Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

જાવ સફળ થજો : ધો. ૧૦-૧રના પરીક્ષાર્થીઓ પર સંતોએ વરસાવ્યા આશીર્વચનો

રાજકોટ : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે આ વર્ષે  પણ ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી સફળતાઓ માટે, તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા આગામી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવા અને પ્રેરણા-પ્રોત્સાહન પૂરું પાડવા શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું.  કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમ્યાન તેમણે કરેલી મહેનતમાં પ્રાર્થનાને સંમેલિત કરીને સફળતાની રાહ પ્રાપ્ત કરવાનું વિવિધ માધ્યમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સર્વે પરીક્ષાર્થીઓએ મંદિર પરિસરમાં ભગવાનના દર્શન કરી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ થઇ શકે તેવા સંકલ્પ અને પ્રાર્થના સાથે શ્રી નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો. સભાહોલમાં પ્રવેશ કરતા સૌ પરીક્ષાર્થીઓનું કુમકુમના ચાંદલાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ભારતીય પરંપરા મુજબ પૂજય સંતો દ્વારા વૈદિક પૂજનવિધિ કરાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રેરણાત્મક વીડિયો શો રજૂ કરવામાં આવેલો. આ સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધેલા મહાનુભાવોએ પ્રેરણાત્મક વકતવ્યો રજૂ કર્યા હતા. ડો. કૌશલભાઈ પાનસુરિયા, આઇ.પી.એસ. શ્રી ખત્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ઉપાધ્યાય, સૌ.યુનિ. ના ઉપકુલપતિ ડો. દેસાણી પ્રેરણાત્મક વકતવ્ય રજૂ કર્યુ હતું.  કાર્યક્રમના હાર્દસમા વકતવ્યમાં પૂ.અપૂર્વમુનિ સ્વામીએ પરીક્ષાને પડકાર વિષય પર પરીક્ષાલક્ષી જોમસભર-પ્રેરક વકતવ્ય રજૂ કરેલું. જેમાં વિદ્યાર્થી જીવનમાં આવતા પડકારો જેવા કે ગરીબી, શારીરિક પડકાર, ટીકાઓથી પડકાર, નિષ્ફળતામાં પડકાર જેવા મુદ્દા પર સૌ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વિડીયો દ્વારા ખૂબ સુંદર રીતે પરીક્ષાને કઈ રીતે પડકાર આપી શકાય તેની તરકીબો શીખવાડી હતી. જીવનમાં દરેક જગ્યાએ પરીક્ષા આપવાની છે. માટે કયારેય નિષ્ફળતાથી નિરાશ ન થવા અને જીંદગીના છેલ્લા શ્વાસ સુધી પડકાર ઝીલી લેવા શીખ આપી છે.  સમારોહમાં રાજકોટની ૯૦થી અધિક નામાંકિત શાળાઓના ૫૦૦૦થી અધિક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ શાળાના માલિકો અને સંચાલકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. અંતે ઉપસ્થિત સૌ પરીક્ષાર્થીઓ પ્રસાદ લઇ આગામી બોર્ડની પરીક્ષા માટે નિર્ધાર સાથે વિદાય થયા હતા. (૯.૩)

(4:02 pm IST)