Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કાલે શબે બરાઅત પોતાના ઘરોમાં જ મનાવોઃ સેવા કરતા તબીબો માટે દુઆ કરો

લોકડાઉનનો ઉલ્લંઘન કરનારા પોતાના પરીવાર અને સમાજને જોખમમાં મૂકે છે : યુસુફભાઈ જુણેજા

રાજકોટ, તા. ૮ : આવતીકાલે તા.૯ના ગુરૂવારના રોજ ૧૫મી શબ શાબાનુલ મુહર્રમ (શબે બરાઅત) છે. આ રાતમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો મસ્જીદમાં એકઠા થઈ ઈબાદતમાં ગુઝારે છે. પરંતુ અત્યારે સમગ્ર વિશ્વ અને ખાસ કરીને આપણો દેશ કોવિડ-૧૯ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યો હોય અને પ્રધાનમંત્રીના આદેશ પ્રમાણે લોકડાઉન ચાલી રહેલ હોય તમામ મુસ્લિમ બિરાદરોને અપીલ છે કે મોટી રાતમાં પોતપોતાના ઘરોમાં રહીને નમાઝ અદા કરે. તૌબા અસ્તગફાર તસ્બીહ, દુરૂદ પઢે કબ્રસ્તાન બંધ હોવાથી ઘરેથી જ પોતાના મર્હુમોને ઈસાલે સવાબ કરે.

અત્યારે આપણો દેશ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે હજુ પણ ઘણા નાસમજ લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરી પોતાને પોતાના પરીવારને તેમજ સમાજને જોખમમાં મૂકી રહ્યા છે. લોકો પોતાના ઘરમાં જ રહો, એ તમારા પરીવાર અને દેશના હિતમાં છે.

રાજકોટના ડોકટર્સની સેવા કાબિલેદાદ છે. તેમજ પોલીસના જવાનો આરોગ્ય કર્મીઓ, સેવાકર્મીઓ પણ રાત દિવસ સેવામાં લાગેલા છે ત્યારે એક નાગરીક તરીકે આપણી ફરજ છે કે આપણે લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરીએ. અંતમાં આ શબેબરાઅત કબુલીયતની રાત છે. ખાસ બેરકાત નમાઝ હાજત પઢી બિમારોની શીફા માટે, દેશમાંથી કોરોના ખતમ થાય તે માટે અને પોતાના ઘર પરીવાર મુકીને રાત દિવસ સેવા કરતા ડોકટરોની સલામતી માટે દુઆ કરીએ તેમ યુસુફભાઈ જુણેજાએ યાદીના અંતમાં જણાવ્યુ છે.

(4:36 pm IST)