Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

રાજકોટ ખાતે લોક-અદાલત યોજાઈઃ અકસ્માત વળતરના કેસોમાં લાખોનું વળતર અપાયુઃ ડી. જજના હસ્તે ઉદ્ઘાટન

રાજકોટ, તા. ૮ :. આજે રાજકોટ ખાતે ભવ્ય લોક-અદાલત યોજાઈ હતી. જેનુ પ્રિન્સીપાલ સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ શ્રી ગીતા ગોપી મેડમના હસ્તે સવારના ૧૦.૩૦ કલાકે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

 

આજની આ લોક-અદાલતમાં કુલ ૩૬૨૮ વિવિધ પ્રકારના કેસો મુકાયા હતા. જ્યારે સ્પેશીયલ સીટીંગમાં ૧૯૫૭ કેસો મુકવામાં આવ્યા હતા.

પ્રથમ બે કલાકમાં જ લોક-અદાલતને મહત્તમ સફળતા મળી હતી. જેમા અકસ્માત વળતરના કેસોમાં લાખો રૂપિયાના વળતર મંજુર કરાયા હતા. કુલ કેસો પૈકીના ૧૫ ટકાથી વધુ કેસોનો નિકાલ તો માત્ર બે કલાકમાં જ થઈ ગયાનું જાણવા મળે છે.

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા આજે તા. ૮-૨-૨૦૨૦ના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જિલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવેલ. સદર લોક-અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં કેસ દાખલ થાય તે પહેલા (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવેલા. સદર લોક-અદાલતમાં (૧) ફોજદારી સમાધાન લાયક કેસો, (૨) નેગોશીએબલ એકટની કલમ-૧૩૮ (ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો (૩) બેન્ક લેણા ના કેસો (૪) મોટર અકસ્માત વળતરને લગતા કેસો (૫) લગ્નવિષયક કેસો (૬) મજુર અદાલતના કેસો (૭) જમીન સંપાદનને લગતા કેસો (૮) ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો (૯) રેવન્યુ કેસીસ (૧૦) દિવાની પ્રકારના કેસો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) (૧૦) અન્ય સમાધાન લાયક કેસો મુકવામાં આવેલ હતા.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન શ્રી તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ કુ. ગીતા ગોપી દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ કે લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવેલ છે, જે બન્ને પક્ષકારોને લાભ કર્તા છે. બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહીં તેમજ કોઈનો પરાજય નહી તેવી પરિસ્થિતિ ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે.

આજની આ લોકઅદાલતનો પક્ષકારોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. તેમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી એચ.વી. જોટાણીયાએ જણાવ્યુ હતું

(3:37 pm IST)