ, પ્રદ્યુમનસિંહ અને વિક્રમભાઇની બાતમી પરથી પીકઅપ વેન અને એએસઆઇ વિજયસિંહ ઝાલા, જયંતિભાઇ ગોહિલ તથા યુવરાજસિંહની બાતમી પરથી કાર કબ્જેઃ ૮,૨૯,૨૪૦નો મુદ્દામાલ કબ્જેઃ રતનપરના પ્રદિપસિંહ, મયુરસિંહ અને નંદકિશોર સોસાયટીના અજય સાંગાણીની ધરપકડઃ પ્રકાશ ઉર્ફ ચીકીડાનું નામ ખુલ્યું

તસ્વીરમાં પકડાયેલી કાર, દારૂનો જથ્થો, નંદકિશોર સાંગાણી, પી.આઇ. ગઢવી, પીએસઆઇ ઉનડકટ અને ટીમ તથા નીચેની તસ્વીરમાં યુટીલીટી, અંદર ચોરખાનામાં છુપાવાયેલી બોટલો, પકડાયેલા બંને દરબાર શખ્સ અને પીએસઆઇ બી.ટી. ગોહિલ તથા ટીમ જોઇ શકાય છે

 

રાજકોટ તા. ૮: દારૂના ધંધાર્થીઓ સામે પોલીસનું આકરૂ વલણ યથાવત રહ્યું છે. ક્રાઇમ બ્રાંચે બે દરોડામાં જથ્થો ભરેલી યુટીલીટી પીકઅપ વેન અને એક કાર ઝડપી લઇ ત્રણ શખ્સોને પકડ્યા છે. કુલ રૂ. ૬,૨૯,૨૪૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. યુટીલીટી પીકઅપ વેનમાં તો ભેજાબાજોએ ચોરખાના બનાવીને દારૂની બોટલો સંઘરી હતી.

ક્રાઇમ બ્રાંચના કોન્સ. કુલદીપસિંહ જાડેજા, અમીનભાઇ ભલુર, પ્રદ્યુમનસિંહ ઝાલા અને વિક્રમભાઇ લોખીલની બાતમી પરથી પીએસઆઇ બી.ટી. ગોહિલ, હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજા, હિરેન્દ્રસિંહ પરમાર, જીજ્ઞેશભાઇ મારૂ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે કુવાડવા રોડ બેટી રામપર પાસે વોચ રાખી હતી. એ દરમિયાન બાતમી મુજબની યુટીલીટી પીકઅપ વેન જીજે૩૩ટી-૦૫૨૯ નીકળતાં અટકાવીને તલાશી લીધી હતી. પણ અંદર કંઇ જોવા મળ્યું નહોતું. દારૂ હોવાની પાક્કી બાતમી હોઇ તપાસ કરતાં આ વેનની અંદર ચોરખાના હોવાનું માલુમ પડ્યું હતું. જેના બોલ્ટ ખોલીને પતરા હટાવવામાં આવતાં રૂ. ૧,૨૫,૨૪૦નો ૩૨૪ બોટલ દારૂ મળ્યો હતો.

પોલીસે પ્રદિપસિંહ ઉર્ફ પદુભા દિલુભા ગોહિલ (ઉ.૩૦) અને મયુરસિંહ ઉર્ફ લાલો નટુભા ગોહિલ (ઉ.૨૦) (રહે. બંને રતનપર તા. રાજકોટ)ની ધરપકડ કરી કુલ રૂ. ૬,૪૩,૨૪૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ બંને દારૂ કયાંથી લાવ્યા તે અંગે પુછતાછ થઇ રહી છે.

બીજો દરોડો

બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. જયંતિભાઇ ગોહિલ અને કોન્સ. યુવરાજસિંહ જાલાને મળેલી બાતમી પરથી પીએસઆઇ ડી. પી. ઉનડકટ, ભરતભાઇ વનાણી, સંજયભાઇ કુમારખાણીયા, સામતભાઇ ગઢવી સહિતે લક્ષ્મીનગર મેઇન રોડ પર શ્રીનાથજી હવેલી સામે ઉષા એન્જિનીયરીંગ નામના કારખાનાના કમ્પાઉન્ડમાં દરોડો પાડી જીજે૩જેએલ-૮૩૩૨ નંબરની અલ્ટો કારની તલાશી લેતાં અંદરથી રૂ. ૩૬૦૦૦નો ૯૬ બોટલ દારૂ મળતાં કુલ રૂ. ૧,૮૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી અજય ચનાભાઇ સાંગાણી (ઉ.૩૫-રહે. નંદકિશોર સોસાયટી બ્લોક નં. ૧૪)ને પકડી લીધો હતો. આ દારૂ બુટલેગર પ્રકાશ ઉર્ફ ચીકીડા પાસેથી લાવ્યાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ એમ. ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ દારૂ-જુગારની પ્રવૃતિ બંધ કરાવવા સુચના આપી હોઇ તે અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. (૧૪.૭)

(11:51 am IST)