Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

૧૬ માસની દિકરીને પતાવી સિંધી દંપતિનો મરી જવા પ્રયાસ

રાજકોટના હંસરાજનગર મહેશ્વરી પાર્કની અરેરાટી ભરી ઘટનાઃ ચાર મહિના પહેલા મકાન માટે લીધેલી ૩૦ .૬૦ લાખની લોન નહિ ભરી શકાય તેની ચિંતામાં એક મહિનાથી પતિ-પત્નિ માનસિક રીતે કંટાળ્યા'તા એટલે આપઘાત કરી લેવાનો નિર્ણય કર્યો એ પહેલા લાડકવાયીનો જીવ લઇ લીધો! : ભાવિકા મનિષ રાવતાણી (ઉ.૨૬)એ હોસ્પિટલના બિછાનેથી સસરાને કહ્યું-હું અને તમારો દિકરો બેંક લોનની ચિંતામાં હતાં, મરી જવાનું નક્કી કરી અમારી દિકરી ખુશીને દૂપટ્ટાથી ગળાટૂંપો દઇ મારી નાંખી અમે એક બજાના હાથની નસો બ્લેડથી કાપી નાંખી હતી!: એ પછી અગ્નિસ્નાન કર્યુ છતાં બચી ગયાઃ પતિ-પત્નિ બંને સારવાર હેઠળ : ભાવિકા અને મનિષ પોતે સ્યુસાઇડ નોટ લખી હોવાનું કહેતાં નથીઃ પોલીસને ગેરમાર્ગે દોરવા પિત્રાઇ ભાઇ સહિતનાએ આપઘાત માટે મજબૂર કર્યાની સ્યુસાઇડ નોટ ખરેખર કોણે લખી? ત્રાસ હતો કે ફસાવવાનો પ્રયાસ?...તપાસનો વિષય : પ્ર.નગર પોલીસે આજીડેમ ચોકડીએ રહેતાં મહેશકુમાર રાવતાણીની ફરિયાદ પરથી દિકરા મનિષ અને પુત્રવધૂ ભાવિકા સામે હત્યાનો ગુનો નોંધ્યો : ભાવિકાના બે વર્ષ પહેલા લગ્ન થયા છેઃ માવતર ગાંધીધામ રહે છેઃ પતિ મનિષને નવાગામમાં ફૂટવેરનો હોલસેલનો ધંધો : ગેસ લિકેજથી ભડકો થયાનું મનિષનું આજે સવારે પણ રટણ

'ખુશી' તો પરલોક પહોંચી ગઇ...ખાલી વિલા રહીઃ જ્યાં ઘટના બની તે સિંધી દંપતિનું મકાન જોઇ શકાય છે. આ દંપતિએ લોનની ચિંતામાં પોતાની જ દિકરી ખુશીની હત્યા કરી નાંખી હતી. લોન લઇ મકાન ખરીદી તેનું નામ 'ખુશી વિલા' રાખ્યું હતું. પણ હવે ખુશીને તો આ બંનેએ જ પરલોક પહોંચાડી દીધી છે....ખાલી વિલા રહી ગઇ છે! અન્ય તસ્વીરમાં ખુશીનો નિષ્પ્રાણ દેહ તથા તેની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ કરનાર માતા-પિતા મનિષ અને ભાવિકા રાવતાણી જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૮: શહેરના પોપટપરા નાલા નજીક હંસરાજનગર મેઇન રોડ પર  મહેશ્વરી પાર્ક-૨માં રહેતાં સિંધી દંપતિએ ધંધામાં ખોટ ગઇ હોઇ તેના કારણે ચાર મહિના પહેલા મકાન માટે લીધેલી ૩૦.૬૦ લાખની લોનના હપ્તા ભરપાઇ નહિ કરી શકાય તેની ચિંતામાં આપઘાત કરવાનો નિર્ણય કરી પોતે મરી ગયા પછી દિકરીનું કોણ? એમ વિચારી પહેલા ૧૬ માસની લાડકવાયી દિકરીનો દૂપટ્ટાથી ગળાટૂંપો દઇ જીવ લઇ લીધા બાદ બંનેએ એક બીજાના હાથની નસો બ્લેડથી કાપી લઇ તેમજ અગ્નિસ્નાન કરી લઇ મરી જવાનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.  જો કે આ પ્રયાસમાં માસુમ દિકરીનો જીવ ગયો છે, પણ માતા-પિતા બચી જતાં સારવાર હેઠળ છે. એક સ્યુસાઇડ નોટ પણ મળી હોઇ તેમાં સિંધી યુવાનના પિત્રાઇ ભાઇ-ભાભી સહિતના વિરૂધ્ધ આક્ષેપો હોઇ આ ઘટના પાછળનું કારણ લોન ભરવાની ચિંતા જ છે કે પછી કોઇનો ત્રાસ? તે મામલે પોલીસે તપાસ આદરી છે. હાલ સિંધી દંપતિ સામે દિકરીની હત્યાનો ગુનો દાખલ કરાયો છે.

