Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

યુનિ.રોડ ઉપર સર્વે નં.૩૧૯ માં સીટી પ્રાંત-૧નું બૂલડોઝર ફર્યું: ૧૦૦ જેટલા કાચા- પાકા મકાનો- ઝૂપડા તોડી પડાયા...

પ૦૦ થી વધુ લોકો બેઘરઃ કરોડોની ૧ર હજાર ચો.મી.જમીન ખુલ્લી કરાવાઇ...: પશ્ચિમ મામલતદાર પંડયા-સ્ટાફ દ્વારા કાર્યવાહીઃ કોર્ટનો જયુડીશ્યલ સ્ટાફના કવાટર્સ માટે જમીન અપાઇ'તી...

રાજકોટ સીટી પ્રાંત-૧ અને પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા સર્વે નં.૩૧૮માં ૧૦૦ જેટલા કાચા-પાકા મકાનો તોડી પાડી ૧ર હજાર ચો.મી.જમીનનું દબાણ દૂર કરાવાયું તે નજરે પડે છે. (તસ્વીર અશોક બગથરીયા

રાજકોટ તા. ૮ : રાજકોટ જીલ્લા કલેકટરની સુચના બાદ સીટી પ્રાંત-૧ શ્રી પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પશ્ચિમ મામલતદાર શ્રી પંડયા સહીત ઓફીસર શ્રી હિરેન જોષી, તથા સ્ટાફ દ્વારા રૈયા -યુનિ.રોડ ઉપર સર્વ નં. ૩૧૮ ની કોર્ટના જયુડિશ્યલ સ્ટાફ માટે અપાયેલ ૧ર હજાર ચો.મી.જમીન ઉપરનું દબાણ દુર કરી કરોડોની જમીન ખૂલ્લી કરાવાઇ હતી.

આ અંગે વિગતો આપતા સીટી પ્રાંત-૧ શ્રી એ.ટી. પટેલે ''અકિલા'' ને ઉમેર્યું હતું. કે, કોર્ટના સ્ટાફ માટે ફાળવાયેલ જમીન ઉપર નાના-મોટા તથા કાચા-પાકા પ્લીન્થ લેવલના ઇંટોના બનેલા-નળીયાવાળા અને ઝૂપડા મળી કુલ ૧૦૦ જેટલા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું, અને જમીન ખુલ્લી કરાવાઇ હતી.

સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ આ જમીન ખુલ્લી કરાવાઇ છે જે હવે કોર્ટને સોંપી દેવાશે. અત્રે એ ઉમેરવુ જરૂરી કે આ પહેલા આ જમીનનો એક ભાગ આપી દેવાયો હતો, બાકીના ભાગ ઉપર પાછુ દબાણ થતા તે આજે દુર કરી દેવાયું હતું. અંદાજે ૧૦૦ જેટલા નાના-મોટા, કાચા-પાકા મકાનો તોડી પડાતા પ૦૦ થી ૬૦૦ લોકો બેઘર બની ગયા હતા, ઓપરેશન સમયે લોકોના ટોળા એકઠા થયા હતા, રોકકળ ચાલુ થઇ ગઇ હતી, પરંતુ તંત્રે તેમનું કામ કરી લીધુ હતું જે લોકો દબાણ કરીને રહેતા હતા  તેમાંથી મોટાભાગના નેપાળી-ગુજરાતી પરીવાર હોવાનું બહાર આવ્યું છે, સીટી પ્રાંત-૧ દ્વારા સફળ ઓપરેશન-દબાણ દુર અંગે કલેકટરશ્રીને રીપોર્ટ કરી દેવાયો છે.(૬.ર૬)

 

(4:56 pm IST)