Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

દરેક ઘરમાં વરસાદના પાણી સંગ્રહનો ટાંકો તત્કાળ બનાવો

રાજકોટઃ આજે આખુ જગત વિકાસને નામે વિનાશ તરફ ઘસી રહયુ છે તે સ્પષ્ટ દેખાય છે. પીવાનાં પાણી જેવી પાયાની જરૂરીયાતમાં દરેક કુટુંબ, દરેક ગામ, દરેક શહેર સંપુર્ણ સ્વાવલંબી હોવુ જોઈએ. કોઈપણ ગામ સેંકડો કીલોમીટર દુરથી પાણી લાવવાની યોજના ઉપર આધારીત હશે તો વહેલા કે મોડા તે યોજના દગો દેશે અને આખુ ગામ તરસે મરી જશે એવુ બનવાનો પુરો સંભવ છે. એમાં પણ મોટા શહેરો જો દુર દુરથી પાણી લાવતા હોય તો કયારેક આખુ શહેર કે લાખો માણસો એક સાથે તરસથી જ મરી જાય એવી ભયંકર પરીસ્થીતિ ઉભી થવાનો સંભવ રહે છે. આપણે ગાંધીજીને ગણકાર્યા નથી અને વિકાસની પાછળ ગાંડા થયા છીએ તેનુ કોક દિવસ તો બુરૂ પરીણામ ભોગવવાનુ જ છે. આવી ભયાનક પરીસ્થિતિ આપણી આંખ સામે ફકત ત્રણ મહીનામાં જ રાજકોટ શહેરે ભોગવવી પડશે તે હવે ચોખ્ખુ દેખાય છે. પીવાનાં પાણીની કારમી તંગી આવી રહી છે. ઉનાળો કેમ કાઢવો તે મુશ્કેલ થઈ પડશે.

પીવાના પાણીનો સહેલામાં સહેલો અને સસ્તામાં સસ્તો ઉકેલ લોકોને કેમ ધ્યાનમાં આવતો નથી એ નવાઈની વાત છે. વરસાદનું પાણી દરેક ઘરમાં આખા વરસ પુરતુ સંગ્રહ થાયએ રીતે ઘરની અંદર જ પાણીના પાકા ટાંકા થાય અને તેમા વરસાદનું પાણી સીધુ જ ભરાય જાય એવુ આયોજન યુધ્ધનાં ધોરણે હાથ ધરાય તે સૌથી સહેલો અને સૌથી સસ્તો રસ્તો છે.

એક કુટુંબને પીવા માટે તથા રસોઈ માટે દરરોજ ૩૦લીટર પાણી માંડ જોઈએ. પણ આપણે ૫૦ લીટર પાણી જોઈએ. એમ માનીએ તો ૩૦૦ દિવસમાં ૧૫૦૦૦ લીટર પાણી જોઈએ. આટલુ પાણી સંધરવા માટે ૩ મીટર * ૨.૫ મીટર * ૨મીટરનો ટાંકો જમીનમાં બનાવવો જોઈએ. તો આખુ વરસ તકલીફ ન પડે. ફુટમાં ગણીએ તો ૧૦ ફુટ લંબાઈ * ૮ ફુટ પહોળાઈ *૬.૫ફુટ ઉંડાઈનો ટાંકો જોઈએ. દરેક કુટુંબે પોતાના ઘરમાં આવડો ટાંકો તાત્કાલીક બનાવી લેવો જોઈએ. જો ૬૦ ચો.વારનું મકાન હોય અને ૧૨ ઈંચ વરસાદ પડે અને તે બધુ જ પાણી ટાંકામાં લઈ જઈએ તો આખો ટાંકો ભરાય જાય. જો ૧૦૦ વાર ઉપરનું મકાન હોય તો ફકત ૬ ઈંચ વરસાદમાં જ આખો ટાંકો ભરાય જાય.

સરકાર કરોડો અને અબજો રૂપીયાની મોંઘી યોજનાઓ પીવના પાણી માટે બનાવે  છે તે કોક દિવસ દગો દેશે. તેને બદલે દરેકે દરેક ઘરમાં વરસાદનું પાણી સંગ્રહનો ટાંકો થાય તે માટે સરકારે મદદ કરવી જોઈએ. સરકાર આમ પ્રજા ઉપર નીર્દય કરવેરા નાખીને અબજો રૂપીયા ભેગા કરે છે જે માણસ દીઠ ૧૫૦૦૦ રૂપીયા રાજય સરકાર તથા ૧૫૦૦૦ રૂપીયા કેન્દ્ર સરકારનાં થાય છે એટલે માણસદીઠ ૩૦૦૦૦ રૂપિયા સરકાર ઉઘરાવે છે. પાંચ માણસનું કુટુંબ સરકારને દર વરસે દોઢ લાખ રૂપીયા આડકતરા કરવેરા રૂપે ચુકવે છે. તેથી દરેક ઘરમાં પાણીનો ટાંકો કરી આપવાની સરકારની પ્રાથમીક ફરજ છે. ખાસ કરીને ગરીબ માણસોને ટાંકો બનાવવાનું પુરે પુરૂ ખર્ચ સરકારે આપવુ જોઈએ. આવી યોજનાઓ સસ્તામાં સસ્તી બનશે. ઠેઠ નર્મદા નદીમાંથી અબજો રૂપીયાને ખર્ચ બનેલા ડેમમાંથી પાણી લાવવાનું કામ અતી જટીલ અને અતી ખર્ચાળ છે અને કયારેક યુધ્ધ જેવા પ્રસંગોમાંએ યોજના દગો દેશે અને કરોડો માણસો પોતાના ઘરોમાં જ મરી જશે. આટલી સીધી વાત લોકોને કેમ સમજાતી નથીએ ભારે દુખ અને આશ્ચર્યની વાત છે.

હમણા નર્મદા ડેમમાં પાણી ખુટી પડવાના સમાચારો આવે છે. સીંચાઈ માટે પાણી નહીં મળે એવુ સરકારે જાહેર કર્યુ છે. પરંતુ પીવા માટે પણ પાણી નહીં મળેએ વાત પાકી સમજવી. તો સમજુ માણસોએ પોતાનાં ઘરમાં તાત્કાલીક ટાંકા બનાવવા જોઈએ. ટાંકો સીમેન્ટ કોંક્રીટનો લોખંડના સળીયા નાખીને બનાવવો જોઈએ અને ટાંકાના માણસ ઉતરી શકે એવુ લોખંડનું બારણું (મેન હોલ) બજારમાં તૈયાર મળે છે તે બેસાડવુ જોઈએ. એકવાર ટાંકો ભરાઈ ગયો પછી એક વરસ સુધી પીવાનાં પાણીની ચિંતા જ નહીં. આવુ જે જ પ્રજા શાણછ અને સ્માર્ટ ગણાય. સરકાર પર આધાર રાખવાની મુર્ખાઈ લોકોએ ન કરવી જોઈએ. તો આવતુ ચોમાસુ આવે તે પહેલા દરેકે દરેક ઘરમાં પાણીનાં ટાંકા થઈ જાય તો ખરેખર રાજકોટ શહેર  સ્માર્ટ શહેર બની જાય અને દરેક ગામ પણ સ્માર્ટ બની જાય. જે માણસ પરાવલંબી હોય તે સ્માર્ટ ન હોય શકે. જે સ્વાવલંબી હોય એ જ સ્માર્ટ હોય.

વેલજીભાઇ દેસાઈ  મો.૯૨૨૭૬ ૦૬૫૭૦

(4:44 pm IST)