Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

નવાગામમાં દાઝી જતાં કોળી દંપતિ ખંડિતઃ પતિનું મોત

ત્રણ માસુમ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૮: નવાગામમાં દાઝી જતાં કોળી દંપતિ ખંડિત થયું છે. પતિનું મોત નિપજ્યું છે અને પત્નિ સારવાર હેઠળ છે. બનાવથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

નવાગામ શકિત સોસાયટીમાં રહેતી સોનલબેન પાંચા રાઠોડ (ઉ.૨૫) નામની કોળી પરિણીતા ગઇકાલે સવારે આઠેક વાગ્યે સ્ટવમાં ચા બનાવતી હતી ત્યારે ભડકો થતાં લપેટમાં આવી ગઇ હતી. ઠારવા જતાં પતિ પાંચા ગોવિંદભાઇ રાઠોડ (ઉ.૨૮) પણ દાઝી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આજે વહેલી સવારે પતિ પાંચા રાઠોડનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મૃતક પાણીની છકડો રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતો હતો. તે પાંચ ભાઇમાં સોૈથી નાનો હતો. સંતાનમાં એક પુત્રી અને બે પુત્રી છે. આ ત્રણેયએ પિતા ગુમાવ્યા છે.

શ્રીનાથજી સોસાયટીની ૩ વર્ષની ક્રિષ્ના ગરમ પાણીના તગારામાં બેસી જતાં દાઝી

મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં કલ્પેશ અઘેરા (કોળી)ના પત્નિ ૩ વર્ષની દિકરી ક્રિષ્નાને લઇ ગોંડલના ચરખડી ગામે કેટરર્સનું કામ કરવા ગઇ હોઇ ત્યાં ક્રિષ્ના રમતાં-રમતાં ગરમ પાણી ભરેલા તગારામાં બેસી જતાં દાઝી જતાં સારવાર માટે દાખલ કરાઇ છે. તે એક ભાઇથી નાની છે.

ફટાકડાનો દારૂ ભેગો કરી સળગાવ્યોઃ ૭ વર્ષની સરસ્વતિ દાઝી ગઇ

રૈયા ચોકડી પાસે જનતા ડેરી નજીક ફૂટપાથ પર રહેતાં અને કડીયા કામ કરતાં મુળ દાહોદના રાજુ સંગાળની દિકરી સરસ્વતિ (ઉ.૭) રમતા-રમતાં કોઇએ લગ્નમાં ફોડેલા ફટાકડાના સુરસુરીયા ભેગા કરી ઝૂપડે લાવ્યા બાદ તેમાંથી દારૂ ભેગો કરી સળગાવતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. તે પાંચ બહેન અને એક ભાઇમાં ત્રીજી છે.

ફિનાઇલથી ઝેરી રવિના સોલંકીને ઝેરી અસર

પુષ્કરધામ પાસે આરએમસી કવાર્ટરમાં રહેતી રવિના હર્ષદ સોલંકી (ઉ.૨૧) ફિનાઇલ પી જતાં સિવિલમાં ખસેડાતાં પોલીસને જાણ કરાઇ હતી. તેના સગાએ જણાવ્યું હતું કે મોઢાથી ફિનાઇલની બોટલનું ઢાંકણું ખોલતી વખતે ભુલથી થોડી ફિનાઇલ મોઢામાં જતી રહી હતી.

સખીયા નગરમાં નવોઢા દિવ્યાએ ફિનાઇલ પીધું

બીજા બનાવમાં એરપોર્ટ રોડપર સખીયાનગર-૩માં રહેતી દિવ્યા મિતાફ વૈદ (ઉ.૨૨) સાંજે ફિનાઇલ પી જતાં સિવિલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. લગ્ન નવ વર્ષ પહેલા જ થયા છે. તેણીએ પોલીસને કહ્યું હતું કે કોઇનો ત્રાસ કે દુઃખ નથી, પર્સનલ બાબતને કારણે આ પગલું ભર્યુ હતું. ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.એ. ધાંધલીયાએ નિવેદન નોંધ્યું હતું.

(12:53 pm IST)