Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ગ્રામરક્ષક દળોને અન્યાય કેમ ? : રોજનું ૨૩૦નું ભથ્થુ મશ્કરી સમાન છેઃ હોમગાર્ડનું વેતન વધ્યું તો અમારૂ કેમ નહીં: આવેદન

જીઆરડીના કર્મચારીની કલેકટરને રજૂઆતઃ સરકારી નિયમો-ફરજો લાગુ પાડો છો તો લાભો કેમ આપતા નથી !!

જીઆરડીના કર્મચારીઓએ કલેકટર કચેરીએ દેખાવો કરી આવેદન પાઠવ્યું હતુ

રાજકોટ, તા. ૮ :. જીલ્લા ગ્રામ રક્ષક દળના કર્મચારીઓએ કલેકટરને આવેદન પાઠવી સમાન કામ - વેતન અંગે રજૂઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતુ કે, જીલ્લાના તમામ ગ્રામરક્ષક દળના જીલ્લા નાયક, તાલુકા નાયક તથા સભ્યો આવેદનપત્ર આપીએ છીએ કે ઈ.સ. ૧૯૪૦માં ગ્રામ રક્ષક દળની સ્થાપના કરવામાં આવેલ છે. ત્યારથી જી.આર.ડી. જવાનો પોલીસની સાથે કાયદો અને વ્યવસ્થાનું પાલન-જતન કરવાની ફરજ બજાવે છે. જી.આર.ડી. સભ્યોના જવાનો રાત્રી ફરજ તથા વી.વી.આઈ.પી. બંદોબસ્ત, ચૂંટણી કરજ, ધાર્મિક તહેવારો, માનવ સર્જીત કે આફતો સમયે કે તોફાનો વખતે નિષ્ઠાપૂર્વક કાયદો વ્યવસ્થાની જાળવણી કરવા ફરજ બજાવે છે.

જી.આર.ડી.ના જવાનોને સરકારી કર્મચારીના નિતીનિયમો તથા ફરજો લાગુ પડે છે પણ તેમને સરકારી કર્મચારી કે અર્ધ સરકારી કર્મચારી ગણવામાં આવતા નથી કે નથી કોઈ પણ જાતના લાભો આપવામાં આવતા નથી.

હાલમાં ગ્રામ રક્ષક દળ (જીઆરડી)ના સભ્યોને રૂ. ૨૦૦ દૈનિક ભથ્થુ અને રૂ. ૩૦ બસ ભાડુ તેમ મળીને કુલ રૂ. ૨૩૦ આપવામાં આવે છે. આવી કાળઝાળ મોંઘવારીમાં જીઆરડીના જવાનો પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવી શકાય એ એમ મોટો પ્રશ્ન છે.

સરકાર દ્વારા હોમગાર્ડ સભ્યોના વેતનમાં વધારો કરવામાં આવેલ છે અને જીઆરડી સભ્યોના વેતનમાં કોઈ પણ વધારો કરવામાં આવેલ નથી. જીઆરડી જવાનો પણ હોમગાર્ડ જેટલી જ ફરજ બજાવતા હોય છે અને કાયદો વ્યવસ્થામા પોતાનો અમૂલ્ય ફાળો આપે છે. આ જીઆરડી જવાનો માટે સમાન કામ, સમાન વેતન ધારા મુજબ કોઈપણ જાતના દૈનિક ભથ્થામાં વધારો કરવામાં આવેલ નથી તથા જીઆરડી જવાનોની આ એક મજાક બની ગયેલ હોય તેવુ પ્રતિત થાય છે.

આવેદનપત્ર દેવામાં વિરાજ આર. દેવમુરારી, અશોક સાપરા, બાબુભાઈ રામાણી, જયદેવભાઈ એમ. ડોડીયા, મનોજભાઈ એલ. વ્યાસ, પ્રવિણભાઈ મેર, દેવેન્દ્ર મેર, સંદીપભાઈ ડાવેરા, હરેશભાઈ રાઠોડ વિગેરે જોડાયા હતા.

(4:05 pm IST)