Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પટેલ દંપતિને આપઘાત માટે મજબુર કરનાર પુત્રવધુ જીજ્ઞાશા મોરડીયાની ધરપકડ

ભકિતનગર પોલીસે અગાઉ ચાર શખ્સોની ધરપકડ કરી'તીઃ જીજ્ઞાશા આગોતરા સાથે રજુ થતા જામીન મુકત

રાજકોટ તા. ૮ : કોઠારિયા રોડ પર આવેલ મહેશ્વરી સોસાયટીમાં પટેલ દંપતિને આપઘાત કરવા માટે મજબુર કરનાર પુત્રવધુને ભકિતનગર પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ મહેશ્વરી સોસાયટી શેરી નં.રમાં રહેતા શિક્ષક હરેશભાઇ મોરડીયા અને તેની પત્ની રમીલાબેન મોરડીયાએ ગત તા.૧૦/૧રના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં ભકિતનગર પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.ડી.વાળા, તથા રાઇટર મનહરદાન ગઢવી તથા નિલેષભાઇએ તપાસ કરતા પુત્ર જુગલ કિશોરે પ્રેમલગ્ન કરેલ હોઇ, અને તેણે અલગ-અલગ વ્યકિતઓ પાસેથી વ્યાજે પૈસા લીધેલા હતા. તે પૈસાની વ્યાજખોરો પિતા હરેશભાઇ પાસે ઉઘરાણી કરતા હોઇ, તેમજ પુત્રવધુ જીજ્ઞાશા મીલ્કત બાબતે ધાક ધમક આપતા હોઇ જેથી ત્રાસી જઇ પટેલ દંપતિએ આ પગલું ભર્યું હતું. આ બનાવમાં મૃતક હરેશભાઇની પુત્રી રીધ્ધી પ્રીન્સભાઇ અઘેરા (ઉ.૧૯) (રહે. સરધાર ભમરીયા પ્લોટ રાજદીપ સોસાયટી) એ ભકિતનગર પોલીસ મથકમાં માતા-પિતાને આપઘાત માટે મજબુર કરનારા વિજયસિંહ પઢીયાર, આકાર ભાવેશ રજપુત આકાશના મામા, નરેન્દ્રસિંહ, હાર્દિક પરસોતમભાઇ ભટ્ટી તથા તેના સાગરીતો, અનવર રજાકભાઇ માકડીયા, શિત્તલ સ્ટુડીયોવાળા તથા જુગલ કિશોરની પત્ની તથા તેનો ભાઇ કિશન અને તેના પાંચ સાગરીતો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પી.આઇ.ગઢવી તથા રાઇટર નિલેષભાઇએ તપાસ આદરી હતી. પોલીસે અગાઉ આકાશ, નરેન્દ્રસિંહ, અનવર અને કિશનની ધરપકડ કરી હતી જયારે ગઇકાલે જીજ્ઞાશા જુગલ કિશોર મોરડીયા (ઉ.વ.ર૪) (રહે. વાવડી ગામ એવન્યુ એપાર્ટમેન્ટ ૧૦ર) આગોતરા સાથે રજુ થતા પી.આઇ. ગઢવી અને રાઇટર નિલેષભાઇએ તેની અટકાયત કરી જામીન મુકત કરી હતી.(૬.૧૮)

(4:48 pm IST)