Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

'કારગીલ યુદ્ધ - ગુજરાતના શહિદો' પુસ્તકનું રવિવારે વિમોચન

કારગીલમાં શહિદ થયેલા ૧૨ ગુજરાતી જવાનોની ગાથા ભારતીય નૌસેનાના નિવૃત ઓફીસર મનન ભટ્ટ દ્વારા રજૂઃ શહિદ જવાનોના પરિવારજનોનું સન્માન : માજી સૈનિકો, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, મોહનભાઈ કુંડારીયા, જયેશભાઈ રાદડીયા હાજર રહેશે

રાજકોટ, તા. ૮ : કારગીલ યુદ્ધમાં ભારતીય જવાનોએ દુશ્મનોને ઢેર કરી દીધા હતા. પાકિસ્તાનને પીછેહટ કરવાની ફરજ પડી હતી. ભારતીય જવાનોએ દુશ્મનોના છક્ક છોડાવી દીધા હતા. દરમિયાન આ યુદ્ધમાં ગુજરાતના ૧૨ જવાનોએ શહીદી વ્હોરી હતી. આ વીરજવાનો વિશે ભારતીય નૌસેનાના નિવૃત ઓફીસર શ્રી મનન ભટ્ટ દ્વારા ''કારગીલ યુદ્ધ ગુજરાતના શહીદો'' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું વિમોચન ૧૦મીના રવિવારે થનાર છે. આ કાર્યક્રમમાં શહીદોના પરીવારો અને માજી સૈનિકોનું સન્માન કરવામાં આવશે.

અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે તા.૧૦ના રવિવારે સવારના ૯:૩૦ કલાકે કાર્યક્રમ શરૂ થશે. જેમાં મુખ્ય અતિથિ પૂ.સ્વામીજી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી આર્ષ વિદ્યામંદિર, મુંજકા, અતિથિ વિશેષ - રાજકોટના સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, કેબીનેટ મીનીસ્ટર જયેશભાઈ રાદડીયા તેમજ કારગીલ શહીદ ૧૨ ગુજરાતી જવાનોના પરીવારજનોનું માજી સૈનિકો દ્વારા સન્માન કરવામાં આવશે. કારગીલ યુદ્ધમાં ભાગ લીધેલા અને પુસ્તકમાં ઉલ્લેખિત ગુજરાતી જવાન અને જેસીઓ પણ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને તેમનું પણ સન્માન કરાશે. શહીદોના સન્માનમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૦૦૦થી વધુ માજી સૈનિકો તેમના સૈન્ય મેડલ પહેરીને કાર્યક્રમમાં હાજરી આપશે.

આયોજનમાં સર્વેશ્રી જગતસિંહ જાડેજા, અમરશીભાઈ હાલપરા, ડી.ડી.ઠુમ્મર, કૌશિક પીપળવા, ધર્મેન્દ્રસિંહ વાળા, અશ્વિનભાઈ ગજ્જર, મનસુખ નસીત, ભાવેશ હીરપરા અને રમેશભાઈ આદ્રોજા અને સૂર્યોદય મંડળના સર્વે સભ્યો જોડાયા છે.

''અકિલા'' કાર્યાલયની મુલાકાતે આવેલા આર્મીના નિવૃત ઓફીસરોએ થોડી વિગતો વર્ણવેલી જે આ મુજબ છે. અમીટ દાસ્તાન. ''છાતી ઠોકીને વર્ણન કરાયેલુ. ખુલ્લુ, નગ્ન અને વિચલીત કરી મૂકે તેવુ, કશુ જ છુપાવ્યા વગરનું યુદ્ધ.'' સમગ્ર કારગીલ યુદ્ધના પાને પાને, એક તરફ તો આપણા જવાનોની બહાદુરી, ઝીન્દાદીલી અને માનવતા છે તો બીજી ગદ્દાર દુશ્મનની ખંધાઈ, બેક સ્ટેબીંગ અને અમાનવીય વર્તન છે. આવા વિપરીત સંજોગોમાં પણ ભારતીય જવાનોએ મર્યાદા જાળવી અને આપણી સંસ્કૃતિની સહિષ્ણુતાનો પરચો આપ્યો.

આ પુસ્તકના પાના નં.૮૮માં અમર શહીદ મુકેશ રાઠોડની જાંબાઝીનો પુરાવો મળશે અને નાપાક દુશ્મનની ગદ્દારી ચોંકાવી દેશે. અમર શહીદ મુકેશ રાઠોડ, ૧૨ મહાર પલટનની જાન હતા. એ જાંબાઝ જવાનની પલટનને દુશ્મન પર આક્રમણ કરવા જવાનું હતું. તેની આગલી રાતે મુકેશે તેની પર્સનલ ડાયરી તેમના સાથી મહેબુબ પટેલને આપી અને કહે ''જો હું પાછો ન ફરૂ તો આ મારી પત્નિને આપજો અને તેને કહેજો કે મારા આવનારા બાળકનું નામ પણ મુકેશ રાખે. ફરી પાછો હસીને કહે, હું  પરમવીર ચક્ર જીતીને જ પાછો આવીશ.''

કાળી ડીબાંગ રાતના અંધારામાં કારગીલના એ ભયાવહ પર્વત પર ચઢાઈ કરતા અને દુશ્મનના જીવલેણ ગોળીબારનો સામનો કરતા, દુશ્મનની ગોળીઓ વડે વિંધાઈને મુકેશ ખાઈમાં પડ્યા અને શહીદ થયા. ગદ્દાર દુશ્મન કેમે કરીને આપણને તેમના પાર્થિવ શરીર સુધી પહોંચવા દેતો નહોતો. અંતે એ વીરની શહાદતના એક મહિના બાદ આપણે શહીદના પાર્થિવ શરીરને પાછુ લાવીને તેમના પરીવારજનોને જાણ કરી, મોરચા પરથી નીચે લાવીને યુદ્ધક્ષેત્રે જ અંતિમ સંસ્કાર કર્યા. મુકેશ રાઠોડ વીરગતિને પામ્યા ત્યારે તેમના પત્નિ રાજશ્રીબેનને પાંચ મહિનાનો ગર્ભ હતો.

ઉકત તસ્વીરમાં નેવી ઓફીસર શ્રી મનન ભટ્ટ (૭૮૭૪૯ ૨૭૨૭૧), હવાલદાર શ્રી જગતસિંહ જાડેજા (રીટા.) (૯૭૩૭૦ ૪૬૯૦૧), સુબેદાર ધર્મેન્દ્રસિંહ વાળા (રીટા.) (૮૧૬૦૬ ૨૮૮૮૯), લાન્સ દફેદાર અમરશીભાઈ હાલપરા (મો.૯૫૫૮૭ ૬૬૩૧૭) અને નાયક ધીરજભાઈ ઠુમ્મર (૯૮૭૯૩ ૯૨૮૭૯) નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૮)

(3:54 pm IST)