Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

કોર્પોરેશન દ્વારા રવિવારે ૧.૮૬ લાખ બાળકોને પોલીયોના ટીપા પીવડાવાશે

શહેરજનોને પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયો રસી કરણ કરાવવા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરની અપીલ

રાજકોટ, તા.૮:  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૦ માર્ચના શહેરમાં રાષ્ટ્રીય પોલીયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તેમ આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીન ઠકાર જણાવ્યું છે.

 આ અંગે જયમીન ઠાકરે જણાવ્યુ હતુ કે પોલિયોમાયલાઇટિસ, જેને મોટેભાગે 'પોલિયો'કે 'શિુશઓનો લકવો' પણ કહે છે કે જે એક વિષાણુ(વાઈરસ)થી થતો સંક્રામક રોગછે. કે જે  બાળકમાં ફીકો ઓરલ (મળ-મુખ) દ્વારથી ફેલાય છે.

પોલિયો ૩ પ્રકારના વાઈલ્ડ વાઈરસને કારણે થાય છે. (૧) ટાઇપ ૧ પોલિયોવાઈરસ, (૨) ટાઇપ ૨ પોલિયોવાઈરસ, (૩) ટાઇપ ૩ પોલિયોવાઈરસ. ગુજરાત માંથી છેલ્લો પોલિયોનો કેસ ૨૦૦૭ માં અમરેલી જીલ્લા માં જોવા મળ્યો હતો. ત્યારબાદ ગુજરાત 'પોલિયો–મુકત' રાજય બન્યું છે. તેમજ રાજકોટમાં પોલીયોનો છેલ્લો કેસ વર્ષ ૨૦૦૨માં મળેલ હતો.

આ અંગે વિશેષ માહિતી આપતા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૦માર્ચ નાં રોજ રાષ્ટ્રીય પોલીયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૧૦માર્ચ ના રોજ ૬૮૯ બુથ પર ટીપા પીવડાવામાં આવશે અને ત્યાર બાદ તા.૧૧માર્ચ થી તા. ૧૩માર્ચ સુધી રોજ ઘરે ઘરે જઈ ટીપા પીવડાવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં શહેરના ૦ થી ૫ વર્ષના કુલ ૧,૮૬,૦૦૦ થી વધારે બાળકોને આવરી લેવાશે. આ કાર્યક્રમાં કુલ ૬૮૯ બુથ, સીનીયર સુપરવાઈઝર– ૨૭, સુપરવાઈઝર- ૧૬૯, આરોગ્ય કાર્યકરો-૧૫૦, આંગણવાડી વર્કર અને હેલ્પર-૬૫૪, અર્બન આશા-૩૨૦, મેલેરિયા કર્મચારી-૧૦૪, નર્સિંગતથા હોમિયોપેથીક સ્ટુડન્ટ તથા એસ.આઇ.સ્ટુડન્ટ -૧૨૦૦ નો સ્ટાફ ફરજ બજાવશે.

પોલીયો રવિવારનાં દિવસે શહેરીજનો બહારગામથી આવતા હોય કે બહારગામ જવાના હોય તો તેમના લક્ષિત બાળકોને પણ આ રોગથી સુરક્ષિત કરવા એસ.ટી. સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે તથા જાહેર ધાર્મિક સ્થળો અને લગ્ન હોલ અને વાડી નજીક પોલીયોનાં ટીપા પીવડાવા માટે મોબાઈલ ટીમની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ તકે મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીન ઠાકર દ્વારા શહેરીજનોને અપીલ કરી જણાવેલ છે કે તમારા  બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તા.૧૦માર્ચ રોજ ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને અગાઉ પોલીયોના ટીપા પીવડાવેલ હોય તો પણ ઘરથી નજીક આવેલ બુથ ઉપર પોલીયોના ટીપા પીવડાવવા અચૂક લઈ આવવા.

(4:03 pm IST)