Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

કાલાવડ રોડ પરથી ઝડપાયેલા કૂટણખાના પ્રકરણે ગોંડલના ફલેટ માલિક અને બ્રોકરની પુછતાછ

દોઢ માસ પહેલા ૧૨ હજારના માસિક ભાડાથી સચીન ભોજાણીએ બ્રોકર હર્ષદ પૂજારા મારફત આરોપી આશિષના પિતા જીતેન્દ્રભાઇ રાવલના નામે ૧૧ માસનો ભાડા કરાર કરેલો

રાજકોટ તા. ૮: કાલાવડ રોડ પર ક્રિષ્ના મેડિકલ સ્ટોરની ઉપર સાગર એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે બી-૧૦૨માં રવિન્દ્ર ઉર્ફ આશીષ જીતેન્દ્ર રાવલ નામનો શખ્સ બહારથી છોકરીઓ લાવી ગ્રાહકોને બોલાવી કૂટણખાનુ ચલાવતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે પાડેલા દરોડા પ્રકરણમાં ફલેટના માલિક, બ્રોકર અને આરોપીના પિતા કે જેના નામે ભાડા કરાર થયેલો તેમની પુછપરછ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. ઉનડકટ દ્વારા કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાંચની ટીમની તપાસમાં જે સ્થળેથી કૂટણખાનુ પકડાયું તે સાગર એપાર્ટમેન્ટના ફલેટની માલિકી ગોંડલના સચીન ભોજાણીના નામની હોવાનું બહાર આવ્યું હતું. આ માહિતી અંતર્ગત સચીન ભોજાણીને રાજકોટ ક્રાઇમ બ્રાંચે બોલાવી પુછપરછ હાથ ધરી હતી. તેણે પોલીસને એવું જણાવેલ કે, દોઢ માસ પહેલા માસિક બાર હજારના ભાડાથી બ્રોકર હર્ષદભાઇ પૂજારા મારફત ઝડપાયેલા આરોપી આશિષ રાવલના પિતા જીતેન્દ્રભાઇ રાવલ સાથે ૧૧ માસ માટે ફલેટ ભાડે આપવાનો કરાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે બ્રોકર પૂજારા અને જીતેન્દ્રભાઇ રાવલની પણ પુછપરછ કરી ત્રણેયના વિધીવત નિવેદનો નોંધ્યા હતાં. 

ઉલ્લેખનિય છે કે શનિવારે ફલેટમાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવતાં ચાર યુવતિઓ જે પશ્ચિમ બંગાળની છે તે તથા વેશ્યાવૃતિ કરાવતાં શખ્સો રવિન્દ્ર ઉર્ફ આશિષ રાવલ (રહે. શિતલપાર્ક- ચોકડી જાગૃતિ દિપ એપાર્ટમેન્ટ) તથા બ્રિજેશ રમેશભાઇ ગોટેચા (રહે. કાલાવડ રોડ કોસ્મોપ્લેક્ષ સિનેમા પાસે ગ્રીનહીલ સ્કવેર) મળી આવતાં આ બંને સામે ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીથી બોલાવવામાં આવેલી રૂપલલનાને પોલીસે સાહેદ બનાવી હતી. પી.એસ.આઇ. ઉનડકટ અને રાઇટર ભરતભાઇ વનાણી ચલાવી રહ્યા છે. (૧૪.૧૦)

(4:55 pm IST)