Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

રાજકોટ-જામનગરથી મુંબઈની ફ્લાઇટ માત્ર ત્રણ દિવસ ઉડશે

હવે એર ઇન્ડિયાની વિમાની સેવામાં પણ કાપ : મુંબઇની ફલાઇટ અઠવાડિયામાં માત્ર ૩ દિવસ જ ઉડાન ભરી શકશે તેવા નિર્ણયને લઇ સૌરાષ્ટ્રવાસીઓમાં આક્રોશ

અમદાવાદ,તા.૮ : જેટ એરવેઝ બંધ થયા બાદ હવે એર ઈન્ડિયાની વિમાની સેવામાં પણ કાપ મુકવાનો નિર્દેશ લાગુ થયો હોવાનું જણાય છે. ત્રણ મહિના માટે રાજકોટ-મુંબઈ વચ્ચેનું એર ઈન્ડિયાનું વિમાન દરરોજને બદલે જૂલાઇ મહિનાથી હવે અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ જ ઉડાન ભરી શકશે તેવું જાણવા મળ્યું છે. આ સમાચારને લઇ સૌરાષ્ટ્રવાસીઓની હાલાકી વધશે કારણ કે, મુંબઇ જવા માટેની તેમની વિમાની સેવાની સુવિધા પર કાપ મૂકાતાં ભારે નારાજગીની લાગણી ફેલાઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આગામી દિવસોમાં હજ યાત્રા શરૂ થવાની છે. તેના માટે એર ઈન્ડિયાના વધુ વિમાનો ફાળવવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.

હજ યાત્રા માટે ઘર આંગણાની વિમાની સેવામાં કાપ મુકવો પડે છે. જે અંતર્ગત એર ઈન્ડિયાની ફ્લાઈટોમાં ઘટાડો કર્યો હોવાનું મનાઇ રહ્યું છે. જેની અસર રાજકોટ અને જામનગર પર થઈ છે. રાજકોટ-મુંબઈ વચ્ચે દરરોજની ફ્લાઈટના બદલે હવે જૂલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ફક્ત ત્રણ જ દિવસ ઉપલબ્ધ રહેશે. જુલાઇથી ત્રણ મહિના માટે મંગળ, ગુરૂ અને શનિવારે રાજકોટ મુંબઈની ફ્લાઈટ મળશે. એવી જ રીતે જામનગરમાં પણ અઠવાડિયામાં ત્રણ દિવસ જ ફ્લાઈટ મળશે. જો કે દિલ્હીની વિમાની સેવા યથાવતા રાખવામાં આવી છે. પરંતુ મુંબઇની ફલાઇટ જે રોજ ઉપલબ્ધ હતી, તે ઘટાડી સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ જ કરી દેવાતાં સૌરાષ્ટ્રવાસીઓમાં ભારે નારાજગીની લાગણી ફેલાવા પામી છે કારણ કે, તેનાથી મુંબઇ જનારા મુસાફરોની હાલાકી વધી છે, તેથી આ મામલે હકારાત્મક વલણ અપનાવી યોગ્ય વૈકલ્પિક રસ્તો કાઢવા પણ પ્રવાસીઓમાં માંગણી ઉઠવા પામી છે.

(9:06 pm IST)