Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

૩ થી ૧૨ લાખની આવક ધરાવનારાને ૧ થી ૩ BHK ફલેટઃ ચૂંટણી પછી ફોર્મ વિતરણ

મહિલા દિને રાજકોટની ગૃહિણીઓને ઘરના ઘરની ભેટ આપતુ મ્યુ.કોર્પોરેશન :અરજન્ટ સ્ટેન્ડીંગ કમિટીમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ૩૧૨૬ ફલેટની યોજના મંજુરઃ વોર્ડ નં. ૪ ની શિવધારા સોસાયટીમાં પેવિંગ બ્લોક તથા સોસાયટીમાં પેવર રોડ સહિત પાંચ અરજન્ટ દરખાસ્તો સહિત કુલ ૧૦ દરખાસ્તોનો નિર્ણય લઇ કુલ ૩૭૫ કરોડનાં કામો મંજુર કરતાં ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ તા.૮: મ્યુ.કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં આજે વિશ્વ મહિલા દિને રાજકોટની ગૃહિણીઓને ઘરના ઘરની ભેટ આપતો નિર્ણય લીધો હતો જેમાં રૂ. ૩ થી ૧૨ લાખની વાર્ષિક આવક મર્યાદા ધરાવતાં કુટુંબોને ૧ થી ૩ બી.એચ.કે.નાં ફલેટ આપવાની રૂ. ૩૭૨ કરોડની યોજનાના ટેન્ડરો મંજુર કર્યા હતા.

આ અંગેની દરખાસ્તમાં જણાવવામાં આવેલ વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત શહેરના વિવિધ સ્થળોએ ૧ બીએચકે, (૪૦ ચો.મી. કાર્પેટ એરિયા) પ્રકારના ૫૪૨, ર બીએચકે (૫૦ ચો.મી. કાર્પેટ એરિયા) પ્રકારના ૧૨૮૪ અને ૩ બીએચકે (૬૦ ચો.મી. કાર્પેટ એરિયા) પ્રકારના ૧૩૦૦ આવાસો મળીને કુલ ૩૧૨૬ આવાસોનું પ્લાનિંગ કરવામાં આવેલ છે. જે અન્વયે સરકારશ્રીમાં જરૂરી મંજુર મેળવવામાં આવેલ છે તથા ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના-હાઉસીંગ ફોર ઓલ-૨૦૨૨ ને અનુરૂપ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુધારેલ ગૃહ નિર્માણ નીતિ અન્વયે આવાસોની વેચાણ કિંમત આ મુજબ છે.૧ બીએચકે  કાર્પેટ વિસ્તાર ૩૦ ચો.મી. આવાસની મહત્તમ વેચાણ કિં. રૂ. ૩.૦૦ લાખ, ૧ બીએચક કાર્પેટ વિસ્તાર ૪૦ ચો.મી. આવાસ ની મહત્તમ વેચાણ કિ. રૂ. ૫.૫૦ લાખ, ર બીએચકે કાર્પેટ વિસ્તાર પ૦ ચો.મી. આવાસની મહત્તમ વેચાણ કિ. ૧૨.૦૦ લાખ, ૩ બીએચકે કાર્પેટ વિસ્તાર ૬૦ ચો.મી. આવાસની મહત્તમ વેચાણ કિ. રૂ. ૨૪.૦૦ લાખની કિંમત છે.

આ આવાસ યોજનાનાં ફલેટ (૧) જયભીન નગર પાસે, હેવલોક એપાર્ટમેન્ટ સામે,નાનામવા રોડ, (ર) શિવધામ સોસાયટી સામે,વિમલનગર મેઇન રોડ,(૩) રાણી ટાવરની પાછળ,યોગીનગરની પાછળ કાલાવડ રોડ, (૪) ૧૫૦ ફુટ રીંગ રોડ, રેૈયાધાર પાણીના ટાંકા પાછળ, એનિમલ હોસ્ટેલની બાજુમાં, (૫) ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયાધાર પાણીના ટાંકા પાછળ, એનિમલ હોસ્ટેલની બાજુમાં, (૬) અંબિકા ટાઉનશીપ પાસે, સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં, શિલ્પન એન્કલેવ સામે, (૭) અંબિકા ટાઉનશીપ પાસે, સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં, શિલ્પન એન્કલેવ સામે, (૮) પેન્ટાગોન એપાર્ટમેન્ટની પાછળ, સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે, (૯) સેલેનિયમ હાઇટ્સની સામે,મવડીથી પાળ ગામ રોડ, રાજકોટ, (૧૦) સેલેનીયમ હાઇટ્સની સામે, મવડીથી પાળ ગામ રોડ વગેરે સ્થળોએ બનાવાશે.

