Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

નિવૃત અધ્યાપકોની તરફેણમાં ચુકાદાને વધાવવા રવિવારે નિવૃત અધ્યાપકોનું સંમેલન

સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે પી.સી.બારોટના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ

રાજકોટ તા. ૮ : સિલેકશન ગ્રેડમાં ત્રણ વર્ષની સેવા આપી  ૧/૧/ર૦૦૬ પહેલા નિવૃત થયેલા અધ્યાપકોને મળતા પેન્શનનું છઠ્ઠા પગારપંચની ભલામણો મુજબ, પુનઃ નિર્ધારણ કરવા માટેની, રાજય સરકાર સામેની લડતમાં, અધ્યાપક પેન્શનર્સ સમાજ, રાજકોટનો નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા નામદાર સુપ્રિમ કોર્ટમાં વિજય થયો છે. તેમ છતાય રાજય સરકાર નામદાર કોર્ટના ચુકાદાનો અમલ કરવામાં વિલંબ કરતી હતી, આથી રાજય સરકાર સામે નામદાર કોર્ટની માનહાનીનો કેસ પી.સી.બારોટે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કર્યો હતો.

આ કેસ મૂખ્ય ન્યાયમૂર્તિ પાસે સુનાવણી માટે આવ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિનું કડક વલણ જોતા, રાજય સરકારમાં દોડધામ મચી ગઇ અને નામદાર હાઇકોર્ટના ચુકાદાનો તુરંત અમલ કરવામાં આવશે તેવી  ખાત્રી આપી, જરૂરી આદેશો બહાર પાડી, નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા.

રાજકોટ સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીએ હાઇકોર્ટમાં જનાર તમામ અરજદાર અધ્યાપકોને વયીકતગત પરિપત્ર મોકલી, જરૂરી માહીતી મંગાવી છે અને તે મુજબ હવે પેન્શનનું પુનઃ નિર્ધારણ થશે તથા ચડત રકમ (એરીઅર્સ) ચુકવવામાં આવશે.

સમગ્ર ગુજરાતના ૧૮૦૦ અધ્યાપકોને ફાયદો થશે. અધ્યાપક પેન્શનર્સ સમાજ, રાજકોટના ભવ્ય વિજયને ઉજવવામાં આવનાર છે. વિજયોત્સવ આનંદોત્સવમાં સહભાગી બનવા સૌરાષ્ટ્ર ઉપરાંત ઉતર ગુજરાત, અમદાવાદ તથા દક્ષિણ ગુજરાતમાંથી અધ્યાપકો રાજકોટ આવી રહ્યાછે.

રાજકોટની ખ્યાતનામ સૌરાષ્ટ્ર હાઇસ્કુલના મધ્યસ્થ ખંડમાં રવિવારે ૧૧ વાગે પી.સી. બારોટના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ આનંદોત્સવમાં ભાગ લેવા, તમામ અરજદાર અધ્યાપકોને કન્વીનર્સ વી.યુ.રાયચુરા તથા પ્રા.રવિ મહેતાએ અનુરોધ કર્યો છે(૬.૨૭)

 

(4:51 pm IST)