Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

અર્જન્ટ દરખાસ્તો ભ્રષ્ટાચારની ગંગોત્રી સમાનઃ કોંગ્રેસ

આજની અરજન્ટ સ્ટેન્ડીંગ કમીટીમાં ટેન્ડરોમાં ગેરરીતિ-ગોટાળાની શંકાઃ હવે પછી અરજન્ટ દરખાસ્તો આવશે તો જોયા જેવીઃ સ્ટેન્ડીંગનો સખ્ત વિરોધ કરી મ્યુ. કમિશ્નરને ઉગ્ર રજૂઆતો કરતા પ્રમુખ અશોક ડાંગર તથા વિપક્ષી નેતા વશરામ સાગઠિયા-સ્ટેન્ડીંગ સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા

રાજકોટ, તા., ૮: આજે મ્યુ. કોર્પોરેશનની આવાસ યોજનાં મંજુર કરવા માટે મળેલી અરજન્ટ સ્ટેન્ડીંગ કમીટીનો વિપક્ષ કોંગ્રેસે સખત વિરોધ દર્શાવી આ અરજન્ટ દરખાસ્તો ભ્રષ્ટાચારની ગંગોત્રી સમાન હોવાના આક્ષેપો સાથે મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી હવે પછી આ પ્રકારની અરજન્ટ દરખાસ્તો મંજુર થશે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાશે તેવી ચિમકી ઉચ્ચારામાં આવી હતી.

આ અંગે વિપક્ષ કોંગ્રેસનાં પ્રમુખ અશોક ડાંગર તથા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ મ્યુ. કમિશ્નરને કરેલી રજુઆતમાં જણાવ્યંુ છે કે આજની સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગમાં ભાજપના શાસકો અને અધિકારીઓની મીલીભગતથી રાતોરાત કમિશ્નર હાજર ન હોય તો પણ દરખાસ્તો આવી જાય અને કમિશ્નરશ્રી આપ તમાં સહીઓ કરો છો અમને લાગે છે કે આવાસ યોજનામાં ટેન્ડર બહાર પડતા હોય તેમાં મોટા ગોટાળા થયા હોય તેમ સ્પષ્ટ દેખાય છે. તેમાં નેગોશીએશન પણ કરવાનો સમય હતો છતાં કરેલ નથી. કારણ કે ૧૪.પ ટકા ડાઉન કામ છે જે નાનુ કામ છે અને જે મોટા ટેન્ડર છે તેમાં ૯ થી૧૦ ટકા ડાઉન છેતો નેગોશીએશન કેમ ના કર્યુ ટેન્ડરો વધારે આવેલ તો બધાને બોલાવી નેગોશીએશન કર્યુ હોત તો આ ભાવો ઓછા કરી શકાત. પરંતુ ચુંટણીના ભણકારા વાગે છે તેથી રાતોરાત અરજન્ટ દરખાસ્ત મંજુર થતા તંત્રની તિજોરીમાં લાખો રૂપીયાનું નુકશાન થયેલ છે.

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, અન્ય કામો પણ ૮ ટકા જેવોા વધારે આપીને કોર્પોરેશનના રૂપીયાની લ્હાણી કરી છે તેમજ ઓડીટોરીયમના એક રૂમમાં રીપેરીંગમાં ૧૯ લાખ જેવી રકમ ચુકવી તે પણ કોર્પોરેશનના હિતમાં નથી એટલે કે યેન કેન પ્રકારે રાજકોટની પ્રજા ઉપર વધારે બોજા સમાન છે. આવી દરખાસ્તોનો કોંગ્રેસ સખત વિરોધ કરે છે. આ રજુઆતમાં કોર્પોરેટર ગીતાબેન પુરબીયા, દિલીપભાઇ આસવાણી, ગાયત્રીબા વાઘેલા, રેખાબેન ગજેરા, વસંતબેન માલવી, પારૂલબેન ડેર, પરેશભાઇ હરસોડા, ઘનશ્યામસિંહ જાડેજા, વિજયભાઇ વાંક, સંજયભાઇ અજુડીયા, જાગૃતીબેન ડાંગર, રવજીભાઇ ખીમસુરીયા, મારૂબેન હેરભા, રસીલાબેન ગરૈયા, સ્નેહાબેન દવે, વલ્લભભાઇ પરસાણા, હારૂનભાઇ ડાકોરા, ગાયત્રીબેન ભટ્ટ, ઘનશ્યામસિંહ એન.જાડેજા, જયાબેન ટાંક, નીલેશભાઇ મારૂ, મેનાબેન જાદવ સહીતના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહયા હતા તેવી કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદી જણાવે છે. 

(4:17 pm IST)