Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

તોતીંગ ફી ચૂકવતા છાત્રોના ખર્ચે નવા કુલપતિ- કુલનાયક માટે નવી નક્કોર મોટરકાર ખરીદાશે

કલાસરૂમને બદલે ઘરે હાજર રહેતા પ્રોફેસરોને ૩૫ લાખના ખર્ચે અમદાવાદ ભણવા મોકલવા કલાધર ઉંધા માથે * ભાજપ - કોંગ્રેસની ભાગબટાઈમાં લૂંટાતા છાત્રો

રાજકોટ, તા. ૮ : એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક મહિના પૂર્વે કુલપતિ ડો.નીતિન પેથાણી અને કુલનાયક વિજય દેસાણીની પસંદગી થઈ હતી. પસંદગી થતાંની સાથે જ વિવાદમાં રહેલા કુલપતિ અને કુલનાયકના નિર્ણય વધુને વધુ ઘેરો બનતો જાય છે.

વિદ્યાર્થી ઉત્કર્ષ... વિદ્યાર્થીને કેન્દ્ર સ્થાને.... શિક્ષણની ગરીમા વધારવી... પદવીની વિશ્વસનીયતા વધારવી... સહિતની ડંફાસો મારતા યુનિવર્સિટીના સત્તાધીશો હવે વૈભવી સુવિધા મેળવવા જાણે અધીરા બન્યા હોય તેમ તમામ ચીજ વસ્તુઓ નવી ખરીદવાનો આગ્રહ રાખે છે. વિદ્યાર્થીઓના ખર્ચે તાગડધીના કરનાર સત્તાધીશો સામે ભારે રોષ ફેલાયો છે.

જાણવા મળતી વિગતો મુજબ નવનિયુકત કુલનાયકે તેમના માટે ૧૮ લાખની કિંમતની ક્રેટા ગાડીની માંગ કરી છે. જેની આજે સીન્ડીકેટમાં સત્તાવાર નહિં પરંતુ ટેબલ આઈટમ તરીકે લેવાની દરખાસ્ત કરી છે. જેને ભાજપના સિન્ડીકેટ સભ્યો મંજૂર કરશે તેવી પૂર્ણ શકયતા છે. કુલનાયકની મોટરકાર બાદ કુલપતિ પણ બે વર્ષ જૂની ગાડી બદલાવે તેવી શકયતા છે. કોઈ ઉહાપો ન થાય તે માટે પ્રથમ કુલનાયકને નવી નક્કોર ગાડી આપવી અને બાદમાં કુલપતિની સત્તાવાર મોટરકારને વહેંચીને નવી નક્કોર ગાડી ખરીદવાની હિલચાલ હોવાનું જાણવા મળે છે.

બે થી અઢી લાખનો તોતીંગ પગાર મેળવતા યુનિવર્સિટીના અધ્યાપકો એક માસમાં માત્ર ૧૩૦ કલાક જ શિક્ષણ કાર્ય કરાવવાનું હોય છે છતા નૈતિકતાનું ધોરણ નેવે મૂકી પ્રોફેસરો તેમના ભવનો કે કલાસરૂમને માત્ર ઘરે જ હાજર હોય તો કેટલાક અધ્યાપકો રાજકીય પ્રવૃતિમાં ઓતપ્રોત રહી વહીવટી કામમાં જ પરોવાયા હોય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો તેમનું સત્તાવાર કામગીરી વિદ્યાર્થીઓને ભણાવવાની છે છતાં એકેડેમીક સ્ટાફ કોલેજના ડાયરેકટર ડો.કલાધર આર્ય લાખોના ખર્ચે ફેકલ્ટી ડેવલોપમેન્ટ માટે અમદાવાદ આઈઆઈએમમાં મોકલવાની યોજના શંકા પ્રેરે છે.

યુનિવર્સિટીમાં ચર્ચાતી વિગતો મુજબ રૂસાની ૩૫ લાખની ગ્રાન્ટ કલાધર આર્ય કોઈપણ હિસાબે કોઈપણ કાર્યમાં વાપરવા ભારે ધમપછાડા કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૨૬ અધ્યાપકોને ફેકલ્ટી ડેવલોપમેન્ટ માટે અમદાવાદ મોકલી ત્રણ દિવસના કાર્યક્રમમાં પ્રત્યેક અધ્યાપક દીઠ સવા લાખ રૂપિયાનો તોતીંગ ખર્ચ કરવા માગે છે. અગાઉ કલાધર આર્યની  દરખાસ્ત ફાયનાન્સ કમીટીએ એકી અવાજે ફગાવી દીધી હતી ત્યારે ફાયનાન્સ કમીટીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરોને અમદાવાદ લઈ જવાના બદલે ત્રણ દિવસ અમદાવાદથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવવા કે ફેકલ્ટી ડેવલોપમેન્ટનું કાર્ય કરવા સુચવ્યુ હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સ્થાનિક કક્ષાએ ના પાડતા ગમે તે કારણોસર કલાધર આર્ય રાજય સરકારમાં રજૂઆત કરીને કુલપતિ અને કુલનાયકને મનાવીને ફરી ફેકલ્ટી ડેવલોપમેન્ટના નામે ૩૫ લાખનું આંધણ થશે તેમ ચર્ચાય છે. કુલપતિ નીતિન પેથાણી અને કુલનાયક વિજય દેસાણી તેમજ કેટલાક સીન્ડીકેટ સભ્યો આ ૩૫ લાખની ગ્રાન્ટ વાપરી નાખવા આગળ વધ્યાનું જાણવા મળે છે.

ઉચ્ચ શિક્ષણ જગતમાં આ અંગે ભારે વિરોધ ઉઠી રહ્યો છે.

(4:18 pm IST)