Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

મહિલા દિન -વિશેષ-

પ્રેમલ બદિયાણી : ફેશનની દુનિયાનો ઝગમગાટ

રાજકોટની યુવતીની કલાસૂઝથી વિશ્વ દંગ : ફેશન ડિઝાઇનક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન : કાન્તિભાઇ વૈદ્યની પૌત્રીએ વિશ્વસ્તરે તહલકો મચાવ્યો : કલાત્મક, મોડર્ન, લકઝરીયસ ડિઝાઇનમાં પ્રેમલ બીનહરિફ : પારાવાર વૈશ્વિક સન્માનો પ્રાપ્ત થયા : સેવા-પ્રવૃત્તિમાં પણ અનન્ય યોગદાન : 'બ્રાન્ડ વીથ હાર્ટ' તરીકે ચાહનાઃ પ્રેમલ બદિયાણી 'અકિલા'ની મુલાકાતે

ફેશનની દુનિયામાં તહલકો મચાવનાર ફેશન ડિઝાઇનર પ્રેમલ બદિયાણીની વિવિધ તસ્વીરો.... : જમણેથી પ્રેમલ બદિયાણી, ડો. મધુભાઇ જાની (મો. ૯૮૭૯૩ ર૭૩૦૭) તથા જયોત્સનાબેન (સ્વાતિબેન) જાની નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૮ : અમેરિકાની ખૂબ ચર્તિત ફેશન દુનિયાનો ઝગમગાટ વિશ્વમાં અવ્વલ સ્થાને છે. અમેરિકન ફેશન જગતમાં રાજકોટની એક યુવતીએ અનન્ય નીખાર આપીને પોતાની આગવી ઓળખ સર્જી છે.

રાજકોટના પ્રેમલ બદિયાણીએ વૈશ્વિક ફેશન ક્ષેત્રે અનેક સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે. 'પોષાક'ના ફાઉન્ડર, સીઇઓ અને ડિઝાઇનર પ્રેમલબેન 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતાં અને ફેશનની રંગબેરંગી દુનિયાનો ઉઘાડ કર્યો હતો. મુલાકાતની ઝલક માણીએ.

આજે મહિલા દિન છે. રાજકોટની યુવતી આત્મબળ અને કલાસાધનાના જોરે વૈશ્વિકસ્તરે અનન્ય સ્થાન પ્રાપ્ત કરે એ ગુજરાત અને ભારતનું ગૌરવ ગણાય.

અમેરિકામાં સ્થાયી થયેલા અને ફેશન ડિઝાઇનક્ષેત્રે છવાઇ ગયેલા પ્રેમલ બદિયાણી રાજકોટના જાહેર જીવનના અગ્રણી કાન્તિભાઇ વૈદ્યના પૌત્રી છે. પ્રેમલબેન કહે છે કે, સકારાત્મક બનીને આત્મબળના સંગાથે જંગ ખેલો તો કોઇપણ ક્ષેત્રે અકલ્પનીય સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

વિશ્વસ્તરના ફેશન ડિઝાઇનર પ્રેમલ બદિયાણીએ પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં જ લીધું છે. તેઓ નિર્મલા કોન્વેન્ટના વિદ્યાર્થીની હતા. પ્રેમલ બદિયાણી અમેરિકન ઇન્ડસ્ટ્રીઝમાં ચાવીરૂપ સ્થાનો પર સેવા આપી છે. પ્રેમલ કહે છે કે, મને બાળપણથી જ કલા-સર્જનનો શોખ હતો. અમેરિકામાં વેલ-સેટ થયા બાદ આ શોખ ફરી ઉજાગર થયો. ફેશન-કલાક્ષેત્રે ઝંપલાવ્યું. વિવિધ સિદ્ધિઓ પ્રાપ્ત થતી ગઇ અને શોખ વ્યવસાયમાં પરિવર્તિત થઇ ગયો.

કોઠાસૂઝથી ફેશન ક્ષેત્રે આગળ ધપેલા પ્રેમલ બદિયાણીએ વૈશ્વિક ફેશન ડિઝાઇનક્ષેત્રે અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ન્યુયોર્ક ફેશન વીક ડીઝાઇનર, બ્રિટીશ-અમેરિકન સેલીબ્રિટીફેશન ક્ષેત્રે આગવું નામ ધરાવતા સુશ્રી પ્રેમલ બદિયાણીનો કોઇને પરિચય આપવાની આમ તો જરૂર જ નહીં. કલાત્મક, મોડર્ન, લકઝરીયસ ડીઝાઇન, તથા સ્ટાઇલ માટે સુશ્રી બદિયાણી વિશ્વસ્તરીય તથા હૃદય સ્પર્શીય લેબલ ધરાવે છે.

