Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

દારૂના મોટા જથ્‍થા સાથે કબ્‍જે થયેલ વાહનનો કબજો પરત કરવા હાઈકોર્ટનો હુકમ

રાજકોટ, તા. ૮ :. રાજકોટ નજીક દારૂના મોટા જથ્‍થા સાથે પકડાયેલ વાહન છોડવા થયેલ અરજીમાં ગુજરાત હાઈકોર્ટે હુકમ કરી અરજદારને વાહન પરત કરવાનો હુકમ કર્યો હતો.

રાજકોટ નજીક મોરબી રોડ બેડી ચોકડી પાસે, બી. ડીવી. પો. સ્‍ટે.ના પોલીસ અધિકારીઓએ મોટા જથ્‍થામાં દારૂ પકડી પાડેલ અને જે તે સમયે આરોપીઓ પાસેથી વાહનો કબ્‍જે લેવામાં આવેલ.

ફરીયાદની વિગત મુજબ તા. ૨-૧૦-૨૦૧૯ના રોજ બપોરના ૧૬.૩૦ કલાકે બી.ડીવી. પો. સ્‍ટે.ના અધિકારીઓ, પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા ત્‍યારે ખાનગી બાતમીદાર દ્વારા હકીકત જાણવા મળેલ કે મોરબી રોડ તરફથી દેશી દારૂ ભરેલી રીક્ષા બેડી ચોકડી તરફ આવે છે અને પોલીસે શંકાસ્‍પદ રીક્ષાને રોકી બે રાહદારી પંચોને સાથે રાખી રીક્ષા ચેક કરતા ૧૧૦ લીટર દેશી દારૂનો જથ્‍થો મળી આવતા તેનુ પ્રાથમિક પંચનામુ કરી, આરોપીઓ દારૂની હેરાફેરી કરતા હોય તેઓ સામે પ્રોહિબીશન એકટની કલમ ૬૫(ઈ), ૯૮(૨) તથા કલમ-૮૧ મુજબ ફરીયાદ કરવામાં આવેલ અને દારૂનો જથ્‍થો તથા રીક્ષા પોલીસે ફરીયાદના કામે કબ્‍જે કરેલ.

આ કામમાં પોલીસ દ્વારા કબ્‍જે લેવાયેલ રીક્ષા પરત મેળવવા વાહન માલિક ગોપાલ ભાયાભાઈ કનારાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી જણાવેલ કે કહેવાતી ફરીયાદમાં દર્શાવેલ ગુના બાબતે તેઓનો કોઈ સીધો કે આડકતરો રોલ નથી અને રીક્ષા અરજદાર તથા તેના કુટુંબીજનોનું નિર્વાહ અને રોજીરોટી માટેનું એક માત્ર સાધન છે. વિશેષમાં તપાસના કામે કબ્‍જે લેવાયેલ વ્‍હીકલ લાંબો સમય પોલીસ સ્‍ટેશને રાખી મુકવાથી ફીઝીકલ ડેમેજ થાય તેમ છે અને અરજદાર માટે બિનઉપયોગી બનતા અરજદારને મોટું આર્થિક નુકશાન થાય તેમ છે.

અરજદારની ઉપરોકત રજુઆત તથા ઉચ્‍ચ અદાલતોના ચુકાદામાં સ્‍થાપીત થયેલી ગાઈડ લાઈન ધ્‍યાને લઈ, ગુજરાત હાઈકોર્ટએ જવાબદાર અધિકારીને અરજદારનું વાહન પરત કરવા આદેશ કરેલ છે. આ કામમાં અરજદાર વતી ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ દરજ્જે બ્રિજ વિકાસ શેઠ તથા રાજકોટના રાજદીપ દાસાણી એડવોકેટ દરજ્જે રોકાયેલ હતા

(4:19 pm IST)