Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

વિશ્વ મહિલા દિનના દિવસે જ મહિલાની પજવણીના બે કિસ્સાઃ પોલીસે બે શખ્સને દબોચ્યા

એ.જી. ઓફિસનો કલાર્ક નોકરિયાત યુવતિને બિભત્સ ફોટા-મેસેજ મોકલી ધમકી આપતો'તો : સગાઇ તૂટતાં અંકિત હરસોરાએ પૂર્વ મંગેતરના નંબર 'સેકસી ભાભી કી' સાઇટ પર મુકી દીધા!

મુળ બિહારનો રાહુલ સિંગ મોડી રાત્રે આઇએમઓ એપ્લીકેશનથી મેસેજ-ફોટા મોકલતોઃ યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધાયા બાદ ઝડપી લેવાયોઃ પહેલા ફ્રેન્ડશીપના અને બાદમાં ખરાબ મેસેજ ચાલુ કરતો : યુવતિના ભાઇના નામે પણ બોગસ આઇડી ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામમાં બનાવીઃ બંનેના મોબાઇલ નંબર પણ પોસ્ટ કરી દીધા'તાઃ કુવાડવા પોલીસમાં ગુનો નોંધાતા ગુરૂપ્રસાદ ચોકના લુહાર શખ્સની ધરપકડઃ પોલીસ સામે રડી પડ્યો

રાજકોટ તા. ૮: આજે વિશ્વ મહિલા દિવસના દિવસે જ મહિલાઓને સોશિયલ મિડીયા દ્વારા પજવણીના બે કિસ્સા સામે આવ્યા છે. યુનિવર્સિટી અને કુવાડવા રોડ પોલીસે આ મામલે ગુના દાખલ કરી એ. જી. ઓફિસના કલાર્ક મુળ બિહારી શખ્સ અને સીએનસી ઓપરેટર તરીકે કામ કરતાં ગુરૂપ્રસાદ ચોકના લુહાર શખ્સની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

આ ગુનાઓના ડિટેકશન બાબતે પોલીસ કમિશનર કચેરી ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એસીપી જે. એસ. ગેડમ, પી.આઇ. એન. બી. દેસાઇ, યુનિવર્સિટીના પી.આઇ. બી. બી. ગોયલ, કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ સહિતના અધિકારીઓએ માહિતી આપી હતી. જેમાં જણાવાયું હતું કે શહેરમાં બે વર્ષથી રહેતી અને નોકરી કરતી બહારના રાજ્યની યુવતિને છેલ્લા સાતેક મહિનાથી રાત્રીના સમયે આઇએમઓ નામની સોશિયલ મિડીયા એપ મારફત સતત બિભત્સ મેસેજ અને ફોટા આવતાં હતાં. તે આ કારણે સતત માનસિક રીતે પરેશાન થઇ ગઇ હતી. એક રાત્રે તેને આ એપથી વિડીયો કોલ આવતાં તેણે મેસેજ મોકલનાર કોણ છે તો જાણવા તેણીએ કોલ રિસીવ કર્યો હતો. પરંતુ કોલ કરનારે પોતાનો ચહેરો અંધારામાં છુપાવી રાખ્યો હોઇ તેણી તેને ઓળખી શકી નહોતી.

વાત આટલેથી અટકી નહોતી આ શખ્સ બાદમાં તેણીને ઘરે આવીને હેરાન કરશે તેમજ ઓફિસમાં બદનામ કરશે તેવી ધમકીઓ પણ આપવા માંડ્યો હતો. સતત હેરાનગતિથી કંટાળીને અંતે તેણીએ યુનિવર્સિટી પોલીસની મદદ લેતાં પી.આઇ. બી. બી. ગોયલ અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી સાયબર સેલની મદદ લેતાં ફોન કરનાર શખ્સ યુનિવર્સિટી રોડ પર એ. જી. સ્ટાફ કવાર્ટરમાં રહેતો અને એ. જી. ઓફિસમાં કલાર્ક તરીકે નોકરી કરતો મુળ બિહારનો રાહુલકુમાર ગોરવશિવજી સિંગ (ઉ.૨૭) હોવાનું ખુલતાં તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. તેનો મોબાઇલ ફોન ચેક કરતાં તેમાં બીજી સાત-આઠ મહિલાના નંબરો પણ હોઇ તેને પણ તે મેસેજ મોકલી પજવણી કરતો હોવાની શકયતાએ વિશેષ તપાસ થઇ રહી છે.

