Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

નારી શકિત ઝિંદાબાદ...

મહિલાઓ પણ આર્મીમાં જોડાય - દેશ સેવા કરે

દુનિયામાં અનેક દેશોમાં મહિલાઓ મિલ્ટ્રીમાં ઉચ્ચસ્થાને : ૨૦૧૫માં ભારતીય વાયુસેનાએ ફાઈટર પાઈલોટ તરીકે હોદ્દાઓ જાહેર કરેલાઃ ફ્રાંસમાં ૨૮% મહિલાઓ આર્મી ફોર્સમાં સેવા આપે છે

તાજેતરમાં જ ભારતીય વાયુ સેનાના પાયલોટ શ્રી અભીનંદન વર્ધમાન કે જેઓ દેશની સુરક્ષા ખાતર તેમની જાન જોખમમાં નાખી સહી સલામત સ્વદેશ ભારત પરત ફર્યા ત્યારે સમગ્ર દેશ અને તેમના પત્ની તેમના સ્વાગત માટે ઉત્સુક હતા. એ વેળાએ તેમના પત્ની સ્કવેડ્રોન લીડર શ્રીમતિ તનવી મારવાહના હાથમાં તિરંગો ધ્વજ રાખી જયારે તેમની રાહ જોતા જોઇ સમજી શકાય છે કે દેશના ફૌજીઓની સાથે તેમના પત્ની, માતા ને બહેનનું પણ વતન માટે એટલું જ મોટુ યોગદાન હોય છે જેટલું તેમનું..

કાળજા પર પત્થર રાખીને તેઓ જયારે તેમના પતિ કે પુત્રને દેશની સુરક્ષા ખાતર સરહદ પર મોકલે છે ત્યારે તેમનો સહયોગ અને અડીખમ જશ્બો જ જવાનોને નિસફીકર બની દેશની સેવા અને સુરક્ષા માટે તત્પર બનાવે છે. જયારે સૈનીકોને ખબર છે કે તેમની ગૃહિણી તેમના પરિવારને સંભાળ અને ડરવા નહી દે ત્યારે જ તેઓ નિર્ભય બનીને સીમા પર લડી શકે અને દેશની રક્ષા કાજે પોતાની ફરજ બજાવે છે.

મહિલા દિવસ પર ખાસ એવી સૌ બુલંદ અને નિર્ભય મહિલાઓને સલામ કે જે સાહસિક બનીને તેમના પતિ કે પુત્રને દેશની સુરક્ષામાં જીવના જોખમે સીમા પર મોકલી દેશને માટે મોટું બલીદાન આપે છે.

આ સાથે ઘણી મહિલાઓ જે ખુદ આર્મી, નેવી કે એરફોર્સમાં રહી દેશની સુરક્ષા માટે જજુમે છે તેવી સાહસિક અને નિર્ભય મહિલાઓને પણ આજે સલામ છે.

આપણા હાલના ડિફેન્સ મિનીસ્ટર પણ મહિલા જે શ્રીમતિ નિર્મલા સીતારમન, સિયાચીનની બોર્ડર પર તેઓ સ્વયં જઇને ત્યાંના સામેના દેશના સૈનિકો સાથે વાટાઘાટ કરીને તેમણે બહાદુરી ભર્યુકાર્ય કરી બતાવ્યું હતું.

ભારતીય મહિલાઓની ભારતીય આર્મીમાં ૧૯૮૮ થી ભુમિકા શરૂ થઇ જયારે 'ઇન્ડીયન મીલેટ્રી નર્સીગ સરવીસ'ની બ્રિટીશરાજ દરમ્યાન સ્થાપના કરવામાં આવી. ભારતે સને ૧૯૯૨ ની સાલથી ભારતીય સેનામાં બીન તબીબી હોદાઓ પર પણ મહિલાઓને ભરતી કરવાનું શરૂ કર્યું. જોકે ઇન્ડીયન આર્મીમાં મહિલાઓને માત્ર બીન લડાઇ ભુમિકાઓજ નિભાવી શકવાની છુટ છે. તા.૧૯ જુન ૨૦૦૭ માં યુનાઈટેડ નેશન (યુ.એન.) એ પ્રથમ સર્વ મહિલા પીસકીપીંગ ફોર્સ(Peace Keeping Force)ની સ્થાપના કરી જેમાં ૧૦૫ ભારતીય પોલીસ મહિલાઓને લાયબેરીયા નિમણુંક કરવામાં આવ્યાં.

