Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

બે બાઇક ચોરીનો ભેદ ઉકેલતી ભકિતનગર પોલીસઃ પાંચ પીપળીયાનો શખ્સ પકડાયો

નોકરીના બાકી નીકળતા પૈસા બાબતે ડખ્ખો થતા ભત્રીજો ચંદ્રજીત ડોડીયાએ બાઇક ચોર્યાની કબૂલાતઃ મિત્ર દિગ્વિજય સોલંકીની શોધ

રાજકોટ, તા.૮: કોઠારીયા રોડ સુખરામનગર મેઇન રોડ પરથી ભકિતનગર પોલીસે કોડીનારના પાંચ પીપળવા ગામના રજપૂત શખ્સને પકડી લઇ બે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે શહેરમાં મિલ્કત સંબંધી તેમજ વાહન ચોરીના ગુન્હા શોધી કાઢવા માટેની સુચના આપતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ.પી.એમ. ધાખડા, ડી.એન.વાંઝા તથા હેડ કોન્સ સૂર્યકાંતભાઇ પરમાર, કિશોરભાઇ પરમાર, મહેન્દ્રસિંહ ડોડીયા, વિક્રમભાઇ ગમારા, દિવ્યરાજસિંહ ઝાલા, દેવાભાઇ ધરજીયા, લાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, હિતેષભાઇ અગ્રવાત તથા રાજેશભાઇ ગઢવી સહિત ગઇકાલે વાહન ચેકીંગમાં હતા ત્યારે પીએસઆઇ ડી.એન.વાંઝાને મળેલી બાતમીના આધારે સુખરામનગર મેઇન રોડ પાસેથી ચંદ્રજીત નારાયણભાઇ ડોડીયા (ઉ.વ.૨૧) (રહે. પાંચ પીપળવા ગામ.તા.કોડીનાર)ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. બાદ પોલીસે તેની પૂછપરછ કરતા ચંદ્રજીતે આ બાઇક તા.૨૧-૧૦ના રોજ વિજયનગર શેરી નં.૨માં રહેતા તેના કૌટુંબીક કાકાના ઘરમાંથી બે બાઇક, એક મોબાઇલ ચોર્યાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી બે બાઇક કબ્જે કર્યા હતા. આ ચોરીમાં તેના મિત્ર દિગ્વીજય સોલંકી (રહે.ઇસાપર ગામ.તા.બાબરા) નું નામ ખુલતા તેની શોધખોળ આદરી છે. પોલીસે ચંદ્રજીતની વધુ પુછપરછ કરતા તે તેના કૌટુંબીક કાકા પ્રદિપભાઇ બારડની ઓફીસમાં નોકરી કરતો હતો. અને નોકરીના બાકી નીકળતા પૈસા બાબતે બંને વચ્ચે માથાકુટ થતા તેનો બદલો લેવા માટે ચંદ્રજીતે તેના મિત્ર દિગ્વીજય સાથે મળી ચોરીનો પ્લાન કર્યો હતો. આ અંગે ભકિતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૨૩.૮)

(2:43 pm IST)