Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

દેશ - વિદેશના નાટય કલાકારો કલાના ઓજસ પાથરશે : 'ભારત રંગ મહોત્સવ'

નેશનલ સ્કુલ ઓફ ડ્રામા - નવી દિલ્હી અને મ્યુ. કોર્પોરેશન દ્વારા તા. ૧૩ થી ૧૯ સુધી પ્રમુખસ્વામી ઓડિટોરીયમમાં : રોમાનિયા, રશિયા અને શ્રીલંકા ઉપરાંત વિવિધ અલગ-અલગ ચાર રાજ્યોની નાટ્ય કૃતિઓ રજુ થશે : વિનામૂલ્યે એન્ટ્રી : પત્રકાર પરિષદમાં વિગતો રજૂ કરાઇ

રાજકોટ તા. ૮ : ભારત સરકારશ્રીના સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય, નવી દિલ્હી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૩ થી ૧૯ ફેબ્રુઆરી દરમ્યાન રાજકોટના આંગણે ૨૦માં 'ભારત રંગ મહોત્સવ'-૨૦૧૯નું ભવ્ય અને રંગારંગ આયોજન કરવામાં આવનાર છે. રાજકોટના રૈયા રોડ પર સ્થિત  પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય સ્તરના આ 'ભારત રંગ મહોત્સવ'માં ભારતમાંથી કુલ ચાર અલગઅલગ નાટ્ય સંસ્થાઓ અને વિશ્વ કક્ષાના ત્રણ કલા મંડળો રશિયા, રોમાનિયા અને શ્રીલંકામાંથી ભાગ લેવા પધારી રહયા છે. આ કલા મંડળો પોતપોતાની નાટ્ય કૃતિઓ પ્રદર્શિત કરી સૌ કલાપ્રેમીઓના મન જીતી લેશે, તેમ મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશ્નર તથા રાષ્ટ્રીય નાટય વિદ્યાલયના પ્રોફેસર અભિલાષ પિલ્લેએ સહિતનાએ માહિતી આપી હતી.

મેયરશ્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયમાં એડમિશન લેવું બહુ અધરું છે, તેને પાસ કરીને નીકળવું મુશ્કેલ છે. સામાન્યરીતે આપણે ડ્રામા જોવા જવું હોય ત્યારે આપણે રૂપિયા ૪૦૦-૫૦૦ ખર્ચીએ છીએ, જયારે આપણે ૧૩ થી ૧૯ ફેબ્રુઆરી દરમ્યાન જાહેર જનતા માટે ફ્રી માં ડ્રામાનું આયોજન કરેલ છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટ માટે સૌ પ્રથમ 'ભારત રંગ મહોત્સવ'નંુ આયોજન કરેલ છે. આ માધ્યમથી રાજકોટના નાના બાળકો સુધી સંસ્કૃતિ પહોંચાડવામાં આવશે.

રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના એસોસિએટ પ્રોફેસર અભિલાષ પિલ્લેએ પત્રકારોને વધુ માહિતી આપતા જણાવેલું કે, રાજકોટ, ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં આવેલ છે, આ શહેર ઐતિહાસિક જગ્યાઓ અને અહીની સમૃધ્ધિ સંસ્કૃતિ અને ભારતના શ્રેષ્ઠ ટુરીસ્ટ ડેસ્ટીનેશનમાં સામેલ કરે છે. આ શહેરની ઐતિહાસિક મહત્વની વાત કરીએ તો મહાત્મા ગાંધીજીનું બાળપણ રાજકોટમાં વીત્યું છે અને તેમની ૧૫૦મી વર્ષગાંઠનાં ઉપલક્ષ્યમાં આ મહોત્સવમાં ૪ ખાસ નાટકો સામેલ કરવામાં આવ્યા છે, જે મહાત્મા ગાંધીના સિદ્ઘાંતો અને તેમના જીવન પા આધારિત છે. NSD પહેલા માત્ર દિલ્હીમાં જ હતી જયારે હવે ભારતભરમાં ત્રણ જગ્યાએ બ્રાંચ ખોલવામાં આવી છે.

વિનામૂલ્યે પાસ અપાશે

મહોત્સવના પાસ જનતા માટે ફ્રી રાખવામાં આવ્યા છે. જેનું વિતરણ તા. ૧૦થી શરૂ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાનાં અમીન માર્ગ પર આવેલ સિવિક સેન્ટર અને શ્રોફ રોડ પર આવેલ લાઇબ્રેરીએથી સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા દરમ્યાન અને સાંજે ૪.૩૦ થી ૭.૦૦ વાગ્યા સુધી વાગ્યા સુધી વિતરણ કરવામાં આવશે. ઉપરાંત નાટક પૂરું થયે ત્યાંથી પણ આગળનાં દિવસના નાટકના પાસ મેળવી શકશે, અને ડેઈલી પાસ વિતરણ કરવામાં આવશે.

મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા,  મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયના એસોસિએટ પ્રોફેસર અભિલાષ પિલ્લે, નાયબ કમિશનર ચેતન નંદાણી વગેરે ઉપસ્થિત રહયા હતાં. (૨૧.૨૭)

કયારે કયું નાટક ? : વિસ્તૃત માહિતી

નાટકનું નામ         ભાષા

ખારૃં કા ખરા કિસ્સા   હિન્દી

માલેમ્નગન્બી         મણિપુરી

બાર્બેરિયન નાઇટ્સ   રોમાનિયન અને ઇંગ્લીશ

ધ ડીપાર્ટમેન્ટ         શ્રીલંકન અને ઇંગ્લીશ

સ્પાર્ટેકસ              બંગાળી

દ્વિતી સૂર્ય દગ્ધા ફુલા કૂ નેઇ     ઓડીસી ઉડિયા

ડિયર એલેના સરગીવના       રશિયન અને ઇંગ્લીશ

(3:59 pm IST)