શ્રીમતિ પ્રિયા જીંગન તે પ્રથમ ર૫ મહિલાઓ કે જે ૧૯૯૩માં ભારતીય આર્મીમાં જોડાયા તેમાના તે એક છે. તે ઉપરાંત શ્રીમતિ અલકા ખુરાના પણ તેમાના પ્રથમ મહિલા હતા જેમણે પ્રથમ વાર ૧૯૯૪ માં ગણતંત્ર દિવસ તથા આર્મી દિવસની પરેડમાં પણ ભાગ લીધો. શ્રીમતિ સાપર શાંતી તીંગા પ્રથમ ભારતીય મહિલા જવાન (પ્રાઇવેટ રેંક) કે જેઓ ૨૦૧૧ માં ભારતીય સેનામાં જોડાયા.

શ્રીમતિ મીતાલી મધુમીતા (લેફટનન્ટ કર્નલ) જે સને ૨૦૦૦ માં જોડાયા, તેઓ પ્રથમ ભારતીય મહિલા ઓફીસર છે કે જેમણે ગેલેન્ટ્રી એવોર્ડ મેળવ્યો. તેમને ૨૦૧૧માં સેના મેડલ દ્વારા બિરદાવ્યા તેમની બહાદુરી માટે. તેઓએ ઇન્ડીયન એમ્બેસી પર તા.૨૬ ફેબ્રુ.૨૦૧૦ ના કાબુલ અફઘાનીસ્તાનમાં જયારે આંતકી હુમલો થયો ત્યારે તેઓએ તેમની રક્ષા કરી સૌ મહિલાઓ માટે ઉદાહરણ રૂપ હિંમત બતાવી.

શ્રીમતિ અંજના બહાદુરીયા કે જેમણે પ્રથમ મહિલા ક્રેડેટની બેંચમાં ૧૯૯૨ માં ઓફીસર ટ્રેનીંગ એકેડેમી, ચેન્નાઈમાં ભાગ લીધો અને સાથે સાથે પ્રથમ ભારતીય મહિલા આર્મી ઓફીસર કે જેમને સુવર્ણ મેડલ થી સન્માનીત કરાયા. ભારતીય વાયુસેના પણ મહિલાઓની દરેક હોદા પર ભરતી કરે છે, લડાકુ તથા બીન લડાકુ (સપોર્ટ)ભૂમિકા બન્ને માં. ૧૯૯૪ માં મહિલાઓએ એરફોર્સમાં પાયલોટ તરીકે જોડાવવાનું શરૂ કર્યું. શ્રીમતિ ગુંજન સકસેના (ફલાઇટ ઓફીસર) તે પ્રથમ મહિલા કે જેમણે કારગીલ યુદ્ઘ દરમીયાન મે-જુલાઇ૧૯૯૯ માં સપોર્ટ સોરટીસમાં ઉડાન ભરી.

ર૦૧ર માં શ્રીમતિ નિવેદીતા ચૌધરી (ફલાઇટ લેફટનન્ટ) ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા કે જે માઉન્ટ એવરેસ્ટના શીખર સુધી પહોચ્યા.

૨૦૧૫ માં ભારતીય વાયુ સેના એ મહિલાઓ માટે યુધ્ધના ફાઇટર પાયલોટ તરીકે ના હોદાઓ અને ભૂમિકાઓ જાહેર કરી.

ડો. પુનીતા અરોરા ૧૯૬૮ માં ભારતીય સેનામાં જોડાયા અને તેઓ પ્રથમ મહિલા બન્યા કે જેમણે દ્વિતીય ઉચ્ચ કક્ષાનો લેફટનન્ટ જનરલ તરીકેનો હોદો મેળવ્યો, તથા પ્રથમ મહિલા વાઇસ એડમિરલ થયા. શ્રીમતિ પદમાવતી બંદોપાધ્યાય એ પ્રથમ ભારતીય મહિલા જે ભારતીય વાયુસેનામાં એર માર્શલ થયા અને બીજા મહિલા કે જેમણે ભારતીય સેનામાં થ્રી સ્ટાર રેન્ક મેળવી લેફટનન્ટ જનરલ શ્રીમતિ પુનીતા અરોરા પછી.

ર્ડો. સીમા રાવ જેમને ઇન્ડીયાસ વંડર વુમન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતના પ્રથમ મહિલા કમાન્ડો ટ્રેનર છે, જેમણે ૧૫૦૦૦ સ્પેશયલ ફોર્સને તાલીમ આપી, ફુલ ટાઇમ ગેસ્ટ ટ્રેનર તરીકે ૨૦ વર્ષ માટે અને તે પણ વિના મુલ્ય કલોઝ કવોટર બેટલ માં પાયોનીયર તરીકે. તેમની કામગીરી ખરેખર કાબીલે તારીફ છે.

