Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

રવિવારે મેગા કેમ્પ : મા વાત્સલ્ય કાર્ડ માટે ૧૧ હજાર પરિવારનું રજીસ્ટ્રેશન : કાલે વોર્ડ ઓફિસે ટોકનનું વિતરણ

આ કેમ્પમાં સવારે ૮.૩૦ થી ૧૦ સુધી ગુજરાતી સુપ્રસિધ્ધ ગાયીકા કિંજલ દવેનો સાંસ્કૃતિક કાર્યક્રમ : કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર આપશે : ટોકનમાં દર્શાવેલ સમય મુજબ જ લાભાર્થીએ ગ્રાઉન્ડ પર હાજર રહેવું : સ્ટે. ચેરમેન ઉદય કાનગડ તથા જયમીન ઠાકરનો અનુરોધ

રાજકોટ તા. ૮ : મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા તા.૧૦ ફેબ્રુઆરી રવિવારના સવારે ૯ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે ગુજરાતનો પ્રથમ આયુષ્માન ભારત (ભ્પ્-થ્ખ્ળ્) કાર્ડનો મેગા કેમ્પ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં કરી રહ્યું છે સાથે માં વાત્સલ્ય કાર્ડની પણ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા આ મેગા કેમ્પમાં 'માં વાત્સલ્ય કાર્ડ' માટે અંદાજીત ૧૧,૫૦૦ પરિવારોના રજીસ્ટ્રેશન માટે આવેલ ફોર્મ માટેની ટોકન વિતરણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ અંગે વિશેષ માહિતી આપતા રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે જણાવેલ હતું કે આ મેગા કેમ્પમાં 'માં વાત્સલ્ય કાર્ડ' માટે અંદાજીત ૧૧,૫૦૦ પરિવારોના રજીસ્ટ્રેશન માટે ફોર્મ આવેલ છે. આ ફોર્મ માટેની ટોકન વિતરણ માટેની વ્યવસ્થા નીચે મુજબની વિગતે વોર્ડ વાઈઝ તા. ૮થી શરૂ કરવામાં આવેલ છે. તમામ લાભાર્થીઓએ આવતીકાલ તા. ૯ સાંજ સુધીમાં વોર્ડ ઓફીસ ખાતેથી આપવામાં આવેલ ફોર્મ દીઠ ટોકન ખાસ લઈ લેવા જણાવવામાં આવે છે.

વિશેષમાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ છે કે આ મેગા કેમ્પમાં રાજકોટના લાભાર્થીઓ માટે સવારે ૮.૩૦ થી ૧૦ સુધી ગુજરાતી સુપ્રસિદ્ઘ ગાયીકા શ્રી કીંજલબેન દવે નો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે.

આ મેગા કેમ્પ માટે આવનાર તમામ લાભાર્થીઓ માટે કોઈ પણ જાતની અગવડતા ન પડે એ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ વ્યવસ્થા વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે.

વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી જયમીન ઠાકરે જણાવેલ હતું કે ઉકત વિગતે દરેક લાભાર્થીઓને વોર્ડ ઓફિસેથી માં વાત્સલ્ય કાર્ડ માટેના ટોકન મળ્યેથી દરેક લાભાર્થીઓએ ટોકનમાં દર્શાવેલ સમયની વિગતે પરિવારના રાશનકાર્ડમાં જેટલા નામ હોય તે તમામ સભ્યો સાથે તા.૧૦ રવિવારના ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે સવારે ૮.૩૦ વાગ્યે સ્થળ પર હાજર રહેવું. સ્થળ પર દરેક લાભાર્થીના ફોટો પાડવામાં આવશે તથા અંગુઠાના નિશાન ફરજીયાત લેવામાં આવશે.

ઉકત વિગતે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા રાજકોટ શહેરના તમામ લાભાર્થીઓ પરિવારોને ટોકન સાથે લઈને ટોકનમાં દર્શાવેલ સમયની વિગતે કેમ્પમાં અચૂક હાજર રહી ખાસ રજીસ્ટ્રેશન કરાવે તેવો અનુરોધ કરવામાં આવેલ છે.(૨૧.૨૮)

 

(4:00 pm IST)