Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

કરોડોની થાપણો ઓળવી જવાના ગુનામાં તુલસી સોલંકી અને તેના પુત્ર મિહિર સોલંકીની જામીન અરજી કોર્ટે ફગાવી

રાજકોટના વકીલે નોંધાવેલ ફરીયાદ અન્વયે પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી હતીઃ વકીલની બનાવટી સહિવાળા પ્રમાણ પત્રો પણ લો-કોલેજમાં રજુ કર્યા હતાઃ ઘણાં ગુનાઓ છે જામીન આપી શકાય નહિઃ કોર્ટ

રાજકોટ તા.૮: રાજકોટના અધિક સેશન્સ જજ શ્રી એચ.એ.બ્રહ્મભટે ગોંડલ રોડ ઉપર આવેલ પ્લેનરી આર્કેડના અનેક થાપણદારોની કરોડોની જમા રાશી ઓળવી જઇ ભાગી જનાર તુલસી સોલંકી અને તેના પુત્ર મિહીર સોલંકીની જામીન અરજી રદ કરતા ઠરાવેલ છે કે, વકિલની બનાવટી સહી કરી લો કોલેજમાં પ્રમાણપત્ર રજુ કરનાર આરોપી સામે અનેક ગંભીર ગુનાઓ હોય તેઓને જામીન આપવા પાત્ર નથી.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, રાજકોટ શહેરમાં ગોંડલ રોડ ઉપર આવેલ પ્લેનરી આર્કેડમાં ઓફીસ ધરાવતા તુલસી સોલંકી અને મિહીર સોલંકીએ અનેક લોકો પાસેથી કરોડો રૂપિયાની થાપણો મેળવેલ હતી. જે મુદલ કે વ્યાજ પરત ચુકવ્યા વિના તેઓ શહેર છોડી ભાગી ગયેલા હતા આશરે ૩- વર્ષ બાદ તેઓને પોલીસે પકડી પાડતા તપાસ દરમ્યાન જાણવા મળેલ હતુ કે બંને પિતા-પુત્રએ લો કોલેજમાં પાસ થવા માટે રાજકોટના વકિલશ્રી મનોહરસિંહ જાડેજાની ખોટી સહીઓના પ્રમાણપત્રો કોલેજમાં રજુ કરેલા હતા જે પ્રમાણપત્રોમાં જણાવ્યા મુજબના કોઇપણ કેસો વકિલ પાસે કે ન્યાય અદાલતમાં દાખલ થયેલા ન હતા. આ રીતની હકિકત માલુમ પડતા વકિલશ્રી મનોહરસિંહ જાડેજાએ નોંધાવેલ ફરીયાદના આધારે પોલીસે બંનેની ધરપકડ કરેલ હતી. તપાસ દરમ્યાન બંને પિતા-પુત્રએ જામીન અરજી કરેલ હતી.

જામીન અરજીની સુનાવણી દરમ્યાન જિલ્લા સરકારી વકિલશ્રી એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, આ બંને પિતા-પુત્ર સામે ચેક રીટર્ન થયાના અનેક કેસો દાખલ થયેલ છે તેમજ શહેરના સેંકડો લોકોની કરોડો રૂપિયાની થાપણો ઓળવી જઇ બંને પિતા-પુત્ર રાજકોટ છોડી ભાગી ગયેલા હતા અને આશરે ૩- વર્ષ બાદ આ બંનેની ધરપકડ થવા પામેલ છે. આ ગુનાઓ ઉપરાંત જયારે તુલસી સોલંકીના પુત્ર મિહીર સોલંકીએ લો કોલેજમાં અંતિમ વર્ષમાં પાસ થવા માટે જયારે રાજકોટના વકિલની ખોટી સહીઓ વાળા પ્રમાણપત્ર તેમજ પ્રમાણપત્રમાં જણાવેલ ખોટી વિગતો કોલેજમાં રજુ કરેલ હોય ત્યારે આ બંને પિતા-પુત્રની ગુનાહીત માનસિકતાની પરાકાષ્ઠા ફલીત  થાય છે.

આ બંને સામે જયારે આટલી મોટી સંખ્યામાં કેસો દાખલ થયેલ હોય અને ભાગી જવાની ટેવવાળા હોય ત્યારે તેઓને જામીન ઉપર મુકત કરવાથી ફરી એક વખત ભાગી જવાની તક આપવા સમાન છે. આ ઉપરાંત જયારે સેંકડો લોકોની થાપણની રકમો પરત મેળવવાની કાર્યવાહીઓ ચાલુ હોય ત્યારે આ લોકોને જામીન મુકત કરવાથી પોતાની સ્થાવર જંગમ મિલ્કતો વેંચી નાખી દરેક વ્યકિતને ઘણુ મોટુ નાણાંકીય નુકશાન પહોચે તેમ છે. આ તમામ રજુઆતોને ધ્યાનમાં લઇ અધિક સેશન્સ જજ તુલસી સોલંકી અને મિહીર સોલંકી બંનેની જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં જિલ્લા સરકારી વકિલશ્રી એસ.કે.વોરા રોકાયેલા હતા.

(4:02 pm IST)