Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

કેકેવી ચોકમાં બ્રિજનું કામ ટુંક સમયમાં: રૈયા રોડ પર રેલવેની મંજુરીની રાહ

કોર્પોરેશન દ્વારા ગૌરવ પથ કાલાવડ રોડ પર તથા રૈયા રોડ રેલવે ફાટકે ૪૦ કરોડના ખર્ચે અન્ડરબ્રિજ બનાવવા નિર્ણય : કાલાવડ પર સેન્ટ મેરી સ્કુલથી સદ્ગુરૂ પેલેસ સુધી અન્ડર બ્રિજ બનશેઃ કેકેવી ચોકમાં અન્ડરબ્રિજ માટે તુર્તમાં ટેન્ડર પ્રક્રિયાઃ બંછાનિધી પાની - ડો. જૈમન ઉપાધ્યાય સહિતના પદાધિકારીઓની પત્રકાર પરિષદમાં જાહેરાત : અન્ડરબ્રિજ, ઓવરબ્રિજ અને વધારામાં સર્વીસ રોડ એક કરતા બે ભલા, રાજકોટના એકમાત્ર કે.કે.વી. ચોકમાં બન્ને પ્રકારના બ્રિજ

રાજકોટ તા. ૮ : મહાનગરપાલિકાએ શહેરની ટ્રાફિક સમસ્યાને ખુબ જ ગંભીરતાથી લઇ શહેરીજનોને સાલ અને મુકત પરિવહનની સગવડતા ઉપલબ્ધ બનાવવા વખતોવખત મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે; જેમાં શહેરના ગૌરવ પથ કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં તેમજ રૈયા રોડ રેલ્વે ક્રોસિંગ ખાતે અન્ડર બ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે તેમ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જાહેરાત કરી હતી. 

 શહેરના કાલાવડ રોડ તથા રૈયા રોડ પર બનનાર બ્રિજની વિસ્તૃત માહિતી માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં આ બંને પ્રોજેકટની ઘોષણા કરતા મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે એમ ઉમેર્યું હતું કે, શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ તેમજ નાના-મોટા બ્રીજ, રોડ વાઈડનિંગ સહિતના નિર્ણયો લઇ વખતોવખત જે તે પ્રોજેકટ અમલમાં મુકેલ છે. શહેરને ટ્રાફિક પ્રશ્નમાંથી મુકત કરવામાં  કેકેવી ચોકમાં તેમજ રૈયા રોડ રેલ્વે ક્રોસિંગ ખાતેના અન્ડર બ્રિજ ખુબ જ ઉપયોગી પૂરવાર થશે. આ બંને પ્રોજેકટ માટે મહાનગરપાલિકાએ આજથી જ ઝડપભેર કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ તકે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ પ્રોજેકટ વિશે વાત કરતા કહેલું કે, કાલાવડ રોડ અને રૈયા રોડ અન્ડર બ્રીજ બનાવવાનું ફાઈનલ થયેલ છે. આ બ્રિજ પૂર્ણ થતા  કારણે લોકોને પડી રહેલી ટ્રાફિકની મુશ્કેલીનો અંત આવશે. ટ્રાફિકની સમસ્યાનો ખુબ જ ગંભીરતાથી અભ્યાસ કરીને આ બ્રિજની ડીઝાઈન ફાઈનલ કરેલ છે. નાનામાં નાની સમસ્યાનો આ બ્રિજમાં ઊંડાણ પૂર્વક નિવારણ કરવામાં આવેલ છે. આ બ્રીજ બનવાથી ૬૦ થી ૭૦ ટકા ટ્રાફિકની મુશ્કેલી દુર થશે. કેકેવી ચોકના અન્ડર બ્રિજ માટે ટેન્ડર દોઢ માસમાં જાહેર કરવામાં આવે માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જયારે રૈયા રોડ અન્ડર બ્રિજ માટે રેલ્વે તંત્ર સાથે સંકલન કરવામાં આવી રહયું છે.

કે.કે.વી. રોડ અન્ડર બ્રીજ

શહેરના ગૌરવ પથ કાલાવડ રોડ પર સ્થિત કે.કે.વી. હોલ ચોક પાસે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે રાજકોટ મહાનગરપાલિકા તરફથી કાલાવડ રોડ પર રોડ અન્ડર બ્રીજ બનાવવાનું આયોજન કરેલ છે. આ અન્ડર બ્રીજ બનાવવા ડીઝાઈન તૈયાર કરવા ડેલ્ફ કન્સલ્ટન્ટ, અમદાવાદની નિમણુંક કરવામાં આવેલ છે. ડેલ્ફ કન્સલ્ટન્ટ તરફથી ટ્રાફિક વોલ્યુમ કાઉન્ટ સર્વે કરવામાં આવેલ જે મુજબ મહિલા ચોકથી કાલાવડ રોડ તરફ ૯૧૮૨ પી.સી.યુ. એટલે કે ૬૭.૫૦% ટ્રાફિક અને કાલાવડ રોડ થી મહિલા કોલેજ તરફ ૨૧૭૩૨ પી.સી.યુ. એટલે કે ૮૦.૭૧% ટ્રાફિક વહે છે. આમ, કાલાવડ રોડ પર ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રોડ અન્ડર બ્રીજ બનાવવાની જરૂરિયાત જણાયેલ છે. આ કામ માટે ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ મ્યુનિ. કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

આ બ્રિજ સેન્ટ મેરી સ્કુલ પાસેથી શરૂ કરી સામે છેડે સદ્ગુરૂ પેલેસ સુધી બનશે. આ બ્રિજમાં ૨૦ કરોડનો ખર્ચનો અંદાજ કરવામાં આવ્યો છે.

