Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

યાજ્ઞિક રોડ પર મોટા દબાણકર્તાઓ સામે તંત્રના આંખ મિચામણાઃ કોંગ્રેસ

રાજકીય ભલામણોને કારણે કેટલાક કોમર્શીયલ બિલ્ડીંગોને છોડી દેવાયાઃ નાના વેપારીઓને ત્યાં બુલડોઝર ફેરવી દેવાયુઃ હ્યુમન રાઇટસ ડીપાર્ટમેન્ટના અશોકસિંહ વાઘેલાના આક્ષેપો

રાજકોટ તા.૮ : મ્યુ.કોર્પોરેશન દ્વારા ગઇકાલે યાજ્ઞિક રોડ ઉપર 'વન-ડે-વન રોડ' ઝુંબેશ હેઠળ માર્જીન-પાર્કીંગના દબાણો દુર કરવા જે કાર્યવાહી થઇ તેમાં કેટલાક કોમર્શીયલ બિલ્ડીંગો સામે આંખ મિચામણા થયાનો આક્ષેપ કોંગ્રેસના લીગલ એન્ડ હ્યુમન રાઇટસ ડીપાર્ટમેન્ટ દ્વારા કરાયા છે.

આ અંગે કોંગ્રેસ લીગલ ડીપાર્ટમેન્ટના અશોકસિંહ વાઘેલાએ ટાઉન પ્લાનીંગ અધિકારીને યાજ્ઞિક રોડ પરના કોમર્શીયલ બિલ્ડીંગોની યાદી આપી તપાસ કરાવવા માંગ ઉઠાવી છે. આ યાદીમાં જણાવાયા મુજબ ડી.એચ.કોલેજ સામે આવેલ બ્લુકલબથી લઇ સિલેકશન શોરૂમ સુધીના બિલ્ડીંગોમાં બાંધકામ થયેલ ફેરફારો અંગે તથા નાઇસ એન્ડ ન્યુ શોરૂમ, સરદારનગરના ખુણા ઉપર આવેલ બિલ્ડીંગની બાલ્કની કવર કરી શોરૂમ થઇ ગયાની, યાજ્ઞિક રોડ પરથી ઇમ્પીરીયલ હોટેલના પાર્કીંગની જગ્યા કવર કરી લેવાયા બાબતે, સેલર પાર્કીંગનો કોમર્શીયલ ઉપયોગ થઇ રહ્યા સહિતની બાબતોએ ધ્યાન દોરી તેની તપાસ કરાવવા માંગ ઉઠાવી છે. રજુઆતમાં એવો આક્ષેપ કરાયો છે કે ટીપી વિભાગ માત્ર કાગળ ઉપર જ દબાણો દુર કરે છે અને નાના વેપારીઓએ ગ્રાહકોની સરળતા માટે રાખેલી જાળીઓ દુર કરવા નોટીસો આપી ખોટી કનડગત કરી રહ્યા છે.(૩-૧૭)

(4:43 pm IST)