Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

રોજમદાર કર્મચારીઓની કિન્નાખોરીથી કરાતી બદલીના મુદ્દે સોમવારે ધરણા

રાજકોટ અને મોરબીના કર્મચારીઓના પ્રશ્ને અવાજ ઉઠાવતો મઝદુર સંઘ

રાજકોટ તા. ૮ : નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી રાજકોટ-૧ અને મોરબી દ્વારા રોજમદાર કર્મચારીઓ પ્રત્યે દાખવવામાં આવતા રાગદ્વેષ અંગે ન્યાયી વલણ ન અપનાવાય તો તા. ૧૧ ના રાજકોટ મુખ્ય કચેરી 'જલ ભવન' ખાતે સવારે ૧૧ થી ૩ ધરણા કાર્યક્રમ હાથ ધરવા રાજકોટ જિલ્લા મઝદુર સંઘ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મઝદુર સંઘના મંત્રી મહેનદ્રભાઇ ત્રિવેદીની યાદીમાં જણાવ્યા મુજબ રોજમદારોની કિન્નાખોરી અને રાગદ્વેષથી છ મહીનામાં બે વખત બદલી કરવી, ખોટા મેમા આપવા બાબતે ભારતીય મઝદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટયુટ અમદાવાદના વાઇસ ચેરમેન હસુભાઇ દવેએ પાણી પુરવઠા મંત્રી અને મુખ્ય વહીવટી અધિકારી સમક્ષ રજુઆત કરી છે. સભ્ય સચિવને પણ રજુઆત કરવામાં આવી છે.

તાત્કાલીક થયેલ રોજમદારોની બદલી કેન્સલ કરી મુળ જગ્યા પર મુકવા તેમજ આ રીતે રોજમદારોને હેરાનગતી કરનાર અધિકારીઓ સામે પગલા ભરવા તેમજ મોરબી પાર્ટ ટાઇમ રોજમદારોના લઘુતમ વેતન બાબતે ત્વરીત નિર્ણય લેવા તેમજ મજુર કમિશ્નર સમક્ષ થયેલ અરજીના આધારે લગત અધિકારી સામે ફોજદારી રાહે પગલા ભરવા મઝદુર સંઘે માંગણી કરી છે.

આ તમામ પ્રશ્નોનો નિકાલ ન આવે તો તા. ૧૧ ના સવારે ૧૧ થી ૩ ધરણા કરવા રણનીતિ નકકી કરાઇ છે. ભા.મ.સં. રાજકોટ જિલ્લાના તમામ કાર્યકરો તેમજ પા.પુ. અને અલગ અલગ વિભાગના કર્મચારીઓને ધરણામાં જોડાવા મઝદુર સંઘ મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદી (મો.૯૪૦૯૦ ૧૪૦૬૦) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૧)

(11:58 am IST)