Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

પૂ. વીરમતીબાઇ મ.ની ૫૦મી દીક્ષા જયંતિનો મહોત્સવ ભકિતભાવથી ઉજવાયો

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે ગોંડલમાં

 રાજકોટઃ તા.૮, અનેક અનેક આત્માઓને સંયમ પંથ પર પ્રયાણ કરાવીને સંતત્વને સાર્થક કરી રહેલા રાષ્ટ્રસંત પુજય શ્રી નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે દાદાગુરૂ ડુંગરસિંહજીની  મહારાજ સાહેબની ગાદીમાં ગામ ગોંડલમાં શ્રી નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે વીરલપ્રજ્ઞા પૂજય શ્રી વીરમતીબાઇ મહાસતીજી સુર્વણ જયંતિ મહોત્સવ શ્રધ્ધા, ભાવ, ભકિતથી સંપન્ન થયો હતો.

 ગુજરાત રત્ન પૂજયશ્રી નમ્રમુનિ  સાહેબ આદીઠાણા-૫ તેમજ શાસન   ચંદ્રીકા પૂજયશ્રી હિરાબાઇ મહાસતીજી આદિ ઠાણા, પૂજય શ્રી ભદ્રાબાઇ મહાસતીજી આદિ ઠાણા-૪ પૂજયશ્રી વિરમતીબાઇ મહાસતીજી આદિ ઠાણા-૩૧, ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂજય શ્રી રાજુલબાઇ મહાસતીજી, પૂજય શ્રી ઉષાબાઇ મહાસતીજી તેમજ ઉતમ પરિવારના પૂજયશ્રી ધર્મિલાબાઇ મહાસતીજી આદિ  ઠાણા મળીને ૬ સંતો તેમજ ૫૧ મહાસતીજીઓની ઉપસ્થિતિમાં ઉજવાયેલા સંયમ અનુમોદનાના આ અવસરે જુનાગઢ, અમરાવતી,  અમદાવાદ, પારસધામ, પરમધામ, મોરબી, જામનગર, જામજોધપુર, ધારી, વેરાવળ, અમરેલી, પોરબંદર, કાલાવડ, રાજકોટ, આકોલા, બરોડા, નાગપુર, કોલકતા, દિલ્હી, ધારી, બગસરા, જેતપુર, લાલપુર આદિ અનેક ક્ષેત્રોના શ્રી સંઘોની વિશેષ ભાવે ઉપસ્થિત સાથે વિશાળ સંખ્યામાં જન સમુદાયે  પુજય મહાસતીજીના સંયમ જીવનની અનુમોદના કરી હતી.

 ૫૦ વર્ષના દીર્ધ સંયમી પૂૂજય મહાસતીજીના  સંયમના બહુમાન સ્વરૂપ જિન શાસનના જયકાર સાથે અજમેરા બિલ્ડર્સના આંગણે લાંબી શોભાયાત્રા સાથે પુજય મહાસતીજીના પરિવારજનો અને વિશાળ જન સમુદાય દ્વારા પૂજય શ્રી વીરમતીબાઇ મહાસતીજીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું પૂજયશ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, પુજય શ્રી અજિતાબાઇ મહાસતીજી, પૂ. શ્રી આરતીબાઇ મહાસતીજી, પૂ. સ્મિતાબાઇ મહાસતીજી તેમજ  પૂજય શ્રી પરમ ઋષિતાજી મહાસતીજીએ સુંદર ભાવોની અભિવ્યકિત કરીને આ અવસરે પૂજયશ્રી વીરમતીબાઇ મહાસતીજીને સંયમ શુભેચ્છા વંદના અર્પણ કરી હતી.

વિશેષમાં આ અવસરે પૂજય શ્રી  વીરમતીબાઇ મહાસતીજીના બોધથી  પ્રતિબોધિત થયેલા હિન્દુ ધર્મના સન્યાસી મહામંડલેશ્વર શ્રી રાહુલેશ્વરનંદજી પૂજય મહાસતીજીને સંયમ શુભેચ્છા વંદના અર્પણ કરવા વિશેષરુપે બદ્રીનાથ હિમાલયથી પધારી પૂજય મહાસતીજીને સુંદર ભાવો સાથે શુભેચ્છા - અભિનંદન અર્પણ કર્યા હતા.

 ઉપરાંતમાં સમગ્ર ગોંડલ સંપ્રદાયવતી પ્રવિણભાઇ કોઠારી રાજકોટ રોયલ સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠ, કાલાવડ સંઘના પ્રમુખ પી.સી. મહેતા તેમજ દિલ્હી ગુજરાતી સ્થા. જૈન સંઘના  દીલીપભાઇ ધોળકીયાએ મહાસતીજીના સંયમ જીવનની ભુરી-ભુરી અનુમોદના કરી હતી.

