Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ગુજરાતભરમાં પ્રજાના પરસેવાની રકમ ચાંઉ કરનારાઓની ૮૦ મિલ્કતો જપ્ત કરવા તજવીજ

બનાવટી કંપનીઓ ઉભી કરી તાળા મારી નાસી છુટેલા કૌભાંડકારો પર અંતે કોરડો વિંઝતી સીઆઇડીઃ ગૃહ ખાતાની લીલીઝંડી બાદ સીઆઇડી વડા આશિષ ભાટીયા ટીમ દ્વારા જાણીતી કંપનીઓની દુકાનો-પ્લોટો અને ઓફીસો ટાંચમાં લેવા ધમધમાટ

રાજકોટ, તા., ૮: રાજયના વિવિધ જીલ્લાઓમાં ચોક્કસ બનાવટી લેભાગુ કંપનીઓ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં લોભામણી અને લલચામણી જાહેરાતો દ્વારા અલગ-અલગ સ્કીમ બહાર પાડી પ્રજાના પરસેવાના પૈસાની કમાણી ચાંઉ કરી નાસી છુટનારા કૌભાંડકારોની તપાસ સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટીયાને સુપ્રત થતા જ તેઓના માર્ગદર્શન હેઠળ આવા કૌભાંડકારોની મિલ્કત જપ્તી જેવા આકરા પગલાની જાહેરાત થતા જ ખળભળાટ મચી ગયો છે.

 

રોકાણકારોની ફરીયાદીઓના કથન આધારે જે કંપનીઓને આરોપી ગણી સીઆઇડી સુત્રોના જણાવ્યા મુજબ કાર્યવાહી થઇ છે તેમાં લાઇમ લાઇટ પ્રમોશન પ્રા.લી.  મૈત્રીય પ્લોટર્સ એન્ડ સ્ટ્રકચર પ્રા.લી., મૈત્રીય સુવર્ણ સિધ્ધી પ્રા.લી., હલધર રિયાલીટી એન્ડ એન્ટરપ્રાઇઝ પ્રા.લી., વિન્ટેક શોપી પ્રા.લી. તથા શગુન ગૃપ ઓફ શગુન બિલ્ડ સ્કવેર લી., એ.એસ.એન. સીમલટી  ટ્રેડ એન્ડ સર્વિસ પ્રા.લી. નો સમાવેશ છે.

સીઆઇડી સુત્રોના જણાવ્યા મુજબ ઉપરોકત તમામ કંપનીઓએ રોકાણકારો પાસેથી નાણા બેવડા કરી આપવાની લાલચ આપી  નાણા લોકો પાસે ઉઘરાવેલ હોય કંપનીના કથીત ચેરમેનો અને ડાયરેકટરો સામે નાણા મિલ્કતોની તપાસ કરી નાણા મિલ્કતો ટાંચમાં લેવા માટે સીઆઇડી દ્વારા ગૃહ વિભાગને જીપીઆઇડી એકટ-ર૦૦૩ મુજબ દરખાસ્ત થતા ગૃહ વિભાગ દ્વારા લીલીઝંડી આપી દર્શાવેલ કંપનીઓની મિલ્કતો  ટાંચમાં લેવા હુકમ કરેલ છે.  જે કંપનીઓની મિલ્કતો ટાંચમાં લેવા હુકમ થયેલ છે તેમાં શગુન ગૃપ ઓફ શગુન બિલ્ડ સ્કવેર લી.ના અલગ-અલગ ગામે આવેલ ૮ જમીન, ૧ર પ્લોટ, એક મકાન,  ૬ ગાડીઓ તથા કુલ બે દુકાનનો સમાવેશ છે. જયારે એએસએનસીમલ્ટી ટ્રેડ એન્ડ સર્વિસ પ્રા.લી.નું મકાન-૧, હલ્ધર રિયાલીટી એન્ડ એન્ટરપ્રાઇઝ લી. ફલેટ-૪, ૧૬ પ્લોટ તથા ૧૭ દુકાન અને મૈત્રીય પ્લોટર્સ એન્ડ સ્ટ્રકચર પ્રા.લી., મૈત્રીય સુવર્ણસિધ્ધી પ્રા.લી.ની અલગ-અલગ જગ્યાની ૬ જમીન, ૪ દુકાન તથા એક ઓફીસનો સમાવેશ છે.

સીઆઇડી સુત્રોના કથન મુજબ કુલ ૮૦ જેટલી સ્થાવર મિલ્કત તથા નાણા ટાંચમાં લેવા ગૃહ ખાતાએ હુકમ કરતા સીઆઇડી દ્વારા ડીજી કક્ષાના સીઆઇડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યવાહી સક્ષમ અધિકારીઓને સોંપી આગળની કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરેલ છે.

સીઆઇડીના આવા અણધાર્યા અને ગુજરાતના ઇતિહાસમાં ભાગ્યે જ લેવાયા હોય તેવા આકરા પગલાઓની કાર્યવાહીની જાણ અન્ય કૌભાંડકારોને થતા જ ભારે ફફડાટ મચી જવા પામ્યો છે. (૪.૧૦)

(4:50 pm IST)