ભારતીય મહિલાઓ ઇન્ડીયન કોસ્ટગાર્ડમાં પણ ઓફીસર રેંકમાં જનરલ ડયુટી, પાયલોટ અથવા લો ઓફીસર તરીકે જોડાઇ શકે છે. ર૦૧૭ માં ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ, પ્રથમ એવું ફોર્સ બન્યું કે જેણે ૪ મહિલા ઓફીસર, આસીસટન્ટ કમાન્ડર અનુરાધા શુકલા, સ્નેહા કથયાત, શિરીન ચંદ્રન અને વસુંધરા ચોકસી ને પાકિસ્તાન અને બાંગ્લાદેશની સીમા પર ઇન્ડીયન મેરીટાઇમ ઝોનમાં કોમ્બેટ રોલ (લડાઇ ભૂમિકા) આપ્યો કેવી કુબેર હોવર ક્રાફટ જહાજ પેટ્રેલીંગ માટે.

સરકારશ્રીએ ૨૦૧૬ માં પાચેય શાખા - CRPF સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ, CAPF- સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ, ITBP - ઇન્ડો ટીબેટીયન બોર્ડર પોલીસ, SSB -શસ્ત્ર સેના બલ અને CISF - સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સીકયુરીટી ફોર્સમાં મહિલાઓનેડાઈરેકટ એન્ટ્રી આપીરીક્રુટમેન્ટ દ્વારા જુનીયર રેંકમાટે અને યુનીયન પબ્લીક સર્વીસ કમીશન UPSC દ્વારા ઓફીસર રેંક માટે છુટ આપી. માર્ચ ૨૦૧૬ માં ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંહ એ જાહેર કર્યું કે મહિલાઓને ૩૩% કોન્સટેબલ રેંક કર્મચારી તરીકે CRPF અને CISF માં અને ૧૫% BSF, SSB અને ITBPમાં નિમણુંક કરવામાં આવશે.

CRPF અને CISF માં મહિલાઓ સુપરવાઇઝરી કોમબેટ રોલમાં UPSC દ્વારા પ્રવેશ મેળવી શકે છે. ૨૦૧૩, ૨૦૧૪ અને ૨૦૧૬ થીમહિલાઓ પણ BSF, SSB અને ITBPમાં સુપરવાચઝરી કોરબેટ રોલમાં પ્રવેશ મેળવી શકે છે.

વિશ્વના અનેક દેશમાં મહિલાઓને મીલીન્ટ્રીમાં જોડાવવાની છુટ છે. ૧૯૯૫ માં દરેક મહિલા સાઉથ આફીકામાં સાઉથ આફ્રીકન નેશનલ ડીફેન્સ ફોર્સ (SANDF) માં જોડાઈ શકે છે. ઓસ્ટ્રેલીયામાં પણ મહિલાઓ માટે ડીફેન્સના બધા હોદા ખુલ્લા છે અને તેઓ ડીફેન્સમાં જોડાઇ શકે છે.

ચાઇનામાં ૭.૫% મહિલાઓ પિપલ્સ લીબ્રેશન આર્મી ફોર્સમાં છે. ફ્રાન્સમાં મહિલાઓને ૧૮૦૦ સદીમાં મીલીટ્રીમાં સૈનીકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં નિમણુંક કરતા. ૧૯૧૪ માં મહિલાઓને તબીબી કર્મચારી તરીકે મીલીટ્રીમાં નિમણુંક કરવાનું શરૂ કર્યું. આજે ફ્રાન્સમાં પણ મહિલાઓ મીલીટ્રી ક્ષેત્રે કોઈ પણ હોદો મેળવી શકે છે, કોમ્બેટ ઇન્ફેન્ટ્રી અને સબમરીન સહિતના રોલ. ફ્રાંસમાં આર્મી ફોર્સમાં ૧૧%, ૧૬% નેવીમાં, ૨૮ % એરફોર્સમાં અને પ૮% તબીબી રોલમાં મીલીટ્રી મહિલાઓ છે. અને આ ચુરોપનો સૌથી વધુ મહિલાનો ગુણોતર છે.

જર્મનીમાં પણ બીજા વિશ્વ યુદ્ધનાં અંતે મહિલાઓને મીલીટ્રી ક્ષેત્રે ભરતી કરવાનું શરૂ કર્યુ હતું. ૨૦૦૧માં પ્રથમ વાર મહિલાએ જર્મનીમાં કોમ્બેટ યુનીકમાં પણ હોદો મેળવ્યો હતો.

પ્રથમ વિશ્વ યુદ્ઘ દરમ્યાન રશીયાએ લાખો સૈનિકો ગુમાવ્યા. તે સમયે રશીયન પ્રોવીશનલ ગર્વમેન્ટના લીડર એલેકઝાન્ડર કેરનસ્કી એમે, ૧૯૧૭માં મનોવૈજ્ઞાનિક રીતે પ્રોત્સાહીત કરવા વુમન્સ ડેથ બેટેલયનની સ્થાપના કરી. હાલ રશીયન આર્મીમાં ૧૦% મહિલાઓ છે.