 યોગાનું યોગ આ  અવસરે પૂજયશ્રી આરતીબાઇ મહાસતીજીની ૩૪મી દીક્ષા જયંતિ હોવાથી ઉપસ્થિત સર્વને બંને સાધ્વીરત્નાઓને સંયમ જયંતિની શુભેચ્છા વંદના અર્પણ કરી હતી. ડો. પૂજય શ્રી આરતીબાઇ મહાસતીજીના સંસારી પરિવારજનોએ શાલ અર્પણ કરીને પૂજય મહાસતીજીની દીક્ષા જયંતિની શુભેચ્છા આપી હતી.

 પૂજયશ્રી વિરમતીબાઇ મહાસતીજીની સંયમ સુર્વણ જયંતિના અવસરે પ્રરમાર્થ કાર્ય દ્વારા યાદગાર બનાવવા માટે ગોંડલની પાંજરાપોળનો વિકાસ કરીને અબોલ જીવો માટે શાતા-સમાધિ આપવાની રાષ્ટ્રસંત પૂજયશ્રી મંગલ પ્રેરણાને ઉપસ્થિત વિશાળ સમુદાયે હર્ષનાદથી વધાવી લીધી હતી. એ સાથે જ અનેક અનેક ઉદારદિલ ભાવિકોએ અબોલ જીવો માટે ઘાસચારા અર્થે અનુદાન અર્પણ કરતાં બહોળુ અનુદાન  એકત્રીત થયું હતું

 પૂજયશ્રી વિરમતીબાઇ મહાસતીજીની ૫૦મી સંયમ જયંતિ ૫૧ કિલોનો લાડવો વ્હોરવવાનો અનન્ય લાભ રાજકોટના કાંતિભાઇ લાધાભાઇ શેઠ, અમદાવાદના રમેશભાઇ મકાતી તેમજ નિરજભાઇ શાહ પરિવારે લીધો હતો. લાડવાની ઉછામણીની સમગ્ર રકમ ગોંડલ  પાંજરાપોળનો વિકાસ કરીને અબોલ જીવો માટે ઉપયોગમાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી. લાભાર્થી પરિવારો દ્વારા અત્યંત અહોભાવપુર્વક મહાસતીજીને લાડવાને ગોંડલ  ક્ષેત્રના ગરીબોને ખવડાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

 આ અવસરે મુંબઇની લીલાવતી હોસ્પીટલના ટ્રસ્ટી રેખાબેન શેઠની ઉદાર ભાવના અને સેવા ભાવનાનું સન્માન પ્રવિણભાઇ કોઠારીના હસ્તે શાલ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું  પૂજયશ્રી વિરમતીબાઇ મહાસતીજીની સંયમ અનુમોદના અર્થે એક સપ્તાહ સુધી ઉજવાયેલા મહોત્સવ દરમિયાન અનન્ય સેવા બજાવનાર શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના સર્વ કાર્યકરો, અર્હમ યુવા સેવા ગ્રુપ અને લુક અુેન લર્નના દીદીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત દરેક ભાવિકોના ગૌતમ પ્રસાદનો લાભ લેનાર પૂજય શ્રી વિરમતીબાઇ મહાસતીજીના સંસારી પરિવારજન ધીરજલાલભાઇ મહેતા પરિવારનું સન્માન શ્રી સંઘ તરફથી કરવામાં આવ્યું હતુ. સંત-સંતીજીઓની વૈયાવચ્ચ જેમણે ભાવભકિત અને ઉત્સાહથી કરી એવા અજમેરા પરિવારના અશ્વિનભાઇ અજમેરાને સવનનું શ્રી યંત્ર અર્પણ કરીને એમની સેવા ભાવનાને બિરદાવવામાં આવી હતી.

 કોલકતાના ભાવિક પુષ્કરભાઇ મોદી તરફથી સોના-ચાંદીના કોઇન અર્પણ કરીને પૂજય શ્રી વિરમતીબાઇ મહાસતીજી પ્રત્યે ભકિત પ્રદર્શિત કરવામાં આવી હતી. સોના-ચાંદીના તે કોઇન્સને સેવા ભાવી કાર્યકરોને અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રવિણભાઇ કોઠારીએ ભાવભીનું સ્વાગત શ્રી સંઘ વતી કર્યું હતુ. લુક એન લર્ન ગોંડલની બાલીકાઓ દ્વારા સુંદર ભકિત નૃત્યની પ્રસ્તુતિ કરીને સંયમ અનુમોદના કરી હતી.

(3:44 pm IST)