૧ થી ૧ii લાખની સબસિડી

આ યોજનામાં ૧ બીએચકે આવાસો માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૧.૫ લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૧.૫ લાખ તેમજ ર બીએચકે પ્રકારના આવાસો માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂ. ૧ લાખની સહાય મંજુર થયેલ છે.

ઉપરોકત ૩૧૨૬નાં ફલેટ માટે ૧૦૨૮,૫૪૨ અને ૧૩૦૦એ પ્રકારે ત્રણ પેકેજમાં ટેન્ડરો પ્રસિદ્ધ કરાયેલ જેમાં ૧૦૨૮ તથા ૧૩૦૦ ફલેટનાં પેકેજ સામે શાંતિ કન્સ્ટ્રકશન જામનગરને એસ્ટેમેંટથી ૯.૪૧ ટકા અને ૧૦.૪૦ ટકા ઓછા ભાવે કોન્ટ્રાકટ આપવાનું મંજુર કરવા તથા ૫૨૪ ફલેટના પેકેજનો કોન્ટ્રાકટ વિનય ઇન્ફ્રાટેક (રાજકોટ)ને એસ્ટીમેંટનાં ૧૪.૫૦ ટકા ઓછા ભાવે આપવાનું મંજુર કરવામાં આવ્યું હતું જે કુલ ૪૧૫ કરોડનાં એસ્ટીમેન્ટમાં ૪૩ કરોડ ઓછા એટલે કે ૩૭૨ કરોડમાં મંજુર થયેલ છે.

વોર્ડ નં.૪માં રસ્તા પેવિંગ બ્લોક

આ ઉપરાંત આજની સ્ટેન્ડીંગ કમિટીમાં વોર્ડ નં.૪ની સોસાયટીઓનાં ૧.૯૭ કરોડનાં ખર્ચે ડામર  પેવર રોડ, તથા શિવધારા સોસાયટીમાં ૧.૯૭ લાખનાં ખર્ચે પેવિંગ બ્લોક નાંખવા કર્મચારીઓને તબીબી સહાય, એરપોર્ટ રોડ ઉપર વોકળામાં સિમેન્ટ નાંખવા સહિત કુલ ૧૦ દરખાસ્તો મંજુર કરી ૩૭૫ કરોડનાં વિકાસકામોને ચેરમેન ઉદય કાનગડે લીલીઝંડી આપી હતી.

રાજકોટ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ૩૧૨૬ આવાસોની ભેટને વધાવતાં મેયર બિનાબેન, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન

રાજકોટ તા.૮: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં ૨૦૨૨ સુધી કોઇ છત વગર ન રહે તે માટે દેશના શહેરો, નગરો, ગામડાઓમાં અવાાસ યોજના બનાવવાનું અભિયાન શરૂ કરેલ, જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા પણ તે દિશામાં કામ કરી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં રર હજારથી વધુ આવાસો બનાવી લાભાર્થીઓને સોંપી દીધેલ છે. તેમ જણાવી મેયર બિનાબેન આચાર્ય તથા હાઉસિંગ સમિતિ ચેરમેન જયાબેન ડાંગરે એક યાદીમાં જણાવ્યું  છે.

તેઓએ હજુ વિશેષ આવાસો બને તે માટે આજે શહેરમાં જુદા-જુદા એરિયામાં  રૂ. ૩૭૨ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી  તથા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ૩૧૨૬ આવાસો બનાવવા માટે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ તથા તમામ સભ્યશ્રીઓની મળેલી મીટીંંગમાં મંજુર કરેલ છે.

સ્થાયી સમિતિ દ્વારા આવાસ બનાવવાનું મંજુર થતા વિશ્વ મહિલા દિને શહેરના ગરીબ અને  મધ્યમ વર્ગના લોકોને આવાસની ભેટ મળેલ છે.

(4:16 pm IST)