બીજા એક કિસ્સામાં બાબરા પંથકના એક યુવાન તથા તેની બહેનના મોબાઇલ નંબર કોઇએ ફેસબૂક પેઇજ 'સેકસી ભાભી કી' ઉપર ચાંદની પરમાર નામની બોગસ આઇડી બનાવી તેમાં પોસ્ટ કરી દેતાં આ યુવાન અને તેની બહેનને સતત ખરાબ ફોન આવવાના શરૂ થઇ જતાં બંને ચોંકી ગયા હતાં. આ મામલે કુવાડવા રોડ પોલીસનો સંપર્ક કરી પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝને રજૂઆત કરતાં તેમણે તાકીદે સાયબર સેલની મદદ લઇ તપાસ કરાવતાં ચાંદની પરમાર નામની આઇડી કોઇ છોકરીની નહિ પણ રાજકોટના ગુરૂપ્રસાદ ચોક, આકાશગંગા એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૫માં રહેતાં અંકિત બાબુભાઇ હરસોરા (ઉ.૩૦) નામના લુહાર શખ્સે બનાવ્યાનું ખુલતાં તેને સકંજામાં લઇ વિશેષ પુછતાછ કરતાં તેણે ગુનો કબુલ્યો હતો.

અંકિતે એવી વાત કરી હતી કે પોતે ધોરણ-૧૦ સુધી ભણેલો છે. અગાઉ તેની ભોગ બનનાર યુવતિ સાથે સગાઇ થઇ હતી. પણ મનમેળ ન થતાં સગાઇ તૂટી ગઇ હતી. પોતે ફરીથી સગાઇ કરવા તૈયાર હતો. પરંતુ યુવતિ કે તેના પરિવાર તરફથી હા ન આવતાં તેમને માનસિક ત્રાસ આપવા ત્રણ મહિનાથી ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ પર બોગસ આઇડી દ્વારા  યુવતિ તથા તેના ભાઇના ફોન નંબર પોસ્ટ કરી હેરાન કરતો હતો. પોલીસે તેનો મોબાઇલ કબ્જે કર્યો છે.  બંને કેસમાં આરોપીઓ માત્ર ધોરણ-૧૦ ભણેલા છે.  બંને સામે અનુક્રમે આઇપીસી ૩૫૪ (એ), ૩૫૪ (ડી), ૫૦૬, આઇટી એકટ ૬૭ (એ) તથા આઇટી એકટ ૬૬ (સી), ૬૭ મુજબ ગુના દાખલ કરી ટેકનીકલ એનાલિસીસ કરી બંને આરોપીઓને શોધી કાઢી કાયદાનું ભાન કરાવાયું છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એસ. ગેડમ, પી.આઇ. એન. બી. દેસાઇ, પી.આઇ. બી. એમ. કાતરીયા, પીએસઆઇ ડી. બી. ગઢવી, કે. જે. રાણા, એસ.એસ. નાયર તેમજ પી.આઇ. બી. બી. ગોયલ, બલભદ્રસિંહ, ગિરીરાજસિંહ, પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી સહિતની ટીમોએ કામગીરી કરી હતી. સતત હેરાન કરનારા આ બંને પોલીસ સામે પહોંચતા જ ઢીલાપોચા થઇ ગયા હતાં અને એકે તો પોક મુકી દીધી હતી.

(4:02 pm IST)