ઘટનાની વિગતો જોઇએ તો હંસરાજનગર મેઇન રોડ પર મહેશ્વરી પાર્ક-૨માં 'ખુશી વિલા'માં રહેતાં સિંધી યુવાન મનિષ મહેશભાઇ રાવતાણી (ઉ.૨૮) તથા તેની પત્નિ ભાવિકા મનિષ રાવતાણી (ઉ.૨૬)ને ગઇકાલે બપોરે હાથની નસો કાપી નાંખેલી અને દાઝી ગયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં ગેસનો બાટલો લિક થવાથી આગ લાગતાં દાઝી ગયાનું જણાવાયું હતું. પરંતુ પોલીસને શંકા ઉપજતાં પ્ર.નગર પી.આઇ. બી.એમ. કાતરીયા, પીએસઆઇ બી. પી. વેગડા, બાબુલાલ ખરાડી, સંજયભાઇ દવે, વિરભદ્રસિંહ જાડેજા સહિતની ટીમે તપાસ કરતાં આ દંપતિએ પોતાની ૧૬ માસની દિકરી ખુશીની હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

પોલીસે મનિષના પિતા આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્ક-૩માં રહેતાં મહેશભાઇ મોહનદાસ રાવતાણી (ઉ.૫૫)ની ફરિયાદ પરથી પુત્ર મનિષ અને પુત્રવધૂ ભાવિકા સામે આઇપીસી ૩૦૨, ૧૧૪ મુજબ ૧૬ માસની દિકરી ખુશીનું દૂપટ્ટાથી ગળુ દાબી મારી નાંખવા સબબ ગુનો નોંધ્યો છે.

મહેશભાઇએ એફઆઇઆરમાં લખાવ્યું છે કે, હું અનમોલ પાર્કમાં રહુ છું અને નવાગામમાં ગોડાઉન રાખી ફૂટવેરનો હોલસેલ વેપાર કરુ છું. મારે સંતાનમાં એક પુત્ર મનિષ અને એક દિકરી છે. મનિષના લગ્ન બે વર્ષ પહેલા ભાવિકા સાથે થયા છે અને એ બંનેને સંતાનમાં ૧૬ માસની દિકરી ખુશી છે. આ ત્રણેય છેલ્લા ચારેક મહિનાથી હંસરાજનગર મહેશ્વરી પાર્ક-૨માં આવેલ મકાને રહે છે. આ મકાન આઇસીઆઇસીઆઇ બેંકમાંથી ૩૦ લાખ ૬૦ હજારની લોન લઇને ખરીદ કર્યુ છે. મનિષ મારી સાથે જ ધંધો કરે છે.

રવિવારે સવારે સાડા દસેક વાગ્યે હું   મારા ગોડાઉન ખાતે નવાગામ ગયો હતો. દિકરો મનિષ આવ્યો નહોતો. એ પછી સવારે સવા અગિયારેક વાગ્યે મનિષે મારા મોબાઇલમાં ફોન કરી મને કહેલ કે તમે તાત્કાલિક દૂકાન બંધ કરી ઘરે આવો...આ વાત થતાં હું તુરત જ મારી દૂકાન બંધ કરી મનિષના ઘરે પહોંચ્યો હતો. તે વખતે ૧૦૮ ઉભી હતી અને માણસો ભેગા થયા હતાં.  મનિષ ૧૦૮માં બેઠેલો હતો. તેના હાથમાંથી લોહી નીકળતું હતું. કોઇ સગાએ મને ભાવિકા અંદર હોવાનું કહેતાં હું અંદર જતાં તે હોલમાં શેટી ઉપર લોહીલુહાણ હાતલમાં સુતેલી બેહોશ જેવી પડી હતી. તેની દિકરી ખુશી પણ બેહોશ હાલતમાં તેની બાજુમાં સુતી હતી.

મેં પુત્રવધૂ ભાવિકાને ઉપાડીને એમ્બ્યુલન્સમાં મુકી હતી. એ પછી મારા ભાભી નીતાબેન જે બાજુમાં રહે છે તે પણ હોઇ અમે બંને એમ્બ્યુલન્સ મારફત મનિષ અને ભાવિકાને સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતાં. દિકરાની દિકરી ખુશીને અમારા સગા ભત્રીજાની વહુ કશિસ તથા પડોશી મોટર સાઇકલ મારફત પ્રાઇવેટ દવાખાને લઇ ગયા હતાં. મનિષ અને ભાવિકાને સિવિલના બર્ન્સ વોર્ડમાં દાખલ કરાયા હતાં.

