Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

યુનિવર્સિટી રોડ જે.કે. ચોકમાંથી ગુર્જર રાજપૂત યુવાનની લોહીભીની લાશ મળીઃ હત્યાની શંકા

નજીકના હાઉસીંગ બોર્ડમાં રહેતાં અપરિણીત યુવાન ઘનશ્યામ ડાભી (ઉ.૩૫)એ બપોરે રિક્ષાચાલક મિત્રો સાથે ભોજન કર્યા બાદ કાન પાછળ ઇજાઓ થયેલી હાલતમાં મળ્યોઃ મૃતક અપરિણીત હતો અને નશાની ટેવ હતીઃ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટની જોવાતી રાહઃ ઇજાથી મોત થયાનો ફોરેન્સિક નિષ્ણાંતનો પ્રાથમિક રિપોર્ટઃ જો કે ઇજા પડી જવાથી પણ થાય અને પ્રહારથી પણ થઇ શકેઃ વિસેરા લેવાયા

ઘનશ્યામ જ્યાંથી લોહીલુહાણ મળ્યો એ જે. કે. ચોકનો પટ, તેનો મૃતદેહ અને ફાઇલ ફોટો (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૮: શહેરના યુનિવર્સિટી રોડ પર ગુ.હા. બોર્ડના કવાર્ટર બી-૨૦/૫૧૦માં રહેતાં ગૂર્જર રાજપૂત યુવાન ઘનશ્યામ ખોડુભા ડાભી (ઉ.૩૫)ની કાન પાછળ ઇજાઓ થયેલી હાલતમાં લોહીલુહાણ લાશ ઘર નજીક આવેલા જે. કે. ચોકના પટમાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ છે. મૃતક યુવાનને નશો કરવાની ટેવ હતી. લાશ મળી એ પહેલા તે આ પટમાં રિક્ષાચાલક મિત્રો સાથે ભોજન કરતો હોવાની વિગતો પોલીસને મળી છે. નશાની હાલતમાં પડી જતાં ઇજા થવાથી મોત થયું કે પછી કોઇએ પ્રહાર કરી પતાવી દીધો? તે બાબતે યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દરમિયાન ફોરેન્સિક પોસ્ટ મોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ઇજા થવાથી મોત થયાનું જણાવાયું છે. જો કે આ ઇજા પડી જવાથી પણ થઇ શકે અને કોઇ પ્રહારથી પણ થઇ શકે તેવી છે. પોલીસ માટે હવે કોયડો સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ મુંજકા રહેતાં જયેશભાઇ ખોડુભા ડાભીને ગઇકાલે બપોરે તેના અને તેના ભાઇ ઘનશ્યામના મિત્ર પ્રદ્યુમનસિંહ જાડેજાએ ફોન કરી ઘનશ્યામ લોહી નીકળતી હાલતમાં જે. કે. ચોકમાં બેભાન પડ્યો હોવાની વાત કરતાં જયેશભાઇ ત્યાં દોડી ગયેલ અને ત્યાં જઇ જોતાં ઘનશ્યામને કાન પાછળના ભાગે ઇજાના નિશાનો દેખાયા હતાં. તેમજ હાથ ઉપર રિક્ષા કે બીજા કોઇ વાહનના ટાયરના નિશાન જોવા મળતાં તેણે તાકીદે નાના ભાઇ ઘનશ્યામને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ તબિબે તેને મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

પી.એસ.આઇ. કે. જે. વાઘોસી, લક્ષમણભાઇ મહાજન, બોઘાભાઇ સહિતના સ્ટાફે હોસ્પિટલે તથા ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. ઘનશ્યામનું મોત કઇ રીતે થયું? તે જાણવા આજે લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે જેનો રિપોર્ટ બપોર સુધીમાં આવશે.

 પોલીસે પ્રાથમિક તપાસ કરતાં એવી વિગતો સામે આવી છે કે મૃત્યુ પામનાર ઘનશ્યામ બે ભાઇ અને એક બહેનમાં વચેટ તથા અપરિણીત હતો. પિતા હયાત નથી, તે માતા લીલાબેન સાથે હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતો હતો. મોટા ભાઇ જયેશભાઇ મુંજકા રહે છે. ઘનશ્યામ અગાઉ મોટા ભાઇ સાથે કારખાનામાં કામ કરતો હતો પરંતુ અઠવાડીયાથી કામે જવાનું બંધ કરી દીધું હતું. તેને નશો કરવાની આદત પણ હતી.

ગઇકાલે સવારે સાડા સાતેક વાગ્યે તે રૂટીન મુજબ ઘરેથી નીકળી ગયો હતો. એ પછી બપોરે તે લોહીલુહાણ હાલતમાં જે. કે. ચોકના પટમાંથી બેભાન મળી આવ્યો હતો. તેના મિત્ર પ્રદ્યુમનસિંહને એવી માહિતી મળી હતી કે ઘનશ્યામ બેભાન મળ્યો એ પહેલા બે ત્રણ રિક્ષાચાલક મિત્રો સાથે પટમાં  રિક્ષામાં બેસી જમતો જોવા મળ્યો હતો. તેમજ એક રિક્ષામાં તે નજીકની દ્વારકાધીશ હોટલે પાપડ લેવા પણ ગયો હતો. એ પછી કંઇપણ બન્યું હતું.

કાન પાછળના ઘા કોઇ બોથડ પદાર્થના છે કે પછી નશાની હાલતમાં પડી જતાં ઇજા થઇ? તે અંગે પોલીસ પણ અવઢવમાં હોઇ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. તેના રિપોર્ટ મુજબ મોત ઇજાથી થયાનું જણાવાયું છે. તેમજ હોજરીમાંથી દારૂની પણ હાજરી મળી છે. જો કે ઇજા પડી જવાથી પણ થઇ શકે અને કોઇ પ્રહારથી પણ થઇ શકે તેવી છે. ત્યારે પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. મૃતકના ભાઇ જયેશભાઇને બનાવ હત્યાનો હોવાની દ્દઢ શંકા છે. યુનિવર્સિટીના પી.આઇ. બી. બી. ગોયલ, પીએસઆઇ ડોડીયા, જે. પી. મેવાડા અને ડી. સ્ટાફની ટીમે તપાસ શરૂ કરી છે.(૧૪.૬)

(3:58 pm IST)