Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ખેડૂતો માટે માઠા સમાચાર

૨૦ દિ' સુધી સાર્વત્રિક વરસવાનો નથી : સિવાય કે નસીબજોગે કયાંક-કયાંક હળવો વરસી જાય

મોન્સુન ટ્રફ નોર્મલથી ઉત્તર તરફ ગતિ કરે છેઃ આંધ્ર અને ઓરીસ્સાના દરિયામાં સિસ્ટમ્સ બને તો સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાન્સ લાગે : પવનનું જોર પણ નેગેટીવ પોઈન્ટ

રાજકોટ, તા. ૮ : છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ બેસેલા અને ખાસ કરીને ખેડૂતો માટે માઠા સમાચાર છે. આવતા વિસેક દિવસ એટલે કે લગભગ આ આખા મહિનામાં ભારે કે સાર્વત્રિક વરસાદની કોઈ જ સંભાવના નથી. સિવાય કે નસીબજોગે કોઈ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ પડી જાય. હાલમાં મોનસુન ટ્રફ પણ નોર્મલથી ઉત્તર દિશામાં ગતિ કરે છે એટલે કે કોઈપણ સિસ્ટમ્સ બને તો તે પણ ઉત્તર દિશામાં ગતિ કરે. આંધ્રપ્રદેશ કે ઓરીસ્સાના દરિયા કિનારે સિસ્ટમ્સ બને તો તે સૌરાષ્ટ્ર-કચ્છને વરસાદનો લાભ મળે.

હાલમાં પવનો પણ મજબૂત બન્યા છે. જે એક નેગેટીવ ઈફેકટ છે. દિવસેને દિવસે પવનનું જોર વધતુ જશે. સૌરાષ્ટ્ર - કચ્છમાં નિરાશા સાંપડે તેવી હાલની પરિસ્થિતિ છે. તાજેતરમાં એક સિસ્ટમ્સ બની હતી પણ તે એમ.પી. સુધી જ પહોંચી. આ સિસ્ટમ્સની અસરથી એમ.પી.ની બોર્ડરવાળા વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી ગયો. આજથી વરસાદની માત્રા ઘટશે. દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છમાં છુટોછવાયો વરસાદ પડશે. ભારે કે સાર્વત્રિક વરસાદની કોઈ જ સંભાવના નથી. સિવાય કે છુટોછવાયો વરસી જાય. પવનનું જોર રહેશે. મોનસુન ટ્રફ પણ નોર્મલથી ઉત્તર બાજુ રહે છે. જેથી ચોમાસુ બેસી જાય તો પણ ઉત્તર દિશામાં ગતિ કરે. આંધ્ર અને ઓરીસ્સાના દરિયાના વિસ્તારોમાં સિસ્ટમ્સ બને તો સૌરાષ્ટ્ર - કચ્છને ફાયદો અપાવે પરંતુ આગામી વિસેક દિવસ તો હજુ રાહ જોવી પડશે.

 

(12:00 pm IST)