Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

દુકાનો-ખાનગી પેઢીઓ-કારખાનાઓમાં કામ કરતા કામદારો પાસેથી વ્યવસાયવેરો વસુલવા વોર્ડવાઇઝ ઝુંબેશ

આજ સુધીમાં મ્યુ. કોર્પોરેશનને ર.૪૮ કરોડની વ્યવસાયવેરા આવક : ગત વર્ષ કરતા રપ લાખનો વધારો

રાજકોટ, તા. ૮ : મ્યુ. કોર્પોરેશન દ્વારા હવેથી શહેરમાં વિવિધ દુકાનો-ખાનગી પેઢીઓ-કારખાનાઓમાં કામ કરતા કામદારો પાસેથી વ્યવસાયવેરો વસુલવા વોર્ડવાઇઝ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ અંગે વ્યવસાય વેરા વિભાગના અધિકારીની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ  રાજકોટ મહાનગરપાલિકા વ્યવસાયવેરા દ્વારા ચાલુ નાણાકીય વર્ષના વસુલાત લક્ષ્યાંકને પહોંચી વળવા માટે અત્યારથી જ આગોતરી કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત શહેરના વોર્ડમાં આવેલ શો-રૂમ, દુકાનો, કારખાનાઓ, ઓફીસોના તેમજ પેઢીમાં કામ કરતા કર્મચારીઓના વ્યવસાયવેરાની નોંધણી કરવા વોર્ડ કક્ષાએથી ઝુંબેશ કરવામાં આવી રહી છે. તેમજ વ્યવસાયવેરાના નોંધાયેલા બાકીદારોને એસ.એમ.એસ. દ્વારા પણ પોતાના ધંધા/વ્યવસાયનો બાકી વ્યવસાયવેરો ભરપાઇ કરવા જાણ કરવામાં આવી રહી છે. જેના પરિણામરૂપી તા. ૭-પ-ર૦૧૯ની સ્થિતિએ ચાલુ નાણાકીય વર્ષની વ્યવસાયવેરાની આવક રૂ. ર.૪૮/-કરોડને પાર થયેલ છે અને આવકમાં ગત વર્ષની સરખામણી રૂ. રપ/- લાખનો વધારો નોંધાયેલ છે.

ચાલુ નાણાકીય વર્ષના બાકી વ્યવસાયવેરા પર તા. ૧-૧૦-ર૦૧૯થી ૧૮% ના દરે સાદુ વ્યાજ વસુલ કરવામાં આવનાર હોય, રાજકોટ મહાનગરપાલિકામાં વ્યવસાયવેરા નોંધાયેલ તમામ બાકીદારોને તા. ૩૦/૯/ર૦૧૯ સુધીમાં વ્યવસાયવેરો ભરપાઇ કરવા જાણ કરવામાં આવે છે.

(3:39 pm IST)