Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

હરિદ્વારથી શોધી કઢાયેલા મયંકનો કબ્જો એ-ડિવીઝન પોલીસે પરિવારજનોને સોંપ્યો

કોલેજીયન છાત્રએ હરિદ્વાર ફરવા જવું હોવાથી જાણ વગર જતો રહ્યાનું કહ્યું

રાજકોટઃ મુળ કાલાવડનો અને રાજકોટ રજપૂતપરાની છાત્રાલયમાં રહીને આત્મીય કોલેજમાં ભણતો મયંક ધર્મેશભાઇ સોઢા (ઉ.૧૯) તા. ૧ના રોજ ગૂમ થયો હતો. એ-ડિવીઝન પોલીસમાં જાણ થતાં તપાસ શરૂ થતાં તે હરિદ્વાર હોવાની માહિતી મળતાં પી.આઇ. વી.એન. યાદવની રાહબરીમાં એએસઆઇ રામગરભાઇ ગોસાઇ તથા કોન્સ. ઇન્દ્રજીતસિંહ જાડેજાએ મયંકના વાલીઓને સાથે રાખી હરિદ્વાર પહોંચી આરપીએફ, જીઆરપી અને હરિદ્વાર પોલીસની મદદ લઇ મયકંને શોધી કાઢ્યો છે. રામગરભાઇએ હરિદ્વારની હોટેલો, ધર્મશાળાઓ, ત્યાંના પોલીસને તેમજ રેલ્વેના ટીસી ગ્રુપને વ્હોટ્સએપથી મયંકના ફોટા અને વિગતો મોકલી હતી. તેના આધારે દિલ્હી-બીકાનેર રેલ્વેના ટીસીએ આ છોકરો ટ્રેનમાં હોવાની અને હરિદ્વાર જઇ રહ્યાની માહિતી આપી હતી. તેના આધારે ત્યાં પહોંચી મયંકને શોધી કઢાયો હતો. આજે તેને રાજકોટ લઇ આવવામાં આવ્યા બાદ એ-ડિવીઝન પોલીસ મથકેથી તેનો કબ્જો વાલીઓને સોંપાયો હતો. મયંકે પોતાને ફરવા જવું હોવાથી જાણ કર્યા વગર નીકળી ગયાનું કહ્યું હતું.

(4:42 pm IST)