Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પુરાણકાળમાં શાસ્ત્રો એ જ શસ્ત્ર હતાઃ વિજયભાઈ

ઈશ્વરીયા મહાદેવ મંદિરે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પરશુરામ જયંતિની ઉજવણી : પરશુરામે સમુદ્રને ભેદીને જમીન વિસ્તાર ઉભો કરેલો જે આજે પણ કોંકણ તરીકે વિખ્યાતઃ અભયભાઈ ભારદ્વાજ

રાજકોટઃ સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના રાજકોટ જિલ્લાના પ્રમુખ પંકજભાઈ રાવલની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે અખાત્રીજની પાવન પર્વે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિની ભુદેવો દ્વારા ભકિતભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. શહેરની ભાગોળે આવેલ માધાપર સ્થિત ઈશ્વરીયા મહાદેવના સાનિધ્યમાં ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિતે ભકિત- ભજન અને ભોજન જેવા અનેકવિધ કાર્યક્રમોમાં રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયા હતા.

આ તકે વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું હિન્દુધર્મ ગ્રંથો અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુના મુખ્ય અવતારોમાંથી એક છે, ભગવાન પરશુરામનો જન્મ વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજના થયો હતો. પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અંશાવતાર છે. તેમની ગણના શ્રીહરીના દશાવતારોમાં થાય છે. તેના પરથી જ તેમનુ મહત્વ સમજી શકાય છે. ભગવાન પરશુરામ યોગ વેદ અને નીતિમાં પારંગત હતા. બ્રહ્માસ્ત્ર સહિત વિભિન્ન દિવ્યાસ્ત્રોના સંચાલનમાં પણ તેઓ પારંગત હતા. તેમના કઠોર તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને કલ્પના અંત સુધી તપસ્યારત ભુલોક પર રહેવાનું વરદાન આપ્યું હતું. અગ્નિપુરાણમાં દર્શાવ્યા અનુસાર પરશુરામે મહેન્દ્ર પર્વત ઉપર વસવાટ કર્યો હતો. પરશુરામ બ્રહ્મતેજને એક અલગ પ્રકારે ક્ષાત્રતેજ સાથે સંમિલિત કરી વિશિષ્ટ ઓળખ બક્ષનારા મહાપુરૂષ તરીકે ઈતિહાસમાં જગવિખ્યાત છે ત્યારે પુરાણ કાળમાં શાસ્ત્રો એ જ શસ્ત્ર હતા, વર્તમાન સમયમાં આતંકવાદીઓ, નકસલીઓ, દેશદ્રોહીઓ શાસ્ત્રોની ભાષા નથી સમજતા ત્યારે શસ્ત્ર એ જ શાસ્ત્ર છે.

આ તકે ઓલ ઈન્ડિયા લો કમિટિના સદસ્ય અને સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે પરશુરામે સમુદ્રને ભેદીને જમીન વિસ્તાર ઉભો કર્યો હતો જે કોંકણ તરીકે આજેય પ્રખ્યાત છે. આમ પરશુરામનો જન્મ અનેક રહસ્યોથી ભરપૂર છે અને દેવતાઓ માટે પડકારરૂપ છે. ભારતીય સમાજ ભગવાન પરશુરામને શોર્યના પ્રતીક તરીકે યાદ કરીને અખાત્રીજના રોજ પરંપરાગત પરશુરામ જયંતી ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસથી ઉજવે છે. ત્યારે શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વય એટલે ભગવાન પરશુરામ. આ તકે પંકજભાઈ રાવલની આગેવાની હેઠળ બ્રહ્મસમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જામજોધપુર તાલુકાના ધુનડા સતપુરાણધામના પૂ.જેન્તીરામબાપાનું સન્માન કરવામાં આવ્યું હતું.

(3:31 pm IST)