તેરા તુજ કો અર્પણ એટલે કે સમાજ પાસેથી મળેલુ સમાજને પાછુ આપવું તેવી નિષ્ઠા સાથે તેમના દ્વારા સંચાલિત ચેરીટી એશોશીએસન થકી યુ.એસ. તથા ભારતમાં કોમ્યુનીટી સેવાઓ માટે ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલએ તેમને સન્માનિત કરેલા છે. પ્રેમલ બદિયાણીનો સંપર્ક ઇ-મેઇલ : premal@poshaac.com.  પર થઇ શકે છે.

આત્મશ્રધ્ધા વધારવી એ ફેશનનો ધ્યેય

ફેશનનું બધું જ શરીરને અનુકુળ નહિ આવેઃ ફેશન માત્ર વસ્ત્રો સાથે નહિ, જીવનશૈલી સાથે પણ સંકળાયેલી છે

રાજકોટ તા. ૮ :.. ફેશન ડિઝાઇન ક્ષેત્રે વિશ્વસ્તરે અપાર ચાહના મેળવનાર પ્રેમલ કહે છે કે, ફેશનનો મુખ્ય ધ્યેય આત્મ-વિશ્વાસ વધારવાનો છે. વસ્ત્રોની સ્ટાઇલમાં પરિવર્તન કરવાથી આત્મબળ વધવું જોઇએ.

ફેશન માત્ર કપડાંની જ નહિ, જીવન શૈલી સાથે જોડાયેલી બાબત છે. પરિવર્તન સંસારનો નિયમ છે, સમય સાથે પરિવર્તિત થવું જોઇએ. વસ્ત્રોની જેમ વિચાર અને જીવનની શૈલીમાં બદલાવ લાવવો જોઇએ. જો કે, પ્રેમલ કહે છે કે, ફેશનની દુનિયા વ્યવસાયી છે, તમામ પ્રકારની ફેશન બોડીને અનુકુળ ન આવે. ફેશનની લ્હાયમાં પ્રતિકુળ વસ્ત્રો અપનાવવા એ યોગ્ય બાબત ન ગણાય.

અનુકુળ હોય અને પર્સનાલિટી નીખારે તેવી ફેશન અપનાવવી જોઇએ.

પોતે શકિતશાળી હોવાનું મહિલાઓ સ્થાપિત કરે વર્ષમાં એક દિવસ મહિલા દિન ઉજવવાથી કંઇ વળવાનું નથી

રાજકોટ તા. ૮ :.. મહિલા શકિત સ્વરૂપ છે એ સાચું, પરંતુ મહિલાઓએ પોતે શકિતશાળી હોવાનું સ્થાપિત કરવું જોઇએ. આ શબ્દો પ્રેમલ બદિયાણીના છે. વર્ષમાં એક દિવસ મહિલા દિનની ઉજવણી કરવાથી કંઇ નહિ વળે. મહિલાઓમાં અપાર શકયતાઓ હોય છે, તેને ગ્લોબલ સપોટ મળવો જોઇએ.

ક્ષણે-ક્ષણે પ્રોત્સાહન પ્રાપ્ત થવું જોઇએ. મહિલાઓએ પણ જે તે ક્ષેત્રમાં સિધ્ધિ પ્રાપ્ત કરવા સમજદારી પૂર્વકનો સંઘર્ષ કરવા તૈયાર રહેવું જોઇએ.

પ્રેમલ બદિયાણીએ અમેરિકા જઇને નવા માહોલમાં, નવા ક્ષેત્રમાં સકારાત્મક રહીને - સંઘર્ષ કરીને સિધ્ધિ પ્રાપ્ત કરી છે. મહિલાઓ માટે તેઓ પ્રેરણાદાયી બન્યા છે. વ્યવસાયિક સફળતા બાદ પ્રેમલ બદિયાણી સામાજિક-સેવાક્ષેત્રે પણ સક્રિય છે.

(4:19 pm IST)