Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સિવિલના કોરોના વોર્ડના નર્સિંગ સ્ટાફ માટે ડોકટરોની મેસમાં ભોજનની વ્યવસ્થા

નબળા ભોજન માટે ફરિયાદો ઉઠ્યા બાદ તબિબી અધિક્ષક અને આરએમઓએ તાકિદે વ્યવસ્થા ગોઠવી : ભોજનની ફરિયાદ અમારા સુધી પહોંચી જ નહોતીઃ ડો. મનિષ મહેતા, ખબર પડતાં જ પ્રશ્ન ઉકેલાયો : આરએમઓ ડો. ચાવડા પોતાના તરફથી ધાર્મિક સંસ્થામાંથી દરરોજ સાત્વીક ભોજનની ૩૫ ડીશ લાવી કોરોના વોર્ડના ડોકટરો, નર્સિંગ સ્ટાફને જમાડતા હતાં: મેટ્રન ઝાખરીયાએ વધારાના નર્સિંગ સ્ટાફને લઇ હોબાળો ઉભો કર્યાની ચર્ચા

રાજકોટ તા. ૮: શહેરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં કોરોનાના દર્દીઓ માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે અને પોઝિટીવ રિપોર્ટ ધરાવતાં દર્દીઓની સારવાર થાય છે એ વોર્ડમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફને સારું ભોજન મળતું ન હોવાની વાતે હોબાળો મચતાં આ અંગે તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ ત્વરીત પ્રશ્નનો નિવેડો લાવી નર્સિંગ સ્ટાફ માટે ડોકટરની મેસમાં ભોજનની વ્યવસ્થા ગોઠવી છે.

નર્સિંગ સ્ટાફ કે જે કોરોના વોર્ડમાં ફરજ બજાવે છે તેને કોરોન્ટાઇન કરવામાં આવ્યા હોવાથી ઘરે જઇ શકતાં નથી. આ લોકોને ભોજન બરાબર મળતું ન હોવાની રજૂઆત મેટ્રન ઝાખરીયાની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. અધિક્ષક ડો. મનિષ મહેતાએ જણાવ્યું હતું કે મારા સુધી આ વાત અગાઉ પહોંચી નહોતી. રજૂઆત મળતાં જ નર્સિંગ સ્ટાફ માટે ડોકટરની મેસમાં ભોજનની વ્યવસ્થા ગોઠવી દીધી છે.

આરએમઓ ડો. ચાવડાએ જણાવ્યું હતું કે કોરોના વોર્ડમાં ફરજ બજાવતાં ડોકટરો તેમજ નર્સિંગ સ્ટાફ, પોલીસ સ્ટાફ, ચોકીદાર, લિફટમેન આ તમામને બહાર જવાનું ન હોઇ તેમના માટે મેં જાતે ધાર્મિક સંસ્થામાંથી દરરોજ ૩૦-૩૫ સાત્વીક ભોજનની ડીશ મંગાવીને તેમને જમાડવાની વ્યવસ્થા કરી હતી. પ્રથમ કોરોના દર્દી જાહેર થયું તેના બીજા-ત્રીજા દિવસથી જ હું જાતે સંસ્થા ખાતે જતો હતો અને બધા માટે ભોજન લઇને આવતો હતો. આ વોર્ડ સિવાયના વધારાના નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા મારે કરવાની નહોતી. હું કોરોના વોર્ડના તમામ સ્ટાફ માટે વિનામુલ્યે ભોજનની સેવા પુરી પાડતો હતો. આમ છતાં વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. જો કે હવે આ વિવાદ સમી ગયો છે.

તબિબી અધિક્ષક ડો.મનિષ મહેતાએ જણાવ્યું હતું કે જે સ્ટાફને જે તકલીફ હોઇ તે માટે અમને સીધી રજૂઆત કરવી જોઇએ. બીજા કોઇના માધ્યમથી હાલના સંજોગોમાં  ખોટા હોબાળા ન મચાવીએ તે જરૂરી છે.

(4:06 pm IST)