યુ.કે. માં ૧૬૯૬ માં મહિલાઓને નેવીમાં નર્સ તરીકે નિમણુંક કરતા. બીજા વિશ્વ યુદ્ઘ વખતે ૧,૦૦,૦૦૦ બ્રીટીશ મહિલાઓએ બ્રીટીશની ત્રણેય શાખા ઓકઝીલેરી ટેરીટોરીયલ સર્વિસ, વુમન્સ ઓકઝીલરી એરફોર્સ અને વુમન્સ રોયલ નેવલ સર્વીસ તથા નર્સીગ કોર્ષમાં સેવા આપી. ૧૯૪૯માં મહિલાઓને બ્રીટીશ આર્મડ ફોર્સમાં કાયમી ધોરણે માન્યતા મળી. હા પણ લડાઇ ભુમિકા માટે પ્રતિબંધ હતો. ૨૦૧૮ માં મહિલાઓને દરેક હોદા માટે બ્રીટીશ મીલીટ્રીમાં અરજી કરવા અનુમતી મળી.

પ્રથમ વિશ્વ યુદ્ઘ વખતે ૨૩૦૦ મહિલાઓ એ કેનેડામાં 'ધી કેનેડીયન આર્મીમેડીકલ કોર્પસ'માં સેવા આપી. બીજા વિશ્વ યુદ્ઘ દરમ્યાન ૫૦૦૦ મહિલાઓએ 'ધી રોયલ કેનેડીયન આર્મી મેડીકલ કોર્પસ' માં સેવા આપી, પણ માત્ર બીન લડાઇ ભુમિકાઓ માટે જ. ૧૯૮૯માં ધ કેનેડીયન હ્યુમન રાઇટસ હેઠળ ટ્રાયબ્યુનલ નિમણુંક કર્યું. તેમણે મહિલાઓનો કેનેડીયન આર્મ્ડ ફોર્સમાં જોડાણનો આદેશ કર્યો. માત્ર સબમરીનની ભુમિકાઓમાં મહિલાઓને છૂટ નહોતી. પરંતુ ૨૦૦૨ માં મહિલાઓને સબમરીન માટે પણ કેનેડામાં મંજૂરી મળી ગઇ.

તો આ બધા પરથી જોઇ શકાય છે કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વ આખામાં મહિલાઓએ મીલીટ્રીમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આજે આપણે સૌ જયારે મહિલા સશકિતકરણની વાતો કરીએ છીએ ત્યારે મહિલાઓ પણ દેશની સુરક્ષા અને સલામતી માટે તેમનું યોગદાન આપી શકે છે.

હું એવું ઇચ્છુંકે, આપણા દેશની મીલીટ્રીની ત્રણેય પાંખો આર્મી, નેવી, અને એરફોર્સમાં મહિલાઓનો ગુણોત્ત્।ર પ૦% પહોંચે. મારી સૌ યુવા અને ઉત્સાહી મહિલાઓને નમ્ર અપીલ છે કે તેઓ ભારતીય મીલીટ્રીમાં જોડાઇને દેશની સુરક્ષામાં પુરૂષ સમોવડી બની કંધેથી કંધો મિલાવીને દેશની રક્ષા કરે.

શસ્ત્ર બળમાં મહિલાઓનું યોગદાન આપણા દેશનાં ઇતિહાસમાં પણ જોવા મળે છે. રાની લક્ષ્મીબાઈ (ઝાંસી કી રાની), રાની અવંતીબાઈ, રાની વેનું નચ્છીવર વગેરે જેવી મહાન મહિલાઓના ઉદાહરણ લઈ શકીએ છીએ.

તો આજના મહિલા દિવસે ચાલો સૌ મળી સલામ કરીએ આ સૌ મહાન હસ્તીઓને જે આપણા દેશના ઈતિહાસમાં, દેશની મીલીટ્રીમાં સામેલ સૌ લોખંડી સ્ત્રીઓને તથા સમગ્ર વિશ્વની મીલીટ્રીમાં સેવા આપતી તમામ મહિલાઓને સત સત વંદન... જય હિન્દ... જય ભારત... વંદે માતરમ..

:: સંકલન - આલેખન ::

કુ. કિરણબેન ચંદારાણા

ચાર્ટડ એકાઉન્ટન્ટ, સેક્રેટરી, વિશ્વાત્મા ગાઇડ એન્ડ વુમન ડેવલપમેન્ટ કાઉન્સીલ જામનગર

મો. નં. ૯૯૭૪૦ ૨૨૪૫૩

(11:56 am IST)