રૈયા રોડ પર અન્ડર બ્રિજ

રાજકોટ શહેરના રેલ્વે લાઈન પરના તમામ રેલ્વે ક્રોસિંગ પર વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત આપવા રાજકોટ મહાનગરપાલિકા તરફથી આગાઉ  ગોંડલ રોડ ટ્રાય એન્ગ્યુલર બ્રીજ, મોરબી રોડ આર.ઓ.બી. અને ભગવતીપરા આર.ઓ.બી. નું નિર્માણ કરેલ છે.

રૈયા રોડ (LC-6)  પર ફાટક બંધ થવાના કારણે લોકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રાજકોટ મહાનગરપાલિકા તરફથી ડેલ્ફ કન્સલ્ટન્ટ મારફત જુદા જુદા વિકલ્પોનો અભ્યાસ કરી આર.યુ.બી. (રેલ્વે અન્ડર બ્રીજ) બનાવવાનો નિર્ણય કરેલ છે. LC-6 , રૈયા રોડ રેલ્વે ક્રોસિંગ પર બનનાર આર.યુ.બી. માટે ટ્રાફિક વોલ્યુમ કાઉન્ટ સર્વે કરાયેલ જે મુજબ રૈયા રોડ તરફથી જીલ્લા પંચાયત તરફ ૧૨૧૩૦ પી.સી.યુ. અને જીલ્લા પંચાયતથી રૈયા રોડ તરફ ૬૫૮૫ પી.સી.યુ. ટ્રાફિક રહે છે. વધુમાં, આ રેલ્વે ક્રોસિંગ પર રેલવેના નોર્મ્સ મુજબ ૧ લાખ ATV4 રહેતો હોય આ ફાટક પર રેલ્વે અન્ડર બ્રીજ બનાવવામાં આવશે.

આ બ્રિજને રેલવેની મંજુરી બાદ કામગીરી ઝડપી હાથ ધરવામાં આવશે તેમ કિશાનપરા ચોકમાં સરદાર પટેલ પુસ્તકાલયની દિવાલ કપાત કરવામાં આવશે તેમ તંત્રવાહકોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

મેયર જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે. મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, દંડક રાજુભાઈ અઘેરા, બાંધકામ સમિતીના ચેરમેન મુકેશભાઈ રાદડિયા, તેમજ એડી. સિટી એન્જી. ભાવેશભાઈ જોશી, ડી.ઈ.ઈ. એમ.આર. શ્રીવાસ્તવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કેકેવી ચોકમાં અન્ડર બ્રિજ કેવો બનશે!

*    કાલાવડ રોડ ROW – ૩૦.૦૦ મી.

*    અન્ડર બ્રિજની ઊંચાઈ (કલીયર હાઈટ) – ૫.૫૦ મી.

*    કેરેજ વે ની પહોળાઈ (ફોર લેન) – ૧૪.૦૦ મી.

*    કેરેજ વે નો ઢાળ - ૧ ઇન ૩૦ (૧.૩૦)

     એપ્રોચની લંબાઈ :

     - કાલાવડ તરફ – ૧૬૮.૩૫ મી. (સદગુરુ પેલેસ સુધી)

     - મહિલા કોલેજ તરફ – ૨૧૨.૮૭ મી. (સેન્ટમેરી સ્કુલ સુધી)

     -સર્વિસ રોડ – બંને તરફ ૬.૫૦ મી. (ટુ વેન)

     -પ્રોજેકટ કોસ્ટ – સે ૨૦.૦૦ કરોડ

આ અન્ડર બ્રીજ બનતા કે.કે.વી. હોલ ચોક યથાવત રહેશે આ માટે ૬૦.૦૦ મી. લાંબુ આર.સી.સી. બોક્ષ તૈયાર કરવામાં આવશે. આ અન્ડર બ્રીજ બનવાથી રાજકોટ શહેરની અંદાજીત ૪-૫ લાખની વસ્તીને સીધો ફાયદો થશે.

રૈયા રોડ પર નિર્માણ પામનાર બ્રીજની માહિતી

-    રૈયા રોડ ROW – ૨૪.૦૦ મી.

-    કેરેજ વે ની ઊંચાઈ (સૂચિત)- ૪.૫૦ મી.

-    કેરેજ વે ની પહોળાઈ - ૨*૫.૫૦ મી. (ફોર લેન બ્રીજ)

     કેરેજ વે નો ઢાળ :

     -  હનુમાન મઢી તરફ - ૧ ઇન ૨૫ (૧ in ૨૫)

     -  કિસાનપરા તરફ – ૧ ઇન ૨૨.૫ (૧ in ૨૨.૫)

-    સર્વિસ રોડ- ૪.૫૦ મી. બંને તરફ

-    પેડેસ્ત્રીયન પાથ – ૧.૨૦ મી. બંને તરફ

-    પ્રોજેકટ કોસ્ટ – સે ૨૦.૨૫ કરોડ

આ અન્ડર બ્રીજ બનતા રૈયા રોડ તરફના અંદાજીત ૩-૪ લાખ લોકોને ટ્રાફિક સમસ્યાથી મુકિત મળશે તેમજ કિસાનપરા ચોકમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક પેટર્નનો અભ્યાસ કરી રોટરી ડીઝાઈન કરવામાં આવશે.

(3:32 pm IST)