Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ભાજપના અગ્રણી દિનેશ કારીયા સાથે અણછાજતા વર્તનનો ગંભીર પડઘો : પીઆઈ બી.પી. સોનારાને તાકીદે આઈબીમાં બદલી નખાયા

રાજકોટ : શહેર ભાજપના આગેવાન અને પુરવઠા સલાહકાર સમિતિના મહત્વના હોદ્દેદાર દિનેશભાઈ કારીયા સાથે રાજકોટના એ ડિવીઝન પોલીસ મથકના પીઆઈ બી.પી. સોનારા દ્વારા માર મારવા સાથે કરાયેલ અણછાજતા વર્તનનો ગંભીર પડઘો પડ્યો છે. રાજયના પોલીસ વડાએ તેમની તાત્કાલીક બદલી કરી અને આઈબીમાં મૂકી દેતો હુકમ કર્યાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અત્રે નોંધનીય છે કે મ્યુ. કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણ અને બાંધકામો દૂર કરવા બે દિવસ અગાઉ પરાબજારમાં કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ભાજપના અગ્રણી અને વેપારી આગેવાન દિનેશભાઈ કારીયાએ અધિકારીઓ સાથે દલીલો કરી હતી. તે વખતે ત્યાં પહોંચેલા એ ડિવીઝનના પીઆઈ બી.પી. સોનારા સાથે ઉગ્ર બોલાચાલી અને તૂ તૂ મૈ મૈ થતાં સ્થળ પર જ દિનેશભાઈને ફડાકા ઝીંકાયાનું દિનેશભાઈએ ભાજપના જવાબદાર પદાધિકારીઓને જણાવ્યુ હતું. તેમજ દિનેશભાઈ કારીયાની અટકાયત કરી તેમના પગમાં ઓપરેશન કરી અને સળીયા બેસાડવામાં આવ્યા હોવા છતાં તેઓને પીઆઈ સોનારાએ નીચે આરોપીની માફક બળજબરીથી બેસવાની ફરજ પાડી હતી. આ સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચતા ભારે ઉહાપો મચી ગયો હતો.

રાજકોટના નવનિયુકત શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે બનાવની ગંભીરતા સમજી તાત્કાલીક ધોરણે એસીપી કક્ષાના અધિકારીને આ ઘટનાની તપાસ સુપ્રત કરી હતી. સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આ તપાસના પ્રાથમિક તારણો રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાને મોકલવામાં આવતા તેઓએ તાત્કાલીક અસરથી એ ડિવીઝનના પીઆઈ બી.પી. સોનારાની રાજય પોલીસતંત્રમાં બિનમહત્વના ગણાતા આઈબી વિભાગમાં બદલી કરતો હુકમ કર્યાનું જાણવા મળે છે.

આ દરમિયાન આજે ફેસબુક ઉપર બી.પી. સોનારાએ મૂકેલી પોસ્ટ પણ ભારે ચર્ચાનો વિષય છે.

(5:56 pm IST)