Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

મગફળી અગ્નીકાંડમાં ઉદ્યોગપતિ દિનેશભાઇ સેલાણી અને ગરીબ મજુરોને ખોટી રીતે ગુન્હેગાર બનાવ્યાઃ લોહાણા મહાજન

કલેકટર અને એસપી તેમજ સીઆઇડીને લોહાણા વેપારીઓ દ્વારા રજુઆત-આવેદનપત્ર આપ્યા

રાજકોટઃ અકિલા કાર્યાલય ખાતે રજુઆત કરતા રાજકોટ લોહાણા મહાજનનાસુરેશભાઇ ચંદારાણા, સંજયભાઇ ઠકરાર, દિનેશભાઇ પારી, એસ.એ.સેજપાલ, અવધેશભાઇ સેજપાલ, ડી.જે.પુજારા કિરણભાઇ નથવાણી, જીતેન્દ્રભાઇ ઠકરાર, જીતેશભાઇ હિન્ડોચા, જગદીશભાઇ નથવાણી, નીશીતભાઇ નાગ્રેચા, ઉમંગભાઇ ધડુક, નિશીતભાઇ કામાણી,  કિરીટભાઇ ઘેલાણી  સહીતનાની નેતૃત્વમાં લોહાણા વેપારી-આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૩)

રાજકોટ, તા., ૮: ગોંડલની ર૮ કરોડની  મગફળી અગ્નિકાંડમાં સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરેલા ઉદ્યોગપતિ અને ગરીબ મજુરોની વ્હારે શ્રી રાજકોટ લોહાણા મહાજન આવ્યું છે. આજે મોટી સંખ્યામાં લોહાણા સમાજના વેપારી આગેવાનોએ રાજકોટ કલેકટર અને પોલીસ વડા તેમજ સીઆઇડી ક્રાઇમને રજુઆત કરી આવેદનપત્ર પાઠવ્યું છે.

રાજકોટ લોહાણા મહાજન દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું છેકે, ગોંડલના ઉમવાડા રોડ ઉપર આવેલ રામ રાજય જીનીંગ મીલ જે સરકારશ્રીને ભાડે આપેલ. જીનીંગ મીલમાં લાગેલ આગના બનાવમાં રઘુવંશી સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ દિનેશભાઇ સેલાણી તથા ગરીબ મજુરોને ખોટી રીતે ગુન્હેગાર ગણ્યા છે.

આવેદનપત્રમાં રાજકોટ લોહાણા મહાજન વધુમાં જણાવે છે કે, વેપારી હંમેશા સમાજમાં પ્રતિષ્ઠીત નાગરીક તરીકે સમાજના દરેક કાર્યમાં યોગદાન આપે છે. લોહાણા સમાજને ખોટી રીતે કોઇ ગુન્હેગાર બનાવે તે વ્યાજબી નથી. કારણ કે શ્રી દિનેશભાઇ સલાણી રઘુવંશી સમાજનું ગૌરવ છે.  તેઓને ખોટી રીતે ગુન્હેગાર બનાવવા અન્યાયકર્તા છે. શ્રી દિનેશભાઇ સેલાણીએ માત્રને માત્ર જીનીંગ મીલ મગફળી રાખવા ભાડે આપેલ છે. મગફળી ચોરાઇ જાય કે કોઇ અકસ્માતે કાંઇ પણ મગફળી બાબતે થાય તે જવાબદારી ભાડે આપનારની ના હોય, તેઓ દ્વારા ખેડુતોના હિતમાં સરકારને મદદરૂપ થવા પોતાની જીનીંગ મીલ બંધ હોઇ જે ભાડે આપેલ અને જેનું ભાડુ પણ ટોકન રેઇટ જેવું નક્કી થયેલ છે.

રાજકોટ લોહાણા મહાજન દ્વારા વધુમાં જણાવ્યું છેકે, સત્ય બહાર લાવવા સરકાર અને પોલીસ વિભાગ તપાસ કરે જે ખરેખર ગુન્હેગાર છે તેને સજા મળે તે માટે યોગ્ય દિશા તરફ તપાસ કરવા અને લોહાણા સમાજના ગૌરવ સમાન દિનેશભાઇ સેલાણીને અને તેમના રાખેલ મજુરોને મુકત કરવા માંગણી કરી છે.

આવેદનપત્ર પાઠવતી વેળાએ સુરેશભાઇ ચંદારાણા, સંજયભાઇ ઠકરાર, દિનેશભાઇ પારી, એસ.એ.સેજપાલ, અવધેશભાઇ સેજપાલ, ડી.જે.પુજારા કિરણભાઇ નથવાણી, જીતેન્દ્રભાઇ ઠકરાર, જીતેશભાઇ હિન્ડોચા, જગદીશભાઇ નથવાણી, નીશીતભાઇ નાગ્રેચા, ઉમંગભાઇ ધડુક, નિશીતભાઇ કામાણી,  કિરીટભાઇ ઘેલાણી સહિત વિવિધ લોહાણા વેપારી મંડળના આગેવાનો જોડાયા હતા. (૪.૧૩)

(4:49 pm IST)