Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

પોપટપરા વિસ્તારના હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર

રાજકોટ,તા. ૮ : માથાના તથા ગરદનના  ભાગે ધારીયાનો એક ઘા અને વાસાના ભાગે છરીના ઘા બે ઘા મારવાના ગુન્હામાં આરોપીઓને જામીન મુકત કરવાનો સેશન્સ એન્ડ ડિસ્ટ્રીકટ કોર્ટ હુકમ કર્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, તા. ૩/૬/૨૦૨૧ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ફરિયાદી નિલેશભાઇ તથા તેનો મિત્ર બેચર પોપટપરા બસ સ્ટેશન પાસે હતા ત્યારે આરોપી કોળી તથા અન્ય આરોપીએ ફરિયાદી નિલેશભાઇ તથા અન્ય શખ્સો ઉપર હુમલો કર્યા અંગેની ફરિયાદ રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ૧૧૨૦૮૦૩૫૨૧૧૯૩ થી આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩૨૩, ૧૧૪ મુજબની ફરિયાદ રજીસ્ટરે લેવાયેલ.

આ સંદર્ભે આરોપી નં. ૧ નાએ રાજકોટના ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારતાં જે જામીન અરજી મંજુર રાખી આરોપીને રૂપિયા વીસ હજારના જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.

પોલીસ અટકાયત બાદ આરોપી રાજુભાઇ કોળીએ રાજકોટના સેસન્સ એન્ડ ડિસ્ટ્રીકટ કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા અરજી ગુજારેલ. અરજદાર આરોપી તરફે તેમજ સરકાર પક્ષ દ્વારા થયેલ દલીલો સાંભળી અરજદાર આરોપી તરફે થયેલ દબાણ પૂર્વકની દલીલો સાંભળી અરજદાર આરોપીને રાજકોટના મહે. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટના જજે રૂ. ૨૦,૦૦૦ અંકે રૂપિયા વીસ હજાર પુરાના જામીન પર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

અરજદાર આરોપી તરફે આ કામમાં રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી કમલ એન. કવૈયા, કનકસિંહ ડી.ચૌહાણ, વિરલ રાવલ, રાજેશભાઇ એમ. પરમાર, ચંદ્રસિંહ પરમાર (સી.પી.), સી.બી.તલાટીયા તથા પરેશ કુકાવા રોકાયેલા હતા.

(3:07 pm IST)