Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

મધ્યપ્રદેશથી ગૂમ થયેલા ૧૨ વર્ષના મનિષનું પોલીસે વાલીવારસ સાથે મિલન કરાવ્યું

એ-ડિવીઝન પોલીસને આ ટેણીયો બસ સ્ટેશનમાંથી મળ્યો'તો

રાજકોટઃ બસ સ્ટેશનમાંથી તા. ૬ના રોજ એક ટેણીયો રડતો મળી આવ્યો હતો. એ-ડિવીઝન પોલીસ મથકના પી.આઇ. વી.એન. યાદવની રાહબરીમાં એએસઆઇ ડી. બી. ખેર તથા પરષોત્તમભાઇ, પીસીઆરના સંજયભાઇ સહિતે આ બાળકની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ મનિષ જગદીશભાઇ ગુપ્તા (ઉ.૧૨-રહે. કાળીમાટી કઠવલી, જીઃ સિધ્ધી  મધ્યપ્રદેશ) જણાવ્યું હતું. ત્યાંની પોલીસનો સંપર્ક કરવતાં મનિષ ગૂમ થયાની નોંધ થયાનું અને તેના માતા-પિતાને પોતે રાજકોટ મોકલે છે તેવી વાત કરી હતી. આજે તેના વાલીઓ રાજકોટ આવી પહોંચતા મનિષનો કબ્જો તેને સોંપવામાં આવ્યો હતો. આ ટાબરીયાના પિતા અને કાકા જામનગર ખાવડી રિલાયન્સમાં કામ કરે છે. કાકા વતનમાંથી જામનગર પરત આવ્યા ત્યારે તે પણ ટ્રેનમાં સાથે બેસી ગયો હતો. જામનગરથી તે ૬ તારીખે ગૂમ થયા બાદ રાજકોટ શાસ્ત્રી મેદાનમાં પહોંચ્યો હતો. આ કાર્યવાહીમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના રાજનભાઇ મકવાણા અને પ્રવિણભાઇ પણ પોલીસને મદદરૂપ થયા હતાં. (૧૪.૧૨)

(4:53 pm IST)