Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

કલેકટર કચેરી સૂમસામ : રેશનીંગ કાર્ડ-જમીનના ઉતારા-દાખલા-ઇ-ધરામાં સેંકડો લોકોને ધરમ ધક્કા

મહેસુલી કર્મચારીઓનું એલાને જંગ : હડતાલ :આજે એક દિ'ની હડતાલઃ નિવેડો નહીં આવે તો સોમવારથી : બેમુદ્દતી હડતાલનું એલાન : અધિકારીઓમાં દોડધામ...

કલેકટર કચેરી સૂમસામ : સેંકડો અરજદારોને ધક્કા..... :રાજકોટ : રાજકોટ સહિત રાજયભરના મહેસૂલ કર્મચારીઓ આજે એક દિવસની હડતાલ ઉપર ઉતરી જતા રાજકોટ કલેકટર કચેરી-પુરવઠા ઝોનલ કચેરી સૂમસામ બની ગઇ તે નજરે પડે છે. જયારે નીચેની તસ્વીરમાં મહેસૂલ કર્મચારીઓ-આગેવાનોએ ગાર્ડનમાં બેસી દેખાવો યોજયા તે જણાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)(

રાજકોટ, તા. ૮ : રાજકોટ કલેકટર કચેરી-જીલ્લાની તમામ મામલતદાર કચેરી-ડે. કલેકટર કચેરી-પુરવઠા શાખા સહિતની તમામ કચેરીઓ રાજકોટ સહિત રાજયભરમાં આજે સૂમસામ બની ગઇ હતી.

રાજયભરના મહેસુલ કર્મચારીઓ પોતાની અનેક માંગણીઓ નહીં સંતોષાતા આજે એક દિ'ની હડતાલ ઉપર ઉતરી ગયા છે, તમામે માસ સીએલ મૂકી દીધી છે અને જો ર દિ'માં પ્રશ્ન નહિ ઉકેલાય તો સોમવારથી બેમુદ્દતી હડતાલનું એલાન આપી દીધું હોય-મહેસૂલ અધિકારીઓમાં દોડધામ થઇ પડી છે.

આજે રાજકોટની નવી કલેકટર કચેરી સૂમસામ હતી, તો પુરવઠાની ઝોનલ કચેરીમાં રેશનીંગ કાર્ડની કામગીરી ઠપ્પ થઇ જતા દેકારો બોલી ગયો હતો, આવી જ રીતે તમામ મામલતદાર કચેરીમાં જમીનના ઉતારા, દાખલા, ઇ-ધારામાં કામગીરી ઠપ્પ રહેતા, સેંકડો લોકોને ભારે ધરમધક્કા થયા હતા.

મહેસુલી કર્મચારી મંડળના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે સીધી ભરતીના કર્મચારીઓને કાયમી પગારમાં લેવા, પ્રમોશન આપવા વિગેરે બાબતે અન્યાય થઇ રહ્યો છે. તલાટીથી નાયબ મામલતદાર અને નાયબ મામલતદારથી મામલતદારના પ્રમોશન પણ સમયસર આપવામાં આવતા નથી. આ બારામાં સરકાર સમક્ષ અગાઉ રજુઆતો થઇ છે છતાં તેનો કોઇ નિવેડો આવ્યો નથી અને અમારે નાછુટકે લડત છેડવી પડી છે.

આજ માસ સી.એલ. રાખીને કામકાજ બંધ રખાયું છે અને સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાના છીએ. મહેસુલી કર્મચારીઓ હડતાલ ઉપર જતા રેશનીંગ, જમીનના ઉતારા, દાખલા, ઇ-ધરા કામગીરીઓ બંધ થઇ ગઇ હતી.

(4:07 pm IST)