Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

હોમ કોરન્ટાઈનવાળા લોકોના વાહનની ચાવી તંત્ર કબજે કરશે

રાજકોટ જિલ્લાના ગામડાઓ માટે ડી.ડી.ઓ.નુ ફરમાન

રાજકોટ, તા. ૮ :. જિલ્લાના પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતા ૫૫૦થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કારણે હોમ કોરન્ટાઈન થયેલા લોકોના વાહનોની ચાવી પોતાના હસ્તક લઈ લેવા જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ દરેક ટી.ડી.ઓ. મારફત ગ્રામ પંચાયતોને સૂચના આપી છે.  જિલ્લામાં કોરોના સંદર્ભે ૧૨૦૦ જેટલા લોકો હોમ કોરન્ટાઈન સ્થિતિમાં છે. સરકાર દ્વારા તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. આ પૈકી કેટલાક લોકો પોતાના વાહન લઈને બહાર નિકળી પડતા હોવાથી હોમ કોરન્ટાઈનનો ભંગ થતો હોવાનો અને તેનાથી જન આરોગ્ય પર જોખમની શકયતા વધતી હોવાથી જિલ્લા વિકાસ અધિકારીએ કડક પગલુ ભર્યુ છે. તેમણે હોેમ કોરન્ટાઈનના લોકોના તમામ વાહનોની ચાવી નિયત સમય મર્યાદા સુધી ગ્રામ પંચાયતના કબ્જામાં લઈ લેવા સૂચના આપી છે. વાહન ચાલી ન શકવાથી બહાર નિકળવાની લોકોની વૃતિને બ્રેક લાગશે. પોતાના જ ઘરમાં તબીબી દેખરેખ હેઠળ અલાયદા રખાયેલા લોકોને કંઈ જરૂરીયાત ઉભી થાય તો સ્થાનિક તલાટીનો સંપર્ક કરી શકે તે માટે જે તે તલાટીના નંબર આવા લોકોને આપી દેવામાં આવ્યા છે. ચાવી પંચાયત હસ્તક લઈ લેવાના પગલાનો આજથી જ અમલ શરૂ થઈ ગયો છે.

(3:28 pm IST)