Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સફેદ માટીના માટલાનું પાણી પીવાથી નુકસાન થાય છે...આવી અફવા ફેલાવનારા સામે પગલા લેવા પોલીસ કમિશ્નરને રજૂઆત

સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપે લેખિત આવેદન પાઠવી ખોટી વાતો ફેલાવનારા સામે ગુનો નોંધવા માંગણી કરીઃ માટીના વાસણોમાં રસોઇ અને માટલાનું પાણી આરોગ્ય માટે લાભપ્રદ છે, નુકસાન કદી ન થઇ શકે

રાજકોટ તા. ૮: છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મિડીયા પર એવો મેસેજ ફરતો કરાયો છે કે સફેદ માટીમાંથી બનેલા માટલાનું પાણી પીવાથી આરોગ્યને નુકસાન થાય છે...આ બાબત માત્ર અફવા હોવાનું સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપ (એસપીવાયજી)એ જણાવી આવી ખોટી અફવા ફેલાવનારા લોકો સામે પગલા લેવાની માંગણી કરી આ બાબતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને આવેદન પાઠવ્યું છે.

રજૂઆતમાં જણાવાયું છે કે પ્રજાપતિ સમાજના મોટા ભાગના પરિવારો વર્ષોથી માટી કામ સાથે સંકળાયેલા છે. માટી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમજ લોકોના આરોગ્યને કેમિકલ અને ફ્રીઝની વસ્તુઓથી થતી હાનીથી દૂર રાખે છે. તાજેતરમાં  ફેસબૂક અને વ્હોટ્સએપ પર એવો મેસેજ વાયરલ થયો છે કે જેના ઘરમાં સફેદ રંગની માટીમાંથી બનેલા માટલા છે અને તેનું પાણી પી રહ્યા છે તેઓએ મહેરબાની કરીને આવા માટલાનો ઉપયોગ કરવો નહિ. કારણ કે આવા માટલા માટીમાંથી બનાવાયા નથી, રસાયણિક કચરાનો ઉપયોગ થયો છે. આવા માટલા બજારમાં સસ્તા ભાવે વેંચાઇ રહ્યા છે, આવા પાત્રોમાં ભરેલુ પાણી સ્વાસ્થ્ય માટે હાનીકારક છે....સહિતની બાબતો વાયરલ થયેલા મેસેજમાં છે.

ત્યારે ઉપરોકત મેસેજ બાબતે એસપીવાય ગ્રુપે સ્પષ્ટતા કરી છે કે હકિકતે આવા માટલા બનાવવામાં કોઇ હાનીકારક તત્વોનો ઉપયોગ થતો નથી. માટીના વાસણોમાં રસોઇ અને માટીના માટલામાં પાણી રાખવાથી ઉલ્ટાનો આરોગ્યને ફાયદો આપે છે. આ બાબત વેૈજ્ઞાનિક રીતે પણ સિધ્ધ થયેલી છે. અફવારૂપ વાયરલ મેસેજથી પ્રજાપતિ (કુંભાર) સમાજ વિરૂધધ ખોટી માન્યતાઓ ઉભી થઇ રહી છે. આવું કરનારા સામે સાઇબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી પગલા લેવા સમસ્ત પ્રજાપતિ યુવા ગ્રુપે માંગણી કરી છે. (૧૪.૧૪)

(3:40 pm IST)