Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

મહાપાલિકાની હદમાં સ્વાઈન ફલુના કેસની સદી : ૧૮ મોત

દેશમાં રાજસ્થાન બાદ સૌથી ખરાબ સ્થિતી ગુજરાતમાં : દિલ્હી કરતાં કેસ વધી ગયા : સરકાર દવારા સઘન પગલાં : રાજકોટ શહેરના નવા ૧૦ કેસ, ૮ દર્દી ખાનગી હોસ્પિટલમાં : ૪ વેન્ટીલેટર પર : જિલ્લા–તાલુકા મળી કુલ ૧૩૭ કેસ, ૩૩ મોતઃ ૪પ દર્દીઓ હાલ સારવાર હેઠળ : સિઝનના કુલ ૩ર૪ કેસ, ૭ર મોત : લોકો જાગૃત બનશે તો જ રોગચાળો વધુ ફેલાશે નહીં

રાજકોટ તા.૮ : ગુજરાતમાં સ્વાઈન ફલુ (સિઝનલ ફલુ)એ હાહાકાર મચાવ્યો છે. હાલત એવી છે કે ગુજરાત દેશનું બીજું એવુ રાજય બન્યું છે જયાં આ વર્ષે સ્વાઈન ફલુના સૌથી વધુ કેસ નોંધાયા છે. મિશ્ર હવામાન વચ્ચે સ્વાઈન ફલુના કેસ દિવસેને દિવસે વધી રહયા છે. રાજયમાં દિલ્હી કરતાં પણ કેસ વધી ગયા છે. સ્વાઈન ફલુ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. પ્રથમ ક્રમે રાજસ્થાન છે જયાં ૧પ૩ના મોત નોંધાઈ ચૂકયા છે.

સ્વાઈન ફલુની ગુજરાતમાં સ્થિતી ગંભીર હોવાનો અંદાજ એ બાબત પર થી લગાવી શકાય કે યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ જાહેર કરેલા આંક અનુસાર ૩ માર્ચ સુધીમાં ગુજરાતમાં સ્વાઈન ફલુના ૩૪૦૮ કેસ નોંધાઈ ચૂકયા હતા. આજ સમયગાળામાં દિલ્હીમાં ૩૧૩૪ કેસ હતા. એક સપ્તાહ પહેલા ગુજરાતમાં ર૭ર૬ અને દિલ્હીમાં ર૭૩૮ કેસ હતા. ગુજરાત હવે દિલ્હી કરતાં આગળ નિકળી ગયું છે. ૩ માર્ચના સતાવાર આંકલન અનુસાર દિલ્હીના ૭ મોત સામે ગુજરાતમાં મૃત્યુઆંક ૧૦૭ રહયો છે. દેશમાં રાજસ્થાનમાં સ્થિતી સૌથી ખરાબ છે અને સમીક્ષાના સમય દરમિયાન સ્વાઈન ફલુના ૪૩૧૭ કેસ નોંધાયા હતા અને ૧ જાન્યુઆરી બાદ થી ૧૪૭ લોકોના મોત થઈ ચૂકયા છે.

ગુજરાતમાં સ્વાઈન ફલુની ગંભીર બની રહેલી સ્થિતી વિશે રાજય સરકાર દવારા લેવાઈ રહેલા પગલાંઓ વિશે તાજેતરમાં હાઈકોર્ટે સંતોષ વ્યકત કર્યો હતો. હાઈકોર્ટમાં જાહેર હિતની એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં આક્ષેપ કરાયો હતો કે સ્વાઈન ફલુ અંગે સરકાર દવારા યોગ્ય પગલાં લેવાઈ રહયા નથી. કોર્ટે માન્યુ કે રાજય સરકાર દવારા પુરતાં પગલાં લેવાઈ રહયા છે અને કડક મોનિટરીંગ સિવાય તે મામલે વધુ કોઈ તપાસની જરૂર નથી. રાજય સરકારે હાઈકોર્ટમાં સ્વાઈન ફલુ વિશે લેવાઈ રહેલા પગલાંઓ વિશે વિસ્તૃત રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકારે કોર્ટને એ પણ જણાવ્યું કે કેવી રીતે એમવનએનવન વાયરસ ફેલાઈ રહયો છે. આ રોગચાળાને કેવી રીતે નિયંત્રિત કરવો તે વિશે જનજાગૃતિ લાવવા પ્રયાસ કરાઈ રહયા છે. લોકો જાગૃત બનશે તો આ રોગચાળો વધુ ફેલાશે નહીં. સરકારે ખાતરી આપી કે સ્વાઈન ફલુના દર્દીઓની સારવાર માટે રાજય સરકાર સંપુર્ણ રીતે સજજ છે. સ્વાઈન ફલુ માટે આઈસોલેશન વોર્ડ સહિત સારવારની પુરતી તૈયારીઓ છે.

રાજયના કયા શહેરોમાં સૌથી વધુ અસર

ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં સ્થિતી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. અમદાવાદમાં સ્વાઈન ફલુના કેસ ૧૦૦૦ના આંકને કૂદાવી ગયા છે. સમીક્ષા દરમિયાન શહેરમાં એક જ દિવસમાં પ નવા કેસ સામે આવ્યા હતા. અમદાવાદ, રાજકોટ બાદ સુરત, વડોદરા, સાબરકાંઠા અને ખેડા જિલ્લામાં સ્વાઈન ફલુ ના કેસ નોંધાયા છે.

સ્વાઈન ફલુના લક્ષણો : સાવચેત રહો

સામાન્ય તાવ, કફ, ગળામાં તકલીફ, શરીર તૂટવું, માથું દુઃખવું, ઝાળા, ઉલટી. આ તકલીફ વધે અને બીપી લો થાય, છાતીમાં દુઃખાવો થાય, મોઢુ ખુબ જ સુકાય, ઝાડામાં લોહી પડે તો તુરંત ડોકટર પાસે સારવાર લેવા દોડી જવું. તબિયત વધુ ખરાબ લાગે તો હોસ્પિટલમાં દાખલ થઈ જવું જરૂરી છે.

રાજકોટ શહેરની સ્થિતી : સતત વધતાં કેસ

રાજકોટ : રાજકોટમાં મહાપાલિકાની હદમાં છેલ્લી સ્થિતીએ ૧૦ર કેસ અને ૧૮ મોત નોંધાઈ ચૂકયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે. ૮ દર્દી ખાનગી હોસ્પિટલમાં બે સરકારીમાં સારવાર હેઠળ છે. ૪ દર્દી વેન્ટીલેટર પર છે. સતાવાર રેકોર્ડ અનુસાર જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં સિઝનલ ફલુના કુલ ૩ર૪ કેસ અને ૭ર મોત થયાનું જાહેર કરાયું છે.  રાજકોટ ગ્રામીણના ૮પ કેસ અને ર૧ મોત, શહેરના ૧૦ર  કેસ અને ૧૮ મોત તથા અન્ય જિલ્લાના ૧૩૭ કેસ અને ૩૩ મોત નોંધાયા છે. ૪પ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

(4:15 pm IST)