Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

રોજના માંડ સો રૂપિયા કમાવ છું, ઇ-મેમો પોષાય તેમ નથી...રદ્દ કરવાની માંગણી

પેટ્રોલ પુરાવીને જ્યાંથી નીકળ્યા એ રસ્તો વન-વે હોવાની ખબર જ નહોતી : રૈયાધારના સુરેશ ચાવડાને ઇ-મેમો મળતાં પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૮: શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત સતત દંડ વસુલાત કરવામાં આવી રહી છે. સ્થળ પર હાજર દંડ ઉપરાંત સીસીટીવી કેમેરાથી જે તે વાહન ચાલકના ફોટા પાડી ઇ-ચલણથી મેમો મોકલવામાં આવે છે. ત્યારે રૈયાધાર સ્લમ કવાર્ટર પ્લોટ ન. ૨૦૨માં રહેતાં સુરેશભાઇ કે. ચાવડા નામના વ્યકિતએ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી પોતાને મળેલો ઇ-મેમો રદ કરી આપવા વિનંતી કરી છે.

સુરેશભાઇએ લેખિત રજૂઆતમાં જણાવ્યું  છે કે મને કમરની તકલીફ હોઇ મહેનતનું કામ થતું નથી. હું લોન પર બાઇક લઇને ઓલા કંપનીમાં સર્વિસ આપુ છું. આ કામમાં રોજના ૨૫-૩૦ રૂપિયાના બે-ત્રણ ભાડા માંડ મળે છે. જેની ખાત્રી મારી પાસબૂકને આધારે થઇ શકે છે. કંપનીના નિયમ મુજબ હેલ્મેટ ફરજીયાત છે. હું ફરજીયાત હેલ્મેટ પહેરૂ છું. પરંતુ ચશ્મા હોવાથી કોઇનો ફોન આવે તો હેલ્મેટ ઉતારીને વાત કરવી પડે છે. હું સતત ટ્રાફિકના નિયમોનું પાલન કરું છું. પણ તાજેતરમાં મને રોંગ સાઇડનો મેમો મોકલવામાં આવ્યો છે.

હકિકતે હું પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ ભરાવીને બહાર નીકળ્યો હતો. એ રોંગ સાઇડ હોવાની મને ખબર જ નહોતી. અન્ય વાહનો પણ આ રીતે જ બહાર નીકળ્યા હતાં. જેમાંથી મને જ મેમો અપાયો છે. નિયમો ચોક્કસપણે અમારી સુરક્ષા માટે જ છે. પણ આખો દિવસની મહેનત કરી હું માંડ સો રૂપિયા કમાઇ શકુ છું. તેથી આવા મેમો મને આર્થિક-માનસિક નુકસાન દાયક છે. એક વખત મેં રૂ. ૧૦૦ ભર્યા છે, હવે મારી હાલત દંડ ભરી શકવાની નથી. મારો મેમો રદ્દ  કરવા વિનંતી છે.

(4:10 pm IST)