એ પછી ભાવિકા ભાનમાં આવતાં મેં તેને શું થયું? તે અંગે પુછતાં ભાવિકાએ કહ્યું હતું કે, 'આઇસીઆઇસીઆઇ બેંકમાંથી મકાન માટે લોન લીધી છે તેના હપ્તા હું અને તમારો દિકરો મનિષ કયારે ભરીશું?  ધંધામાં ખોટ આવી હોઇ જેથી બેંક લોન કયારે પુરી કરીશું તેવા વિચાર મને અને મનિષને છેલ્લા એક મહિનાથી આવતાં હતાં. આ કારણે અમે બંને માનસિક રીતે કંટાળી ગયા હતાં. આજે સવારે મેં તથા મનિષે મરી જવાનું નક્કી કરી એ પહેલા અમારી દિકરી ખુશીને દૂપટ્ટાથી ગળાટૂંપો આપી મારી નાંખી હતી. તેમજ અમે બંનેએ મરી જવા માટે એક બીજાના હાથમાં બ્લેડથી કાપા મારી નસો કાપી નાંખી હતી

અને અમારા હાથમાંથી ખુબ જ લોહી નીકળતાં અશકિત આવી જતાં અર્ધબેભાન જેવા થઇ ગયા હતાં.'

મહેશભાઇએ આગળ જણાવ્યું હતું કે મનિષની પત્નિ ભાવિકાએ ચાર મહિના પહેલા આઇસીઆઇસીઆઇ બેંકમાંથી મકાન માટે લોન લીધી હતી. આ લોનના હપ્તા ધંધામાં ખોટ આવવાથી નહિ ભરી શકાય  અને લોન કયારે પુરી થશે તેવા વિચારો આવતાં હોઇ જેથી મનિષ અને ભાવિકાએ કંટાળીને મરી જવા માટે કોઇપણ સમયે દિકરી ખુશીને મારી નાંખી હતી અને બાદમાં તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ ફરિયાદ પરથી કાર્યવાહી હાથ ધરી હતી.

ચિઠ્ઠીનું રહસ્ય

ઘરમાં આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. ગેસનો બાટલો ફાટ્યાનું કહેવાયું હતું. પરંતુ બાટલો ફાટ્યો હોય તેવું કંઇ જણાયું નહોતું. બીજી તરફ એક ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ ફાયર બ્રિગેડ કર્મચારીઓને મળી હતી. જે પોલીસને અપાઇ હતી. પોલીસ ફરિયાદમાં મહેશભાઇએ ઘરમાંથી મનિષ અને ભાવિકાએ ચિઠ્ઠી લખી હોવાની કોઇ વિગતો જણાવી નથી. તેમજ ચિઠ્ઠી બાબતે હોસ્પિટલના બિછાનેથી પણ આ બંને કંઇ કહેતા નથી. ચિઠ્ઠીમાં ભાવિકા અને મનિષે આપઘાત માટે મજબૂર કરનારા કુટુંબીજનો તરીકે મનિષના પિત્રાઇ ભાઇ જીતુભાઇ, તેના પત્નિ ઉષાબેન, સંજયભાઇ ઉપર આક્ષેપો કર્યા છે.

આ બાબતે પી.આઇ. શ્રી કાતરીયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ચિઠ્ઠી મળી છે એ વાત સત્ય છે અને આ ચિઠ્ઠી મનિષ કે ભાવિકાએ જ લખી છે કે કેમ? તેની તપાસ થઇ રહી છે. આ બંનેએ ચિઠ્ઠી બાબતે કંઇ જણાવ્યું નથી. ત્યારે ખરેખર આ પગલા પાછળ લોન ન ભરી શકવાની ચિંતા જ કારણભુત છે કે પછી કોઇનો ત્રાસ? તેની તપાસ થઇ રહી છે. મકાન ખરિદવામાં મનિષને પિત્રાઇ ભાઇએ મદદ કર્યાની પણ વાતો સામે આવી છે. જેથી તમામ મુદ્દે તપાસ થઇ રહી છે.

ભાવિકાનું માવતર ગાંધીધામ

પતિ સાથે મળી દિકરીને મારી નાંખનાર ભાવિકાના માવતર ગાંધીધામ કરે છે. તેના માતાનું નામ મમતાબેન અને પિતાનું નામ લાલચંદભાઇ મુળચંદભાઇ કારવાણી છે. ભાવિકા બે ભાઇ અને એક બહેનમાં મોટી છે. જ્યારે મનિષભાઇ એક બહેનથી નાના છે. તેના બહેનનું નામ સુનિતાબેન છે. માતાનું નામ ભારતીબેન છે.

ગેસનો બાટલો ફાટ્યાનું મનિષનું રટણ

હોસ્પિટલના બિછાનેથી મનિષ રાવતાણીએ આજે સવારે પણ એવું રટણ કર્યુ હતું કે પોતે રસોડામાં પાણી ભરવા ગયો ત્યારે ગેસનો બાટલો ફાટતા આગ લાગી હતી. જો કે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે બંનેએ દિકરીને માર્યા પછી હાથની નસો કાપી હતી અને પછી સળગી જવા માટે અગ્નિસ્નાન કર્યુ હતું. વિશેષ તપાસ યથાવત રખાઇ છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં વિશેષ તપાસ યથાવત રખાઇ છે.

(3:17 pm IST)